અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા અને ગેરકાયદેસર રીતે રહેતા 104 ભારતીયો પોતાના દેશમાં પાછા ફર્યા છે. તેમને લઈને અમેરિકન સૈન્યનું એક C-17 વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) બપોરે 2 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. તેને પેસેન્જર ટર્મિનલને બદલે એરફોર્સ બેઝ પર ઉતારવામાં આવ્યું છે. અમૃતસર એરપોર્ટના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. અહીંથી ઇમિગ્રેશન અને કસ્ટમ્સમાંથી ક્લિયરન્સ મળ્યા પછી તેમને પંજાબ પોલીસને સોંપવામાં આવશે.
જોકે, અમેરિકાએ કુલ 205 ભારતીયોને ડિપોર્ટ માટે ચિહ્નિત કર્યા છે. આ દરમિયાન ડિપોર્ટ કરવાના 186 ભારતીયોની યાદી પણ બહાર આવી. જોકે, બાકીના લોકો ક્યાં છે અને તેમને ક્યારે ડિપોર્ટ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.
કયા રાજ્યના કેટલા લોકો?
અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવેલા 104 લોકોમાં હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના 2 લોકોનો સમાવેશ થાય છે. તેમાં કેટલાક પરિવારો પણ છે. આ ઉપરાંત 8-10 વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ સુરક્ષા અધિકારીઓના મતે તેમની વચ્ચે કોઈ મોટો ગુનેગાર નથી.
અમેરિકાથી ડિપોર્ટ થયેલાં ભારતીયોમાં 33 ગુજરાતી
વિમાનમાં જે 33 ગુજરાતીઓ છે તે આવતીકાલ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે. જે 33 ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ ભાસ્કરને મળ્યું છે. જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યકિતનો સમાવેશ થાય છે. જ્યારે 8 સગીર પણ ભારત પરત ફરી રહ્યા છે.