Vadodara News Network

આજે નવા મુખ્ય ચૂંટણી કમિશનરની જાહેરાત થઈ શકે છે:મોદીની અધ્યક્ષતામાં અમિત શાહ-રાહુલ ગાંધીની બેઠક, કોંગ્રેસે કહ્યું- નિષ્પક્ષ નિર્ણય લેવો જરૂરી

સોમવારે દેશને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) મળી શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ અંગે એક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ એમાં ભાગ લીધો હતો.

આ પેનલની ભલામણ પર નવા સીઇસીની પસંદગી કરવામાં આવશે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. એ જ સમયે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સીઇસી રાજીવ કુમાર પછી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી શકે છે. એ જ સમયે કોંગ્રેસે કહ્યું હતું કે નિર્ણય વિચારપૂર્વક અને નિષ્પક્ષ રીતે લેવો જોઈએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીએ બેઠક પછી અસંમતિ નોંધ જારી કરી. આમાં તેમણે કહ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી આ બેઠક થવી જોઈતી ન હતી. કોંગ્રેસે કહ્યું હતું કે અમે ઘમંડ લોકો સાથે કામ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ જલદી નિર્ણય લઈ શકે એ માટે બેઠક મુલતવી રાખવાની હતી.

સિંઘવીએ કહ્યું- સરકારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુધી રાહ જોવી જોઈએ કોંગ્રેસનેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સીઇસી પસંદગી સમિતિ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે. ECEની પસંદગી માટે રચાયેલી સમિતિમાંથી CJIને દૂર કરીને, સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણીપંચની વિશ્વસનીયતા નહીં, પરંતુ એનું નિયંત્રણ ઇચ્છે છે.

સિંઘવીએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેના નવા કાયદાને પડકારતો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં સુનાવણી 19 ફેબ્રુઆરીએ છે. તે ફક્ત 48 કલાકની વાત હતી. સરકારે અરજીની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો.

ચૂંટણીપંચની નિમણૂકને પડકારતી અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી સુપ્રીમ કોર્ટ 19 ફેબ્રુઆરીએ CEC અને ECની નિમણૂકને પડકારતી અરજી પર સુનાવણી કરશે. આ કેસની સુનાવણી 12 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ કેસ સૂચિબદ્ધ થયો ન હતો. ત્યાર બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો.

પ્રશાંતે કહ્યું હતું કે સીઇસી રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર નવા સીઇસીની નિમણૂક કરી શકે છે, તેથી કોર્ટે આ મામલાની ટૂંક સમયમાં સુનાવણી કરવી જોઈએ. આના પર કોર્ટે 19 ફેબ્રુઆરીની તારીખ આપી અને કહ્યું હતું કે જો આ દરમિયાન કંઈ થશે તો એ કોર્ટના નિર્ણયને આધીન રહેશે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી.

આ મામલો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023ની બંધારણીયતાને પડકારતી અરજીઓનો છે.

ચૂંટણીપંચમાં કેટલા કમિશનર હોઈ શકે છે? બંધારણમાં ચૂંટણી કમિશનરોની સંખ્યા અંગે કોઈ નિશ્ચિત સંખ્યા નથી. બંધારણના અનુચ્છેદ 324(2)માં જણાવાયું છે કે ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સમાવેશ થઈ શકે છે. તેમની સંખ્યા કેટલી હશે એ રાષ્ટ્રપતિ પર નિર્ભર છે. આઝાદી પછી દેશમાં ચૂંટણીપંચ પાસે ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર હતા.

16 ઓક્ટોબર 1989ના રોજ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે વધુ બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી. આનાથી ચૂંટણીપંચ બહુ-સભ્ય સંસ્થા બન્યું. આ નિમણૂકો 9મી સામાન્ય ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર આરવીએસ પેરી શાસ્ત્રીની પાંખો કાપવા માટે આ કરવામાં આવ્યું હતું.

2 જાન્યુઆરી 1990ના રોજ વીપી સિંહ સરકારે નિયમોમાં સુધારો કર્યો અને ચૂંટણીપંચને ફરીથી એક સભ્યની સંસ્થા બનાવી. 1 ઓક્ટોબર, 1993ના રોજ પી.વી. નરસિંહ રાવ સરકારે ફરીથી વટહુકમ દ્વારા બે વધુ ચૂંટણી કમિશનરોની નિમણૂકને મંજૂરી આપી. ત્યારથી ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved