વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડી:મોદી કેબિનેટમાં પ્રસ્તાવ ...
સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. PMની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન, વન ઇલેક્શનના...
September 18, 2024
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાતી સિંગરે અનંત અંબાણીના મામેરામાં સોંગ ગાયું ને નીતાબેન તાળીઓ પાડવા લાગ્યાં
Vadodara News Network September 14, 2024
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગરના તાલે ઝૂમવા તૈયાર છે. મુંબઈના ખેલૈયાઓ ગુજરાતી એવાં આરતી વારાની નવરાત્રિમાં ગરબા રમવા માટે ઉત્સુક હોય છે. આરતી વારા પતિ સાથે અચૂકથી નવરાત્રિમાં શિવસ્તુતિ ગાય છે. વાચકોને નવાઈ લાગશે કે શિવસ્તુતિને કારણે જ આરતી વારા-પ્રકાશ વાડેકરને અનંત અંબાણીના મામેરાની વિધિમાં પર્ફોર્મ કરવાની તક મળી. તાજેતરમાં જ દિવ્ય ભાસ્કર એપે આરતી વારા સાથે વાત કરી હતી. વાતચીતમાં આરતી વારાએ કેવી રીતે અંબાણીને ત્યાં પર્ફોર્મન્સની તૈયારી કરવાથી લઈને નીતા અંબાણીનું રિએક્શન શું હતું એ સહિતની વાતો કરી હતી. અંબાણી ઉપરાંત આરતીબેને બંદીશ અજમેરાની દીકરી, આરતી ઇન્ડસ્ટ્રી પરિવાર, નાગપુરના પેટ્રોકેમિકલનો બિઝનેસ કરતા ખારા ફેમિલીના વેડિંગ સહિત અલગ-અલગ જગ્યાએ પર્ફોર્મ કર્યું છે.
‘પ્રિન્સિપાલે સંગીતમાં તાલીમ આપવાનું કહ્યું’ મુંબઈમાં જન્મેલાં આરતીબેનના પરિવારમાંથી કોઈ જ સંગીત સાથે જોડાયેલું નથી. આરતીબેન કહે છે, ‘મારા દાદાને ભજન લખવાનો ઘણો જ શોખ હતો ને મને પણ વારસામાં લખવાનો શોખ મળ્યો. સ્કૂલમાં ભણતી ત્યારે 15મી ઓગસ્ટે મેં પહેલી જ વાર ‘એ મેરે વતન કે લોગો…’ ગાયું તો પ્રિન્સિપાલે મમ્મીને એમ કહ્યું કે મને સંગીતની તાલીમ આપે તો હું એમાં આગળ વધી શકું છું. પ્રિન્સિપાલની વાત માનીને પેરેન્ટ્સે પછી મને ક્લાસિકલ મ્યુઝિકના ક્લાસમાં મૂકી. આ સમયે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું પ્રોફેશનલ સિંગર બનીશ. મેં હંમેશાં શીખવા પર જ ભાર મૂક્યો.’
’14 વર્ષની ઉંમરે નવરાત્રિમાં ગાવાની તક મળી’ વાતને આગળ વધારતાં આરતીબેન કહે છે, ’14 વર્ષની ઉંમરે જ મને નવરાત્રિના દસ દિવસ ગરબા ગાવાની તક મળી. હું નાની હતી ત્યારથી જ ગુજરાતી સિંગર જયશ્રી ભોજવિયાને સાંભળતી. તેમને જોઈને નક્કી કર્યું હતું કે મારે પણ તેમની જેમ સ્ટેજ પર ગાવું છે. તેઓ ‘આવો તો રમવા ને…’ ઘણીવાર ગાતા ને આ ગરબો મારો ફેવરિટ છે. જ્યારે હું પહેલી જ વાર સ્ટેજ પર ગઈ ત્યારે મેં આ જ ગરબો ગાઈને શરૂઆત કરી હતી. સ્કૂલમાં હું અલગ-અલગ એક્ટિવિટીમાં ભાગ લેતી એટલે સ્ટેજ ફિયર તો બિલકુલ નહોતું. બીજા માટે કદાચ આ સપનું જ કહી શકાય, પરંતુ હું નસીબદાર હતી કે હજી શીખવાની શરૂઆત જ કરી ને મને નવરાત્રિમાં ગાવાની તક મળી. એ સમયે પૈસા મહત્ત્વના નહોતા. મને એ સમયે નવરાત્રિમાં ગાવાના પાંચ હજાર રૂપિયા મળ્યા હતા.’
