કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે આજે સવારે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક તેલ ભરેલી બેગ ફૂટી જતાં એમાં રહેલું તેલ રસ્તા ઉપર ઢોળાઇ જવા પામ્યું છે. તેલ ઢોળાતાં અંદાજિત 500 મીટર સુધીનો માર્ગ લપસણી હાલતમાં મુકાઈ જવા પામ્યો છે. માર્ગ લપસણો બનતાં અનેક વાહનો સ્લિપ થઇ રહ્યાં છે, તો અનેક લોકો એરંડિયું તેલ મેળવવા કન્ટેનર પાસે ઊમટી પડ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ના સર્જાય એ માટે સામખિયાળી ટોલ પ્લાઝાની હાઇવે ટીમ અને સ્થાનિક પોલીસ જહેમત લઈ રહી છે. હાલ માર્ગ ઉપર રેતી પથરાવાની કામગીરી ચાલી રહી છે અને લોકોને સલામત રીતે પસાર થવા સૂચના અપાઈ રહી છે.
તેલ ભરેલી બેગ અચાનક ફાટી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર તરફથી કચ્છમાં આવતા એરંડિયું તેલ ભરેલા કન્ટેનર ટ્રેલરમાં તેલ ભરેલી બેગ અચાનક ફાટી જતાં એમાં રહેલું તમામ તેલ ચામુંડા હોટલથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગે ફેલાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. આ માર્ગેથી પસાર થતા વાહનચાલકોને રોકવા છતાં આગળ નીકળી જતાં સ્લિપ થઈ રહ્યા છે. હાલ સામખિયાળી ટોલ પ્લાઝાના અધિકારી પરમાર અને શૈલેષ રામીના માર્ગદર્શનમાં હાઇવે પેટ્રોલિંગની ટીમ બચાવના પ્રયાસમાં લાગી છે, તો સામખિયાળી પોલીસના જવાનો પણ જહેમત લઈ રહ્યા છે.
તેલ મેળવવા લોકોની પડાપડી એક તરફ માર્ગ ઉપર ઢોળાયેલા તેલને રેતીની ચાદર વડે કવર કરવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ કન્ટેનરમાંથી લીક થતું તેલ મેળવવા લોકો પડાપડી કરી રહ્યા છે. તંત્ર પરિસ્થિતિ ને પાર પાડવા કામે લાગ્યું છે. હાઇવે પેટ્રોલિંગના હિતેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ટ્રેલરમાં તેલ ભરેલી એક મોટી બેગ હોતી હોય છે, જેમાં અંદાજિત 22,000 હજાર લિટર જેટલું તેલ ભરવામાં આવે છે, જેને ધારદાર હથિયાર મારો તોપણ તૂટતી નથી હોતી. જોકે આ ટ્રેલરમાં કંઇ રીતે બેગ તૂટી એ હજી તપાસનો વિષય છે.