Allan Border: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની કેપ્ટનશિપની કુશળતાના વખાણ કર્યા છે. તેમનું માનવું છે કે, બુમરાહ રોહિત શર્માનો યોગ્ય અનુગામી છે. ભારતીય ફાસ્ટ બોલરે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ મેચમાં પોતાની કેપ્ટનશીપની કુશળતાથી દરેકનું દિલ જીતી લીધું છે. આ જ કારણ છે કે ભારતના ક્રિકેટ ચાહકો તેમનામાં ભારતનું ભવિષ્ય જુએ છે.
એલન બોર્ડરે બુમરાહનું સમર્થન કર્યું
એલન બોર્ડરે એક ઈન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટન તરીકે બુમરાહનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘કેપ્ટનશીપ અને ફિલ્ડ પ્લેસમેન્ટ મામલે ફાસ્ટ બોલરને દોષી ઠેરવી શકાય નહીં. આ સિવાય બુમરાહે જે રીતે પર્થ ટેસ્ટમાં પોતાનો ઉપયોગ કર્યો હતો. જે પ્રશંસનીય હતું. 69 વર્ષીય પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું, ‘તે ખૂબ સારું કામ કરશે. તેણે પર્થમાં પોતાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો. કેપ્ટનશિપની વાત કરીએ તો તેણે જે રીતે ફિલ્ડિંગ સેટ કરી હતી. તમે તેમાં કોઈ ખામી શોધી શકતા નથી.’
એલન બોર્ડરે બુમરાહના વખાણ કરતા વધુમાં કહ્યું કે, ‘તેની અનોખી બોલિંગ એક્શન અને રન અપના કારણે વિરોધી બેટરોને સમજવામાં થાપ ખાઈ જાય છે. બુમરાહ આ દિવસોમાં અલગ જગ્યાએ છે. તેનું કાંડું, તેનો રીલીઝ પોઈન્ટ અન્ય બોલરો કરતા અલગ છે. આ જ કારણ છે કે તે બોલને અન્ય બોલરો કરતાં એક ફૂટ આગળ રીલિઝ કરે છે. તેની પાસે અનોખો રન અપ અને કાંડાનો આકાર છે જે અદ્ભુત છે. આ બાબત બેટરોની મુશ્કેલીઓને અલગ સ્તરે લઈ જાય છે.’