‘આજે એક શોના પાંચ લાખ રૂપિયા’ પાંચ હજારથી શરૂઆત કરનાર આરતીબેનની ફી હાલમાં કેટલી છે એ પૂછતાં તેમણે કહ્યું, ‘મુંબઈમાં પર્ફોર્મ કરવાનું હોય તો અમારી ફી 5 લાખ રૂપિયા છે અને મુંબઈ બહાર ફી વધી જાય છે.’
‘આજે મારો ગરબો રિલીઝ થયો’ આરતીબેન નાનપણથી જ લખે છે તો જ્યારે પૂછવામાં આવ્યું કે તમે લખેલાં ગીતો પરથી મ્યુઝિક વીડિયો બનાવ્યો કે નહીં, એના જવાબમાં તેમણે કહ્યું, ‘આજ સુધી મને ક્યારેય વીડિયો બનાવવાનો વિચાર નહોતો આવ્યો, પરંતુ આ વર્ષે મારો પહેલો ગરબો ‘છોડ તારી કૉફી, મને છાશ ગમે છે, છોડ તારો ડિસ્કો, મને રાસ ગમે છે…’ આજે રિલીઝ થયો છે. મને લાગે છે કે ગરબારસિયાઓને આ ગરબો ઘણો જ ગમશે. આ ગરબામાં મ્યુઝિક મેં આપ્યું છે. આ ગરબો મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યો છે અને અંદાજે 20 લાખ રૂપિયા ખર્ચ થયો છે.’
‘માત્ર લગ્નગીતો જ ગાતાં નથી, અર્થ ને વિધિનું મહત્ત્વ પણ સમજાવીએ’ આરતીબેને પતિ પ્રકાશભાઈ સાથે ‘શુભઘડી’ વેડિંગ બેન્ડ શરૂ કર્યું છે. એ અંગે સિંગર કહે છે, ‘અમે આ બેન્ડ 2020માં લૉકડાઉન પૂરું થયું ને તરત જ શરૂ કર્યું. એ પહેલાં અમે વેડિંગ શો કરતાં હતાં, પરંતુ અમારી કોઈ બ્રાન્ડ નહોતી, આથી જ અમને વિચાર આવ્યો કે માર્કેટમાં અલગ ઓળખ ઊભી કરવી હશે તો એક બ્રાન્ડ બનાવવી પડશે. અમે અમારા બેન્ડ પાછળ ઘણી જ મહેનત કરી છે અને ત્રણ જ વર્ષમાં અમે બ્રાન્ડને એક લેવલ સુધી પહોંચાડી. અમે વેડિંગમાં નાનામાં નાની વિધિથી લઈ લગ્ન થાય ત્યાં સુધીનાં તમામ ગીતો ગાઈએ છીએ. લગ્નગીતોની સાથે અમે વૈદિક મંત્રોચ્ચાર કરીએ અને લગ્નની દરેક વિધિ પાછળનું મહત્ત્વ સમજાવીએ. મારા પતિ જ આ બેન્ડ સંભાળે છે. અમારી ટીમમાં 10 લોકો છે અને વેડિંગ શો કરીએ છીએ. બોલિવૂડ માટે અમારી ટીમ અલગ છે.’
‘પરિવારે શરૂઆતમાં વિરોધ કર્યો, પછી માની ગયા’ આરતીબેન ગુજરાતી છે અને તેમણે લગ્ન મરાઠીમાં કર્યાં છે. પોતાની લવસ્ટોરી અંગે વાત કરતાં તેઓ જણાવે છે, ‘પ્રકાશ વાડેકર મ્યુઝિક સાથે સંકળાયેલા હોવાથી એક શોમાં મળ્યાં. અમે વાતચીત કરી ને જેમ બધાની લવસ્ટોરી શરૂ થાય એમ મારી પણ થઈ. અમારી વચ્ચે કોમન ઇન્ટરેસ્ટ ઘણા છે અને આ જ કારણે અમારો રેપો ઘણો જ સારો છે. હું ને પ્રકાશ બંને આધ્યાત્મિક છીએ. નાનપણથી જ હું હીલિંગ કરું છું. તેઓ પણ મહાદેવના ભક્ત ને હું પણ મહાદેવની ભક્ત. આ કનેક્શનને કારણે જ અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં એમ માનું છું. મરાઠી હોવાને કારણે મારો પરિવાર તરત જ આ સંબંધ માટે તૈયાર નહોતો. તેમણે શરૂઆતમાં વિરોધ કર્યો. મારે પ્રકાશ સાથે જ લગ્ન કરવા હતા તો પછી સમય રહેતાં પેરેન્ટ્સને મનાવ્યા ને અંતે અમારાં લગ્ન થયાં. અમારે દીકરી હિયા છે.’
‘મુંબઈની એ નવરાત્રિ ક્યારેય નહીં ભુલાય’ આરતીબેન કહે છે, ‘ગયા વર્ષે 2023માં નવરાત્રિમાં મુંબઈની સહારા સ્ટાર હોટલમાં અમે પર્ફોર્મ કર્યું હતું. આ વર્ષે પણ ત્યાં જ છીએ. મારા પતિ પ્રકાશ મંત્રોચ્ચાર ઘણી જ સારી રીતે કરી શકે છે. તેમણે નવરાત્રિમાં શિવસ્તુતિ ગાઈ હતી. આ શિવસ્તુતિ અમે જાતે જ લખેલી છે ને રાગ આપ્યો છે. આ અમારું પોતાનું ક્રિએશન છીએ. આ શિવસ્તુતિ ખેલૈયાઓને ઘણી જ ગમી હતી. ત્રણવાર વન્સમોરની બૂમો પડી હતી અને અમે ત્રણવાર ગાઈ હતી. આ ગરબામાં નીતા અંબાણીના કઝિન ભાઈ સમીર સાતા આવ્યા હતા. સમીર સાતાને પણ અમારી શિવસ્તુતિ ઘણી જ ગમી. નવરાત્રિ બાદ સમીર સાતાએ અમારો સંપર્ક કર્યો હતો.’
‘સમીર સાતાએ અનંતના લગ્નમાં પર્ફોર્મ કરવાનું કહ્યું’ વધુમાં વાત કરતાં આરતીબેન જણાવે છે, ‘સમીર સાતાએ જ અનંત અંબાણીનાં લગ્ન હોવાની જાણ કરી હતી ને મામેરાની વિધિ એન્ટિલિયામાં યોજાશે એમ કહ્યું હતું. સમીર સાતાએ એમ કહ્યું હતું કે મામેરું દલાલ પરિવાર તરફથી છે અને અમારે એમાં પર્ફોર્મ કરવાનું છે. અનંતનાં લગ્નના ચાર મહિના પહેલાં અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અમારા માટે ઘણી જ મોટી તક હતી અને આ તક અમને સામેથી મળી.’
‘અનંત અંબાણીની મામેરાની વિધિનાં રિહર્સલ શરૂ કર્યાં’ ‘રિહર્સલની વાત કરું તો અમને જ્યારે ફાઇનલ કરવામાં આવ્યા ત્યારથી જ શરૂ કરી દીધા હતા. અમે શરૂઆતમાં રિહર્સલ કરીને સમીરભાઈને મોકલાવતા અને તે જે સુધારા કરીને આપે એ અમે તરત જ કરીને પાછા મોકલતા. સમીરભાઈને અમને વધારે પડતી સૂચનાઓ આપવી પડી નહોતી. અમને ખ્યાલ આવી ગયો હતો કે અંબાણી પરિવારને શું જોઈએ છીએ, જોકે અમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે જ્યારે દલાલ પરિવાર રાધિકાને શિવલિંગ ગિફ્ટમાં આપે છે ત્યારે અમારે શિવ-કૃષ્ણને કનેક્ટ કરીને અનંત-રાધિકાનાં નામ આવે એ રીતે આખી વાત વર્ણવવાની હતી. આ માટે અનેક રાઇટર્સે સ્ક્રિપ્ટ આપી હતી. પ્રકાશ રાઇટર હોવાથી તેમણે પણ બહુ જ સુંદર રીતે સ્ટોરી લાઇન બનાવીને આપી હતી. ભગવાનની દયાથી પ્રકાશની સ્ક્રિપ્ટ સિલેક્ટ થઈ ગઈ.’
‘અનંત અંબાણીનું એન્ટ્રી સોંગ તૈયાર કર્યું’ ‘આ ઉપરાંત, મામેરાની વિધિમાં અનંત અંબાણીની એન્ટ્રી થાય છે ત્યારે એક રેકોર્ડિંગ સોંગ વગાડવામાં આવ્યું હતું. ‘જોધા અકબર’ (2008)નું ગીત ‘અઝીમ ઓ શાન શહેનશાહ…’માં ફેરફાર કરીને અમે ગીત તૈયાર કર્યું હતું. આ સોંગ એ.આર. રહેમાનના સ્ટૂડિયોમાં અમારા જ બેન્ડના પાંચ-છ મેલ સિંગર્સે રેકોર્ડ કર્યું હતું. અમે ગીતના શબ્દો આ રીતે રાખ્યા હતા,
‘દલાલ કા દુલારા, અંબાણી કા શેહઝાદા, ફરમા રવા, ફરમા રવા, હંમેશાં હંમેશાં સલામત રહે, સબકી જાન, સબકી શાન અનંત હમારા, સબસે પ્યારા સબસે ન્યારા શેહઝાદા હમારા મરહબા મરહબા……’
આ દરમિયાન સમીર સાતાને ખ્યાલ આવ્યો કે પ્રકાશ સારા નેરેટર પણ છે તો તેમણે સ્પીચ પ્રકાશ પાસે જ બોલવડાવી હતી. મામેરામાં અનંત-રાધિકા સ્ટેજ પર બેઠાં હતાં અને પ્રકાશે સ્પીચ આપતાં કહ્યું હતું,
‘અનંત કો અનંત સે જોડનેવાલી જો સાધિકા હૈ વો રાધિકા હૈ, અનંત સિદ્ધ હૈ તો રાધિકા સિદ્ધિ હૈ, અનંત શિવ હૈ તો રાધિકા શક્તિ હૈ, અનંત પ્રેમ કા આધાર તો રાધિકા પ્રેમ કા સાર હૈ, રાધિકા હૈ અનંત કી શક્તિ રાધિકા હૈ અનંત કી ભક્તિ રાધિકા હૈ અનંત કા પ્રેમ, ઔર ઇનકો આશીર્વાદ દેને આ રહે હૈ સ્વયં મહાદેવ…’
‘સ્પીચની છેલ્લી લાઇન પ્રકાશ બોલે એટલે તરત જ મમતાબેન (નીતા અંબાણીના બહેન) હાથમાં શિવલિંગ લઈને આવે છે. બ્રાહ્મણ અનંત-રાધિકા પાસે પૂજા કરાવે છે અને પ્રકાશ શિવસ્તુતિ બોલે છે. આ ઘણો જ આધ્યાત્મિક અનુભવ થયો હતો. આ વિધિ બાદ મુકેશભાઈના પિતા ધીરુભાઈ અંબાણી ને નીતાબેન પિતા રવિન્દ્રભાઈ દલાલનું મોટું પોર્ટ્રેટ નીચે આવે છે. આ દરમિયાન પણ પ્રકાશે પોતે જ લખેલી સ્પીચ બોલી હતી,
‘મૈં સમય હૂં, મૈં સાક્ષી હૂં આજ કે આનંદ કા જિસમેં આને વાલી ખુશિયોં કે વાદે હૈં ઔર બીતે કલ કી ખૂબસુરત યાદેં હૈં ઉનકી જો ઇસ પરિવાર કે આધારસ્તંભ હૈં ઔર જિનકે નામ સે હર કામ કા શુભારંભ હૈ….’
જ્યારે પોર્ટ્રેટ નીચે આવે ત્યારે આખા ગાર્ડનમાં અંધારું થઈ જાય. આ અનુભવ પણ કમાલનો હતો. મામેરાની વિધિમાં હું ને પ્રકાશ બે જ ગયાં હતાં. ત્યાં અમે શિવ સ્તુતિ, ગણેશ વંદના, ક્રિશ્ના-રાધિકા સ્તુતિ ગાઈ. આ ઉપરાંત મેં ‘એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ…’ ગાયું હતું. આ ગીત અંબાણી પરિવારના એક-એક સભ્યે મારી સાથે ગાયું હતું. આ આખું પર્ફોર્મન્સ એક કલાકનું હતું.’
અંબાણી-દલાલ પરિવારનું રિએક્શન શું હતું? અંબાણી પરિવારના રિએક્શન અંગે સિંગર જણાવે છે, ‘અમે જ્યારે સ્તુતિ-શ્લોક ગાતાં ત્યારે અંબાણી-દલાલ પરિવાર ધ્યાનથી સાંભળતો. દલાલ પરિવાર જ્યારે રાધિકાને શિવલિંગ ભેટમાં આપે છે ત્યારે નીતાબેન એકદમ ખુશ થયા ને તાળીઓ પાડવા લાગ્યાં હતાં.’
વધુમાં તેઓ કહે છે, ‘મામેરાની વિધિમાં જ સમીરભાઈએ ઓળખાણ કરાવી ને નીતાબેને બે હાથ જોડીને અમારું સ્વાગત કર્યું ને ઘણાં જ પ્રેમથી મળ્યાં. આટલાં વ્યસ્ત હોવા છતાં તેમણે અમારી સાથે થોડી મિનિટો વાત કરી. નીતા અંબાણીએ વખાણ કરતાં કહ્યું હતું કે તમે જે પર્ફોર્મન્સ આપ્યું તે અમને બહુ જ ગમ્યું છે અને તમે બહુ જ સારું કર્યું.’
‘મનમાં થોડી અવગઢ હતી’ અંબાણી પરિવારના ત્યાં પર્ફોર્મ કરવાનું હોય ત્યારે નર્વસનેસ હતી કે નહીં તે અંગે આરતીબેન કહે છે, ‘ત્રણ જુલાઈએ એન્ટિલિયામાં વિષ્ણુ ગાર્ડનમાં મામેરાની વિધિ યોજાઈ હતી. અમે ત્રણ-ચાર દિવસ પહેલાં જ એન્ટિલિયામાં જઈને રોજ રિહર્સલ કરતાં. એક બાજુ અમારું રિહર્સલ ચાલતું ને બીજી બાજુ ડેકોરેશનથી લઈને અલગ-અલગ તૈયારીઓ ચાલતી. આ દરમિયાન એકવાર પણ નીતાબેન કે મુકેશભાઈ જોવા આવ્યા નહોતા. જ્યારે વિધિનો દિવસ આવ્યો ત્યારે મનમાં થોડી અવઢવ હતી. અમે આ પહેલાં ઘણાં પૈસાદર પરિવારોમાં પર્ફોર્મ કર્યું છે પણ અંબાણી પરિવારનું નામ આવે એટલે મનમાં થાય કે ત્યાં જઈને શું થશે? પર્ફોર્મન્સ કેવું રહેશે? અંબાણી પરિવાર કેવી રીતે વેલકમ કરશે? કેવી રીતે ટ્રિટ કરશે? સ્ટાફ કેવી રીતે વર્તન કરશે? આ બધી વાતો સતત મનમાં ચાલતી. જોકે, હું તો એટલું જ કહીશ કે અંબાણી પરિવારનો એકે એક સભ્ય ઘણો જ વિનમ્ર છે.’
‘અમે આઇવરી વ્હાઇટ રંગનાં કપડાં પહેર્યાં’ સામાન્ય રીતે અંબાણી પરિવાર જે આર્ટિસ્ટ પર્ફોર્મ કરવાના હોય તેના આઉટફિટથી લઈ મેકઅપ અંગે સૂચના આપતા હોય છે. આરતીબેને આ અંગે કહ્યું, ‘સામાન્ય રીતે આર્ટિસ્ટે ઇવેન્ટની થીમ પ્રમાણે જે-તે કલર કોમ્બિનેશનના આઉટફિટ પહેરવાના હોય છે. અમને એવી કોઈ સૂચના આપવામાં આવી નહોતી. અમને ખ્યાલ હતો કે પિંક થીમ છે, પરંતુ અમારે થીમથી થોડું અલગ દેખાવવું હતું તો અમે પિંકની સાથે આઇવરી વ્હાઇટ મેચ થઈ જાય એટલે એ રંગના આઉટફિટ પહેર્યા.’
એન્ટિલિયા કેવું છે? એન્ટિલિયાની વાત કરતાં આરતીબેન જણાવે છે, ‘એન્ટિલિયા ઘણું જ સુંદર છે. વિષ્ણુ ગાર્ડનમાં વિષ્ણુ ભગવાનનું લાકડાનું સ્કલ્પચર અદભુત છે. ફૂડ પણ મસ્ત હતું. ડેકોરેશન જોઈને તો આંખો જ ચકરાઈ જાય. અંબાણી પરિવારે નાનામાં નાની વાતનું ધ્યાન રાખ્યું હતું. સિક્યોરિટીની વાત કરું તો એકદમ ટાઇટ હતી. સમીરભાઈને કારણે અમારી સ્પેશિયલ એન્ટ્રી હતી. અન્ય મહેમાનોને એન્ટ્રી પાસ આપવામાં આવ્યા હતા. ફોનના કેમેરા પર સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં. અમે જાણે ઘરની જ વ્યક્તિ હોઈએ એ રીતે અમને ઇન્વાઇટ કરવામાં આવ્યાં. અમારી પર આટલાં રિસ્ક્ટ્રિક્શન નહોતાં. સ્ટાફ પણ ઘણો જ વિનમ્ર હતો ને દરેક સાથે રિસ્પેક્ટથી વાત કરતો. ત્યાં તમને કોઈ વ્યક્તિમાં અભિમાન જોવા મળે નહીં. અંબાણી પરિવારમાં તમે એક નાનીઅમથી પણ ભૂલ કાઢી શકો નહીં. મહેમાનોથી માંડીને દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.’
એન્ટિલિયા તરફથી અમને કહેવામાં આવ્યું હતું કે પર્ફોર્મન્સ પૂરું થાય એટલે અમે તરત જ સો.મીડિયામાં ફોટો કે વીડિયો પોસ્ટ કરીએ નહીં. થોડો ટાઇમ બાદ પોસ્ટ શૅર કરી હતી. અમને અંબાણી પરિવાર તરફથી પણ ફોટો-વીડિયો આપવામાં આવ્યા હતા.’
‘પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે CS પૂરું કરી ના કરી શકી’ ’14 વર્ષની ઉંમરે શરૂ કરેલી આ સફર હજી પણ અવિરત ચાલી રહી છે. ગ્રેજ્યુએશન બાદ મેં CSમાં એડમિશન લીધું, પરંતુ બે વર્ષ ભણીને પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે હું ભણી જ ના શકી. આ ફિલ્ડમાં આગળ વધવા માટે મને પેરેન્ટ્સ ને દાદીએ સતત પ્રોત્સાહન આપ્યું. શરૂઆતના આઠથી નવ વર્ષ મેં મુંબઈ ને ભારતમાં જ શો કર્યા. ત્યારબાદ મને ફોરેનના શો મળવા ને પછી હું ઇંગ્લેન્ડ, સહિત અમેરિકાના મોટાભાગના શહેરોમાં ગરબા શો કર્યા છે. અમેરિકાની ઘણી ટૂર કરી છે.’
‘સુરતમાં સૌથી વધારે પર્ફોર્મન્સ આપ્યાં’ ‘મેં ગુજરાતમાં સૌથી વધારે ત્રણ વર્ષ સુધી સુરતમાં નવરાત્રિના શો કર્યા. આ ઉપરાંત સુરતના એના ગામમાં બે વર્ષ પર્ફોર્મ કર્યું. અમદાવાદ, બરોડા, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં સિંગિંગ શો કર્યા છે.’
‘સાત હજારથી વધુ શો કર્યા’ આરતીબેન કહે છે, ‘વર્ષે 75-80 જેટલા શો કરતી હોઉં છું. જાન્યુઆરી, માર્ચ, જૂન-જુલાઈમાં વેડિંગ સિઝન ના હોવાથી ત્યારે ઘણીવાર વિદેશના શો આવી જતા હોય છે. આ ફિલ્ડમાં ખાસ્સા વર્ષો થયા ને કરિયરની શરૂઆત કરી ત્યારે હું દિવસમાં બે-બે શો કરતી. અત્યાર સુધી સાત હજારથી વધુ શો કર્યા છે.’
‘ઉર્દૂ પણ શીખી’ ક્લાસિકલ સિગિંગમાં વિશારદ કરનાર આરતીબેન કહે છે, ‘ટ્રેનિંગમાં વચ્ચે ઘણા બ્રેક આવ્યા, પરંતુ મેં પૂરું કર્યું. હું સ્પષ્ટ રીતે માનું છું કે સતત શીખતા રહેવું જોઈએ અને તેનાથી તમારી ટેલેન્ટ શાર્પ બને છે. ક્લાસિકલ ટ્રેનિંગ લીધા બાદ હું ઉર્દૂ ને વેસ્ટર્ન મ્યૂઝિક શીખી. ઉર્દૂ શીખવા પાછળનો તર્ક સમજાવતાં સિંગર જણાવે છે, મને હિંદી સોંગ્સના શો પણ આવતા તો મને લાગ્યું કે ઉર્દૂ શીખીશ તો સારી રીતે ગાઈ શકીશ, કારણ કે બોલિવૂડમાં ઉર્દૂ શબ્દો ઘણા આવતા હોય છે. ઉર્દૂ શબ્દોનું ઉચ્ચારણ અલગ હોય છે. આ ઉપરાંત હું લખું છું તો હું ઉર્દૂ શબ્દોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીશ.’
