ટીમ ઈન્ડિયાના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી આ દિવસોમાં તેમના અંગત જીવનને લઈને સમાચારમાં છે. છેલ્લા કેટલાક સમયથી આ કપલના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં, ચહલે ઇન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી સાથેના ફોટો પણ હટાવી દીધા છે. છૂટાછેડાના સમાચાર પર બંનેએ મૌન જાળવી રાખ્યું છે. છૂટાછેડાને લઈને ચર્ચામાં રહેલી ધનશ્રીને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી હતી. તેમણે આ અંગે એક પોસ્ટ પણ શેર કરી. ધનશ્રીની પોસ્ટ પછી હવે ચહલે પણ એક પોસ્ટ શેર કરી છે.
યુઝવેન્દ્રએ પોતાની પોસ્ટમાં છૂટાછેડાના સમાચાર પર સીધી પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેમણે કંઈક એવું લખ્યું છે જેના પછી તેમની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા સાચા હોઈ શકે અને ન પણ હોય શકે.
યુઝવેન્દ્રએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું – ‘હું મારા બધા ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પણ આ સફર હજુ પૂરી થઈ નથી!!! કારણ કે મારા દેશ, મારી ટીમ અને મારા ચાહકો માટે હજુ ઘણી અદ્ભુત ઓવરો બાકી છે!!! મને ખેલાડી હોવાનો ગર્વ છે, સાથે સાથે હું એક પુત્ર, ભાઈ અને મિત્ર પણ છું.’
યુઝવેન્દ્રએ આગળ લખ્યું – ‘હું તાજેતરની ઘટનાઓ, ખાસ કરીને મારા અંગત જીવન વિશે લોકોની જિજ્ઞાસાને સમજું છું. જોકે, મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈ છે જેમાં અમુક બાબતો પર અટકળો લગાવવામાં આવી છે જે સાચી પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. એક પુત્ર, ભાઈ અને મિત્ર તરીકે, હું દરેકને વિનંતી કરું છું કે આ અટકળોમાં ન પડે કારણ કે તેનાથી મને અને મારા પરિવારને ભારે દુઃખ થયું છે. મારા કૌટુંબિક મૂલ્યોએ મને હંમેશા શીખવ્યું છે કે દરેકનું ભલું ઇચ્છવું અને શોર્ટકટ લેવાને બદલે સમર્પણ અને સખત મહેનત દ્વારા સફળતા માટે પ્રયત્નશીલ રહેવું, અને હું આ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું. ભગવાનના આશીર્વાદથી, હું હંમેશા તમારો પ્રેમ અને ટેકો મેળવવાનો પ્રયત્ન કરીશ, સહાનુભૂતિ નહીં.’