ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (2025) એક અઠવાડિયા માટે સ્થગિત કરવી પડી હતી. જોકે હવે બંને દેશો વચ્ચે થયેલા સીઝફાયર પછી IPL જલ્દીથી ફરીથી શરૂ થઈ શકે છે. મળેલી માહિતી પ્રમાણે IPL ફરીથી 16 કે 17 મેથી શરૂ થઈ શકે છે. નવા શેડ્યૂલની જલ્દી જ જાહેરાત કરવામાં આવશે.
4 વેન્યુ પર થઈ શકે છે મેચ
IPL 2025ની બાકીની મેચ હવે ચાર સ્થળોએ રમાઈ શકે છે. તેની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેના મુકાબલાથી થઈ શકે છે, જે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. સૂત્રોએ જણાવ્યું કે BCCI એ તમામ હિતધારકોને આ અંગે જાણકારી આપી દીધી છે અને ટીમો પોતાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પાછા બોલાવી રહી છે.
અમદાવાદમાં મેચો યોજાઈ શકે
હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ક્વાલિફાયર 1 અને એલિમિનેટર મુકાબલાઓ થઈ શકે છે. જ્યારે કોલકાતામાં ક્વાલિફાયર 2 અને ફાઇનલ યોજાઈ શકે છે. ફાઇનલ 30 મે કે 1 જૂને થવાની શક્યતા છે. જો વાતાવરણ ખરાબ રહેશે તો કોલકાતાના બદલે અમદાવાદમાં મેચો યોજાઈ શકે છે.
57 મેચો પૂરી થઈ ચૂકી
આ બાબત નોંધપાત્ર છે કે IPLના આ સીઝનમાં અત્યાર સુધી કુલ 57 મેચો પૂરી થઈ ચૂકી છે. 58મી મેચ 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ રહી હતી, પણ 10.1 ઓવરના પછી તેને અટકાવી દેવામાં આવી હતી. હજુ સુધી નક્કી થયું નથી કે આ મેચ ફરીથી રમાશે કે નહીં.
જ્યારે આ મેચ રોકવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન બનાવ્યા હતા. આ મુકાબલાને છોડીને હવે લીગ સ્ટેજની ફક્ત 12 મેચો બાકી છે, ત્યારબાદ 4 પ્લેઓફ મેચો થશે.