લગ્નમાં યજમાન કેવી ડિમાન્ડ કરે છે? આરતીબેન યજમાનની ડિમાન્ડ અંગે વાત કરતાં કહે છે, ‘સામાન્ય રીતે એવી ડિમાન્ડ હોય છે કે લગ્નમાં આવનાર મહેમાનોને મજા આવે. ક્લાયન્ટનો વિશ્વાસ અમે ક્યારેય તૂટવા દેતા નથી. વેડિંગમાં મોટાભાગે બ્રાહ્મણ અમારા જ હોય છે. જોકે, ઘણીવાર યજમાન પોતાના બ્રાહ્મણ પણ રાખતા હોય છે. ત્યારે અમે યજમાનના બ્રાહ્મણને લગ્ન પહેલા મળીને તમામ વિધિ સમજીએ ને એ રીતે કો-ઓર્ડિનેશનનું ધ્યાન રાખીએ. ઘણીવાર વેડિંગ શોમાં એવું બન્યું છે કે યજમાનને ગીત પસંદ હોય, પરંતુ મહેમાનોને ના ગમે તો તેઓ બીજાં ગીતો ગાવાની ફરમાઇશ કરતાં હોય છે.’
‘ક્લાયન્ટ કહે તો જ ફટાણાં ગાઈએ’ આરતીબેન કહે છે, ‘ફટાણાને કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડા પણ થયેલા છે. આ જ કારણે અમે લગ્ન પહેલાં જ ફટાણાં ગાવાનાં છે કે નહીં તેની ચોખવટ કરી લેતાં હોઈએ છીએ. ઘણા પરિવારો ફટાણાં ગાવાની ના પાડી દે છે. ફટાણાં ગાતી વખતે કોઈને ખોટું ના લાગી જાય તેનું ખાસ્સું ધ્યાન રાખવું પડે છે.’
‘દુલ્હને રામ-સીતાનાં ગીતો ગાવાની ના પાડી દીધી’ પહેલાં ને અત્યારનાં લગ્નમાં આવેલા ફેરફાર અંગે સિંગર જણાવે છે, ‘લગ્નમાં ઘણા સારા ફેરફાર થયા છે. પહેલાં એવું હતું કે લગ્નગીતોમાં ફક્ત ગીતો જ ચાલતાં. પહેલાં ક્લાયન્ટ્સ ચૂઝી નહોતા ને અમને કહી દે કે તમારે જે ગાવું હોય તે ગાઈ લેજો. હવેના ક્લાયન્ટ્સ ગીત પણ પસંદ કરીને આપતા હોય છે. વેડિંગ હવે રૉયલ થયા છે. વરરાજા ને દુલ્હન પણ પોતાની ડિમાન્ડનાં ગીતો પહેલેથી જ કહી દે છે. અમારાં ગીતો, શ્લોકોમાં વરરાજા-દુલ્હન સૂચનો આપતાં હોય છે, જેમ કે અમે એક વેડિંગમાં પર્ફોર્મ કર્યું હતું તો દુલ્હનની કહેલી વાત મને પસંદ નહોતી, પરંતુ અમારે તો જે ક્લાયન્ટ્સ કહે એ કરવાનું. દુલ્હને એવું કહ્યું હતું કે તમે લગ્નમાં રાધા-ક્રિશ્ના ને રામ-સીતાનાં ગીતો કે લોકગીતો ના ગાતા. દુલ્હને કારણ એવું આપ્યું કે તેમનું લગ્નજીવન સુખી નહોતું. આધ્યાત્મિક રીતે તેઓ સારાં છે, પરંતુ લગ્નમાં તેમને રિલેટેડ કંઈ જ ગાતાં નહીં.’
