Vadodara News Network

ગાડી ચલાવવા મુદ્દે હત્યા કરનારો કોન્સ્ટેબલ નીકળ્યો:બોપલમાં MICAના વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો; 2017માં કોલ સેન્ટર દ્વારા પૈસા પડાવતા થયો હતો સસ્પેન્ડ

અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે.

હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો.

બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સથી રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ પૂરઝડપે આવેલા કારચાલકને બાઈક પર જતાં માઇકાના બે વિદ્યાર્થીમાંથી એક પ્રિયાંશુ જૈને એવું કહ્યું હતું કે, ‘ઇતની જોરસે ક્યૂં ગાડી ચલા રહે હો’. આટલું સાંભળી કારચાલકે 100 મીટર આગળ ગયા પછી પાછો આવી ‘રૂક રૂક, ક્યા બોલા તૂ’ કહી ઝઘડો શરૂ કર્યો અને ‘મેં દિખાતા હું’ની બૂમો પાડી કારમાંથી બંને હાથમાં છરી કાઢી પ્રિયાંશુને પીઠમાં મારી હતી, જેથી નીચે પડી ગયો હતો. એ પછી કારચાલકે છરીનો ઘા મારી દેતા વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ફસડાઈ પડ્યો હતો. સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે હત્યા કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

વિરેન્દ્રસિંહ પઢેરિયા.
વિરેન્દ્રસિંહ પઢેરિયા.

આરોપી સીક લીવ પર હતો, હરિયાણા-પંજાબ ફરવા જાવ છું કહી નીકળ્યો હતો વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે તે સેટેલાઈટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો અને ત્યારબાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી. થોડા સમય પહેલા તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ તે સીક લિવ પર હતો અને ઘરેથી હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું તેમ કહીને ગયો હતો. હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે.

એક મહત્વની કડી મળતા લોકેશન પંજાબનું બતાવ્યું ને દબોચાયો જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્ત્વની કડી મળી અને એને આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને એ શંકાને આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા. જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વિરેન્દ્રએ કયા સંજોગોમાં હત્યા કરી એ અમદાવાદ આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને અમદાવાદ જિલ્લા પોલીસને સોંપવામાં આવશે એવી પ્રક્રિયા હાથ ધરાશે હાલ તો આ સમગ્ર મામલાના તાર શોધવા માટે અમદાવાદ ક્રાઈમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કાર લઈને ક્યાંથી નીકળ્યો તે અસ્પષ્ટ હતું આ સમગ્ર મામલે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ અને અલગ અલગ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં કામ કરી રહી હતી ત્યારે આ કેસમાં અનેક શંકા ઉપજાવનારા પ્રશ્નો હતા, કારણ કે છેક સુધી સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા, તેની સાથે આરોપી કઈ કાર લઈને આવ્યો હતો એ પણ ક્લિયર થતું ન હતું.

બાવળામાં કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો વર્ષ 2017માં વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ કોલ સેન્ટર કેસમાં આવ્યું હતું. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તા. 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા અને કુલ રૂપિયા 6,99,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓ ઈન્ટરનેશનલ રેવન્યુ સર્વિસના નામે કોલ સેન્ટર દ્વારા કોમ્પ્યુટર તથા મેજીક જેક ડી.આઈ.ડી. સોફ્ટવેર દ્વારા યુ.એસ.માં વસતા નાગરિકોને ધાક-ધમકી આપી લીડ પ્રમાણેના ગ્રાહકોને ફેડરલ ઈન્કમટેક્ષ ભરવા માટે બીક બતાવી વોલમાર્ટ જેવા યુ.એસ.ના મોટા સ્ટોરમાંથી ટારગેટ કાર્ડ મારફતે પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા.

વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કારચાલક સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

બહેન અને પરિવાર સાથે પ્રિયાંશુની સેલ્ફી (ફાઇલ તસવીર)
બહેન અને પરિવાર સાથે પ્રિયાંશુની સેલ્ફી (ફાઇલ તસવીર)

ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરના એસપી મેઘા તેવરે જણાવ્યું હતું કે સાઉથ બોપલની બેકરી પર બાઈકચાલક અને કારચાલક વચ્ચે બબાલ થઈ હતી. રાત્રે 10.30 વાગ્યા બાદ ઘટના બની હતી, બ્લેક કલરની લક્ઝુરિયસ કાર સાથે આવી ચાલક અને વિદ્યાર્થી વચ્ચે બબાલ થઈ હતી. છરીના એક ઘા વડે હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલા કારચાલક સાથે બોલચાલી થઈ હતી. જે જગ્યા પર ચકમક થઈ ત્યાંથી 200 મીટર આગળ હત્યા થઈ હતી. મહિલાએ ઘાયલ વ્યક્તિને ​​​​​હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અનેક વાહનચાલકોએ કાર ઊભી ના રાખી, મહિલાએ હિંમત દાખવી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયાં હતાં.

હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સિવડાવવા માટે ગયા હતા.

મેરઠ સ્થિત પ્રિયાંશુના ઘરે ગમગીન માહોલ.
મેરઠ સ્થિત પ્રિયાંશુના ઘરે ગમગીન માહોલ.

કારચાલકે પ્રિયાંશુને કહ્યું- રૂક રૂક ક્યા બોલા તૂં બન્ને જણા સૂટનું માપ આપીને વકીલ સાહેબ બ્રિજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી લીધા બાદ બન્ને જણા કોલેજ જતા હતા. સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયાશુંને સ્વીટ લેવાની ઇચ્છા થઈ હતી. બન્ને જણાએ બુલેટ બેકરી પાસે ઊભું રાખ્યું હતું અને કેક લેવા માટે પહોંચી ગયા હતા. કેક લઈને બન્ને રૂમ પર બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક કારચાલક પૂરઝડપે તેમની પાસેથી પસાર થયો હતો. દરમિયાન પ્રિયાંશુએ કારચાલકને કહ્યું હતું કે ‘ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો’ આથી કારચાલકે બુલેટનો પીછો કર્યો હતો અને પ્રિયાંશુને કહ્યું કે ‘રૂક રૂક ક્યા બોલા તૂં’

‘રૂક અભી તુજે દિખાતા હૂં’ પૃથ્વીરાજે તેનું બુલેટ ઊભું રાખી દીધું હતું અને કારચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી. કારચાલકે પૃથ્વીરાજને આવતાંની સાથે કહ્યું હતું કે ‘તુમ લોગ રોંગ સાઇડ મેં હો તો મૈં જોર સે નહીં ચલાઉંગા, કારચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજની બબાલ થઈ ગઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બન્ને વચ્ચે મારામારી થઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રૂક અભી તુજે દિખાતા હૂં કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો.

પ્રિયાંશુની માતા રડતાં રડતાં બેભાન થઈ ગઈ.
પ્રિયાંશુની માતા રડતાં રડતાં બેભાન થઈ ગઈ.

પ્રિયાંશુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા બાદમાં પ્રિયાંશુ પર આડેધડ છરી મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે કારચાલક હુમલો કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોપલ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વહેલી સવારે એસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

4 નવેમ્બરે પર્વની ઉજવણી કરીને પુત્ર પરત ફર્યો હતો પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ બે વર્ષ પહેલાં અમદાવાદમાં MBA કરવા માટે આવ્યો હતો. તાજેતરમાં જ દિવાળી પર પ્રિયાંશુ તહેવારની ઉજવણી કરવા મેરઠમાં તેના ઘરે આવ્યો હતો. 4 નવેમ્બરે ઉત્સવની ઉજવણી કરીને અમદાવાદ પરત ફર્યો. પ્રિયાંશુની હત્યાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પલ્લવપુરમ પોલીસ સ્ટેશન પણ પંકજ જૈનના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મુન્નેશ સિંહ અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પ્રિયાંશુ પરિવારનો એકમાત્ર પુત્ર હતો પ્રિયાંશુના મામા રાજીવ જૈન મેરઠના થાપર નગરમાં રહે છે. રાજીવ જૈને કહ્યું હતું કે અમારા દીકરા સાથે આવું થયું હોવાની અમને જાણ થતાં જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે દીકરાને કંઈક બનવા માટે ત્યાં મોકલ્યો હતો. અમને શું ખબર કે આવો દુ:ખદ અકસ્માત થશે. રાજીવ જૈને જણાવ્યું કે પ્રિયાંશુ તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. એક મોટી બહેન દીપિકા છે, જે પરિણીત છે. પ્રિયાંશુની મોટી બહેન દીપિકા ગુડગાંવમાં ખાનગી નોકરી કરે છે. પ્રિયાંશુના મામા રાજીવ જૈન હાલમાં સમગ્ર પરિવારની સંભાળ લઈ રહ્યા છે.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved