અમદાવાદ શહેરમાં પીધેલા કારચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. શહેરના નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે. કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયાં ખાતો હતો. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે
બે આશાસ્પદ યુવકોના ઘટનસ્થળે જ મોત દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એક્ટિવ ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી હતી જેણે એક્ટિવા ચાલકોને ટક્કર મારી હતી. ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો.
મૃતક યુવકોનાં નામ અમિત રાઠોડ, 26 વર્ષ વિશાલ રાઠોડ, 27 વર્ષ
કારચાલક દારૂના નશામાં હતો- અમદાવાદ ગ્રામ્ય SP અમદાવાદ ગ્રામ્ય DSP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે કારચાલક દારૂના નશામાં હતો. કારચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો. નરોડા તરફ જતા કારચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડર પર ચઢીને સામેના રોડ તરફ જતી રહી હતી અને સામેના રોડ પર એક્ટિવા પર આવેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા. બનાવની જાણ થતા કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
8 દિવસમાં પીધેલા દ્વારા અકસ્માત સર્જયાનો બીજો બનાવ અમદાવાદ શહેરમાં નશો કરી વાહન ચલાવનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. સાત દિવસ પૂર્વે શહેરના બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જયો હતો. જેમાં સાતથી આઠ વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. આ બનાવના ગણતરીના દિવસોમાં જ નરોડા-દહેગામ રોડ પર એક કારચાલકે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત થતા પોલીસ કામગીરીને લઈ પણ સવાલ ઊઠ્યા છે.
અમદાવાદના એસ.જી.હાઈવે પર કારચાલકે બે તબીબોને અડફેડે લીધા હતા અમદાવાદમાં પોલીસની કડક કાર્યવાહીના દાવાઓ બાદ પણ બેફામ સ્પીડે ચાલતાં વાહનો પર અંકુશ આવી રહ્યો નથી. આઠ દિવસ પહેલાં પણ એસજી હાઈવે પર એક યુવકે બેફામ સ્પીડે કાર ચલાવી સવારે સાઇકલ લઈ નીકળેલા બે તબીબોને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, બાદમાં પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો હતો.