‘આ ગરબા નવરાત્રિમાં અચૂક ગાઉં છું’ નવરાત્રિમાં ‘પંખીડા તુ ઊડી જજે’, ‘કૃષ્ણ ભગવાન ચાલ્યા…’. ‘ઓઢણી ઓઢું…’ તથા હાલના નવા ગરબા ઉપરાંત ‘મા પાવા તે ગઢથી…’ જેવા ગરબા અચૂક ગાતી હોઉં છું. તે ગવાતા જ હોય છે. નવરાત્રિમાં અમે ક્યારેય ગરબા જોઈને ગાતા નથી. અમને મોટાભાગે બધા જ ગીતો ને ગરબા યાદ છે. જ્યારે ‘લગ્નમાં અમે ‘પહેલું પહેલું મંગળિયું વર્તાય…’ અચૂક ગાઈએ. ફેરા દરમિયાન આ ગીત ઉપરાંત બીજા ત્રણેક ગીતો છે, પરંતુ ક્લાયન્ટ્સ આ જ ગીત પસંદ કરે છે. અમે આ ગીત વખતે પહેલાં ફેરા ફરવાનો શ્લોક ગાઈએ, પછી પહેલું પહેલું મંગળિયું… ગાઈએ. અમે દરેક વિધિમાં પહેલાં શ્લોક ને પછી ગીત એ રીતે પર્ફોર્મ કરીએ.’
‘રિયાઝથી અવાજ સુમધુર થાય’ રિયાઝની વાત કરતાં આરતીબેન કહે છે, ‘સિંગર માટે રિયાઝ બહુ જ જરૂરી છે. રિયાઝથી અવાજ સુમધુર બને છે. નિયમિત રિયાઝ કરનારનો અવાજ ક્યારેય બેસતો નથી. એકવાર હું રિયાઝ કરવા બેસું તો પછી બે-ત્રણ કલાક થઈ જાય. હું રોજ રિયાઝ કરી શકતી નથી, પરંતુ ટ્રાય કરું કે રિયાઝ માટે સમય ફાળવી શકું.’
‘શરૂઆતમાં ગળું બેસી જતું’ સિંગર હોઈએ ત્યારે ગળું સારું રહે તે આરતીબેન કહે છે, શરૂઆતમાં એવું થતું કે નવરાત્રિમાં દસે દસ દિવસ ગીતો ગાવાનાં હોય તો ઘણીવાર ગળું બેસી જતું. ઊંચા સ્વરે ગીત ગાઈ લીધું હોય ત્યારે ગળું બેસી જતું. જોકે, હવે ખ્યાલ આવી ગયો કે ગરબા કઈ રીતે ગાવા જોઈએ. જોકે, ભગવાન કૃપાથી મારે ક્યારેય શો કેન્સલ કરવો પડ્યો નથી. હાલમાં તો હું ચોક્કસ કોઈ ઉપાયો કરતી નથી. બસ એટલું ધ્યાન રાખું કે ખાટી છાશ, ખાટું દહીં, ઓઇલી ફૂડ, એકદમ ઠંડું પાણી, બરફ ના લઉં. જો વધારે કલાકો ગવાઈ ગયું હોય તો સ્ટીમ (નાસ) લઈ લઉં. નવરાત્રિમાં નવ-દસ દિવસ સુધી રોજ ત્રણથી ચાર કલાક ગાવું સરળ નથી. આ જ કારણે હું દિવસ દરમિયાન બને તેટલું ઓછું બોલું છું. હું તો એટલું જ કહીશ કે ગાવાથી નહીં, પરંતુ વધુ પડતું બોલવાને કારણે અવાજ બેસી જાય છે. સિંગરે વધુ પડતું બોલવું, ઊંચા અવાજે વાત કરવી જોઈએ નહીં.
યાદગાર પ્રસંગો આરતીબેન કેન્યાના પ્રસંગની વાત કરીને કહે છે, ‘હું જ્યારે પણ વિદેશમાં પર્ફોર્મ કરવા જાઉં ત્યારે તે દેશની ભાષાનું લોકપ્રિય ગીત અચૂકથી ગાઉં છું. એકવાર કેન્યાના પ્રોગ્રામમાં ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા ને મેં સ્વાહિલી ભાષામાં એમનું એક ગીત ગાયું હતું. તેઓ ઘણા જ ખુશ થઈ ગયા હતા. વિદેશોમાં પર્ફોર્મન્સ માટે જઈએ ત્યારે લોકોની આવભગત- પ્રેમ જોઈને આંખો ભીની થઈ જાય.’
પોતાનાં ફેવરિટ સોંગ્સ અંગે વાત કરતા આરતીબેન કહે છે, ‘સિંગર માટે ફેવરિટ સોંગ્સ જેવું કંઈ હોતું નથી. ફેવરિટ મ્યૂઝિક ડિરેક્ટર એ.આર. રહેમાનનાં ગીતો બહુ ગમે છે. ગઝલમાં મેહંદી હસનને સાંભળવા ગમે છે. સૂફી સોંગ્સ પણ ગમે છે.’
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024