કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં હાલ દરિયામાં ફેરવાયેલી રણ સરહદ પાર કરી ભારતમાં ઘૂસી અંદાજે 60 કિમી દૂર છેક રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિર નજીક સુધી પહોંચી ગયાં હતાં. ગ્રામજનોને આની ખબર પડતાં ખડીર પોલીસને જાણ કરી બન્નેને પોલીસ મથકે લઇ જઇ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઇ હતી. આ અંગે દિવ્ય ભાસ્કરે આ પાકિસ્તાની યુગલને ગામમાં પહેલાં કોણે જોયું અને પ્રથમ પુછપરછમાં તેમણે શું જણાવ્યું એ અંગે રતનપર ગામના સરપંચ સાથે વાત કરી હતી. જેમાં પ્રેમી પંખીડાએ ચોંકાનારા ખુલાસા કર્યા હતા.
4 દિવસ પહેલાં ભાગ્યાં, ટાપુ પર રોકાયાં, વરસાદનું પાણી પીધું ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને પસંદ ન હોવાથી ભાગી આવ્યાં. ચાર દિવસ અગાઉ રાત્રિના 12 વાગે તેઓ ઘરેથી બે લિટર પાણી અને થોડુંક જમવાનું લઈને નીકળ્યાં હતાં. તેઓ બીજા દિવસે ત્યાં રસ્તામાં આવતા એક ટાપુ પર રાત રોકાયાં હતાં, જ્યાં વરસાદી પાણી પી ને બીજા દિવસે સવારે ત્યાં રણનું પાણી પાર કર્યું હતું.
‘લાકડા કાપતા શ્રમિકે સૌપ્રથમ પ્રેમી-પંખીડાને જોયા’ આ અંગે રતનપર ગામના સરપંચે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આમ તો એક દિવસ પહેલા જ પ્રેમી યુગલની હાજરી આ વિસ્તારમાં જણાઈ આવી હતી. રતનપર ગામની સિમમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસેના જંગલ વિસ્તારમાં તેઓ જોવા મળ્યા હતા, પરંતુ તે સમયે સ્થાનિક લોકોને હાથ લાગ્યા ના હતા. આ દરમિયાન ગઈકાલ વહેલી સવારે મંદિર પાસેની બાવળની ઝાડીમાં લાકડા કાપતા શ્રમિકને છોકરો અને છોકરી પોતાના ખાટલામાં સુતેલા જોવા મળ્યા હતા. બાદમાં સૂર્યોદય થતા બન્ને સાથે વાત કરી પૂછપરછ કરતા કંઈક શંકાસ્પદ લાગ્યું હતું. તેથી શ્રમિકોએ મને જાણ કરી હતી. તેથી ગઈકાલ સવારના 9 વાગ્યાના અરસામાં હું અન્ય નાગરિકો સાથે સાંગવારી મંદિર પાસે પહોંચ્યો હતો અને યુગલ સાથે વાતચિત કરી હતી.

‘અમે ગુગલમાં ગામનું નામ સર્ચ કર્યું તો પાકિસ્તાની હોવાનું જણાયું’ સૌ પ્રથમ તેમનું નામ સરનામું પૂછતાં બન્નેએ સિંધી ભાષામાં યાદ ના હોવાનું કહ્યું હતું. જોકે, બાદમાં ભણેલી લાગતી છોકરીએ હિન્દીમાં વાત શરૂ કરી હતી અને વિશ્વાસ બેસતા પોતાના ગામનું નામ લસરી બતાવ્યું હતું. આ ગામનું નામ ગૂગલ ગૂગલમાં સર્ચ કરતા અહીંથી 40 કિમિ દૂર પાકિસ્તાનમાં હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનનું નામ આવતા જ છોકરાની તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું ના હતું, જ્યારે છોકરીએ પહેરેલી ઘડિયાળ આપતા તેનું નિરીક્ષણ કર્યું હતું પણ તેમાંય કંઈ નામ જોવા મળ્યું ના હતું. આખરે સાથી મિત્રએ પારકર ભાષા જે કચ્છી સિંધીના મિશ્રણ સમાન છે. તે રીતે વાત કરતા તેમણે પોતાની આપવીતી જણાવી હતી.
છોકરીએ કહ્યું- ‘મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું’ છોકરીએ જણાવ્યું હતું કે, અમે બન્ને એક જ જ્ઞાતિના છીએ અને એકમેકના પ્રેમમાં છીએ, પરંતુ પરિવારજનો લગ્નની મંજૂરી આપતા ના હોય ઘરેથી ભાગીને આવ્યા છીએ. મેં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. જેને લઈ મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું. આ બાદ સરહદ નજીકના લસરી ગામથી તા.6ના રાત્રે ઘરેથી અમે ભાગીને નીકળી આવ્યા હતા. મદદરૂપ થનાર સ્નેહીએ ચંદ્રના પ્રકાશે પંથ કાપવાની સલાહ આપી હતી. એ મુજબ આગળ વધ્યા હતા અને સરહદને ઓળંગી હતી. આગળ ચાલતા રણમાં ભરાયેલા પાણી વચ્ચે ચાલીને અને તરીને વધતા રહ્યા હતા. જ્યાં રાહમાં તેઓએ રાતવાસો કર્યો હતો. સવારે 4 વાગ્યે જાગી ચાલતા- ચાલતા હિલ સુધી પહોંચ્યા હતા. અહિં સાથે લાવેલું ભોજન પૂરું થઈ ગયું હતું અને વરસાદી પાણી પીને તરસ છીપાવી હતી.

‘700થી 800 મીટર ઊંચી અને ખડતલ હિલ પાર કરવી ખુબ જ મુશ્કેલ’ સરપંચે વધુમાં જણાવ્યું કે, આ હિલ 700થી 800 મીટર ઊંચી અને ખડતલ છે. જે પાર કરવી ખુબજ મુશ્કેલ છે. આ હિલ ચડવા માટે તેમણે કહ્યું કે સવારે 8 વાગ્યે પ્રયાણ કર્યું હતું અને વિના સેફટીએ બન્ને જણ સાંજે 5 વાગ્યે ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા હતા. થાકેલા બન્ને ત્યાં સુઈ ગયા હતા. તા.7ના પરોઢિયે જાગીને તળેટીએ નીચે રહેલા તલાવડીના પાણી પીને રતનપર તરફના સિમ વિસ્તારમાં ઝાડી કાપતા શ્રમજીવીના ખાટલાઓ પર આવી બને સુઈ ગયા હતા. લોકોને આવતા જોઈ ઝાડીમાં છુપાઈ ગયા હતા. આખરે તા. 8ના મંદિરે આવીને સુઈ ગયા હતાં અને સ્થાનિકોની નજરે ચડ્યા હતા. આ લાંબી વાતચીત દરમિયાન બીટ પોલીસ જમાદાર અજયસિંહ ઝાલા સાથી કર્મી સાથે પહોંચી આવ્યા હતા અને બન્નેનો કબજો કઈ પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારબાદ રાત્રે પોલીસ અધિકારી અને બીએસએફ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી.
તપાસ કરતા ખડીર પીઆઇ એમ.એન. દવેએ જણાવ્યું કે, હાલ બન્ને પાક નાગરિકને ઝીરો પોઇન્ટ સાથે લાવી સરહદ પાર કેવી રીતે કરી તે સહિતના પ્રશ્ને તપાસ ચાલી રહી છે. બન્ને સગીર વયના હોવાનું કહે છે. આ અંગે બન્નેની મેડિકલ તપાસ કરવામાં આવશે અને ચોક્કસ ઉંમરની જાણકારી મેળવવામાં આવશે. જરૂરી તપાસ બાદ બન્નેને ભુજ જે આઈ સી ખાતે મોકલવામાં આવશે. મુક્ત કરવા અંગે તપાસની વિગતો સામે આવ્યા બાદ કહી શકાય.
કચ્છમાં પાક. પ્રેમીના બે કિસ્સા તારીખ 16-07-2020ના રોજ પાકિસ્તાની પ્રેમિકાને મળવા જતા મહારાષ્ટ્રના યુવકને કચ્છ સરહદ પરથી BSFએ ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકે પ્રેમિકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પાકિસ્તાન જવા નીકળ્યો હતો.
તારીખ 25-09-2024ના રોજ પાકિસ્તાનના પંજાબમાં સ્થિત ગર્લફ્રેન્ડના એકતરફી પ્રેમમાં પાગલ જમ્મુ-કાશ્મીરનો યુવક ભારત પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરતાં ખાવડા પાસેથી ઝડપાયો હતો. ખાવડા પોલીસે પૂછપરછ બાદ કંઇ શંકાસ્પદ ન જણાતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
