અત્યારે આખા દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ ચાલી રહી છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે આજે સંસદમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી બિલ રજૂ કર્યું છે. આ બિલ આજે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. વિપક્ષ એક દેશ એક ચૂંટણીનો સતત વિરોધ કરી રહ્યો છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને પણ મોકલવા માંગે છે. જો JPC મંજૂરી આપે છે અને બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થઈ જાય છે, તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે. જો આમ થશે તો 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાશે.
શું છે વન નેશન વન ઇલેક્શન?
હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય.
એક સાથે ચૂંટણી શા માટે ઇચ્છે છે સરકાર
નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા મંચો પર ‘વન નેશન વન ઇલેક્શન’ પર વાત કરી હતી. તેમણે કહ્યું છે કે, “એક દેશ, એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય છે તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.”
આ બિલના વિરોધમાં અપાઈ રહી છે આવી દલીલો
વન નેશન વન ઇલેક્શનને લઈને વિપક્ષ અનેક પ્રકારની દલીલો કરી રહ્યો છે. કોંગ્રેસની દલીલ છે કે જો ચૂંટણી એકસાથે યોજાય તો મતદારોના નિર્ણયને અસર થવાની સંભાવના છે. જો 5 વર્ષમાં એકવાર ચૂંટણી થાય તો સરકારની જનતા પ્રત્યેની જવાબદારી ઓછી થઈ જશે.
વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા રચવામાં આવી હતી સમિતિ
વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. કોવિંદની સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ, જાણીતા વકીલ હરીશ સાલ્વે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એનકે સિંહ, પોલિટિકલ સાઇન્ટિસ્ટ સુભાષ કશ્યપ, ભૂતપૂર્વ કેન્દ્રીય વિજિલન્સ કમિશનર (CVC) સંજય કોઠારી સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેને 18 સપ્ટેમ્બરે મોદી કેબિનેટે મંજૂરી આપી હતી.
વન નેશન વન ઇલેક્શન પર કોવિંદ કમિટીનું સૂચન
કોવિંદ સમિતિએ સૂચન કર્યું કે તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી લંબાવવામાં આવે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકાય છે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર નાગરિક ચૂંટણી યોજાઈ શકે છે. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં, બાકી 5 વર્ષ કાર્યકાળ માટે નવેસરથી ચૂંટણીઓ કરાવી શકાય છે. ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરી શકે છે. કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે ઉપકરણો, મેન પાવર અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરી છે.