દેશમાં UG મેડિકલ, એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 4 એપ્રિલ એટલે કે આજે NEETની પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, આ વર્ષે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે. આ વખતે સૌપ્રથમવાર અત્યારસુધીની સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન કરાયું છે અને સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.
આ વર્ષે મેરીટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા આજે રાજ્યભરમાંથી 80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા છેલ્લા બે વર્ષના કટઓફનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. ગત વર્ષે પેપર ખૂબ જ સરળ હોવાથી મેરીટ ખૂબ જ ઊંચું ગયું હતું. સરકારી કોલેજોમાં એડમિશન માટે ઓપન કેટેગરીમાં કટઓફ 649 માર્ક સુધી પહોંચ્યું હતું. જ્યારે OBC કેટેગરીમાં કટઓફ 637 માર્ક સુધી પહોંચ્યું હતું. જોકે, આ વર્ષે NEETની પરીક્ષામાં ઓપશનનો લાભ બંધ કરી દેવાતા મેરીટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વર્ષ 2023માં 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એક્સપર્ટ અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા આજે એટલે કે, 4 મેના રોજ લેવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષનાં મેરીટ ઉપર નજર કરીએ તો વર્ષ 2023માં 200 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જેમાંથી 180 પ્રશ્નો લખવાનાં હતાં. બાયોલોજીના 100 માંથી 90 તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 50-50 માંથી 45- 45 પ્રશ્નો લખવાના હતા. જેમાં પણ બયોલોજીમાં 70 ફરજિયાત અને બાકીના 30માંથી 20 પ્રશ્નો લખવાના હતા. જ્યારે ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીમાં 35-35 પ્રશ્નો ફરજિયાત લખવાના અને બાકીના 15 માંથી 10-10 પ્રશ્નો લખવાના હતા.
ઓપન કેટેગરીમાં 609 તો OBCમાં 590 કટઓફ માર્ક હતા વર્ષ 2023માં સરકારી કોલેજો કે જેની વાર્ષીક ફી માત્ર રૂપિયા 25,000 જેટલી જ હોય છે તે કોલેજોમાં એડમિશન માટે ઓપન કેટેગરીમાં 609 તો OBCમાં 590 કટઓફ માર્ક હતા. જ્યારે GMERS કે જેમાં ફી 3.50થી 4.50 લાખ સુધીની હોય છે. તેમાં ઓપન કેટેગરીમાં 548 તો OBCમાં 541 માર્કે કટઓફ અટક્યું હતું. તે વખતે કટઓફ નીચું હતું જેનું કારણ એ હતું કે, બાયોલોજીનું પેપર લાંબુ હતું અને ફિઝિક્સનું પેપર કેલ્ક્યુલેટીવ વધારે હતું એટલે કે પેપર થોડું અઘરું હતું.
