ઉત્તરાયણના પર્વની ઉજવણી પૂરી થઈ એને આજે 2 દિવસ થઈ ગયા છે. જો કે ગુજરાતી પ્રજા ઉત્સવ પ્રેમી અને તહેવાર પ્રેમી છે એ વાતમાં બે મત નથી એનું ઉદાહરણ છે 9 રાતો સુધી ચાલતો નવરાત્રીનો તહેવાર. આ ઉપરાંત પણ શું તમે જાણો છો કે ગુજરાતનો એક એવો પ્રદેશ કે વિસ્તાર જ્યાં ઉત્તરાયણ પણ 2 નહીં પરંતુ એક જ મહિનામાં 4 દિવસ ઉજવાય છે? જો તમને પણ ના જાણતા હોય તો કે આ વિસ્તાર ગુજરાતમાં ક્યાં આવેલો છે તો ચાલો જાણીએ.
એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ખંભાતની પતંગો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે પતંગની સાથે ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. મકરસંક્રાંતિ પછીના પ્રથમ રવિવારે ખંભાતના દરિયાકાંઠે ગુજરાતભરના પતંગ પ્રેમીઓ પતંગ ચગાવવા ભેગા થાય છે. મકરસંક્રાંતિ પછીના પહેલા રવિવારે ખંભાતમાં ઉત્તરાયણ ઉજવાય છે અને આ ઉપરાંત પણ હજુ એક વાર ખંભાતમાં પતંગોત્સવ ઉજવાય છે.
ઉત્તરાયણની વાત આવે એટલે વાત આવે પતંગની અને પતંગના ઉત્પાદન માટે ખંભાતી પતંગ વખણાય છે. ખંભાતી પતંગોની માંગ ગુજરાત સહિત દેશ વિદેશમાં પણ છે. ત્યારે પતંગના ઉત્પાદન માટે પ્રખ્યાત ખંભાતમાં ઉત્તરાયણની મહિનામાં 4 વાર ઉજવણી કરવામાં આવે છે. પહેલી 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ, 15 જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણ ત્યારબાદ મકરસંક્રાંતિ પછીના પહેલા રવિવારે પતંગના ઉત્પાદનમાં મોટાપ્રમાણમાં સંકળાયેલા ખારવા સમાજ દ્વારા વિશેષ દરિયાઈ ઉત્તરાયણનું આયોજન કરવામાં આવે છે અને મહિનામાં ચોથી વાર ઉત્તરાયણનું આયોજન ખારવા સમાજ દ્વારા 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે કરવામાં આવે છે. દરિયાઈ પટમાં ઉજવાતી ઉત્તરાયણમાં ભાગ લેવા માટે અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાંથી પણ પતંગ રસિકો ખંભાત પહોંચે છે. ગત વર્ષે એક લાખથી વધુ પતંગ રસિયાઓ દરિયાઈ ઉત્તરાયણની મોજ માણવા ખંભાત પહોંચ્યાં હતાં.
પતંગ ઉત્પાદનમાં આગળ એવા ખંભાતમાં અમદાવાદ અને કલકત્તાથી કમાન આવે છે તો કાગળ દિલ્હી અને મુંબઈથી મંગાવવામાં આવે છે. ખંભાતી પતંગમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક હોવાની સાથે સાથે ચગાવવામાં પણ સાનુકૂળ હોય છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ,કનકવા પતંગનું ઉત્પાદન થયું છે. ઉપરાંત ૮ ફૂટની ચંદરવો, રોકેટ પતંગની સાથે સાથે બે ઈંચની ટચૂકડી પતંગો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ખંભાતમાં પતંગ કાપવા પર છે મનાઈ
ખંભાતમાં વર્ષોથી એક અલગ જ રિવાજ ચાલતો આવે છે જેમાં પતંગ કાપવાની મનાઈ છે. તમારે પતંગ કપવો હોય તો ખેંચ મારીને પતંગ કાપી શકતો નથી માત્ર ઢીલ મૂકીને જ પતંગનો પેચ કરવામાં આવે છે. જો કોઈ ખેંચ મારીને પતંગ કાપે તો મોટા સર્જાતા હોય છે.
પતંગ ઉદ્યોગ
ખંભાતમાં પતંગ ઉદ્યોગ સાથે 2 હજારથી વધુ પરિવારો સંકળાયેલા છે જેમાં મુખ્યત્વે ખારવા જ્ઞાાતિનો સમાવેશ થાય છે આ ઉપરાંત મોચી, ચુનારા જ્ઞાાતિ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. 10 મહિના સુધી 5 હજાર કારીગરો પતંગ બનાવે છે અને અંહિયા હજારો મહિલાઓ પણ ઘરે પતંગ બનાવે છે.
પતંગના નામ
ખંભાતી પતંગોને પાન ટોપા, દિલ ગુલ્લા, કરાહ, ચોકડો, ચીલ, ચાંદ, ડબલ દિલ, દિવો, રોકેટ, ચાપટ, પાવલા, ભામચી, પીવીસી, ચંદરવો, કનકવો, ફેન્સી, ખાખી ઢગલ, જેવા નામથી ઓળખવામાં આવે છે.
26 જાન્યુઆરીએ ચગાવે છે પતંગ
વર્ષ દરમિયાન 10 મહિનાથી વધુ સમય માટે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા સમાજના લોકો મકરસંક્રાતિ પછી તેની ઉજવણી ખાસ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ મનાવે છે.































