રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેરના નાગરિકોને રૂપિયા 616.54 કરોડના વિવિધ 77 કામોને ભેટ આપવાના છે. આ ઉપરાંત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયના પદવિદાન સમારોહમાં પણ સહભાગી થશે.
વડોદરા શહેરના નાગરિકોની સુખસુવિધામાં વૃદ્ધિ થશે પૂર્વનિર્ધારિત કાર્યક્રમો મુજબ મુખ્યમંત્રી અકોટા સ્થિત સયાજી નગરગૃહમાં 2.45 વાગ્યે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં પહોંચશે. અહીં તેઓ રૂપિયા 353.64 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 262.91 કરોડના ખર્ચથી નિર્માણ થનારા જનસુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં સૌથી વધુ રૂપિયા 176 કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને 143.71 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ, માર્ગો, બિલ્ડિંગ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની ભેટ પણ આપવાના છે. આ વિકાસ કામોથી વડોદરા શહેરના નાગરિકોની સુખસુવિધામાં વૃદ્ધિ થશે.
વિદ્યાશાખાના 239 છાત્રોને પદવિ એનાયત થશે આ ઉપરાંત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવિદાન સમારોહમાં સહભાગી થશે. આ સમારોહ આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં સાંજે ચાર વાગ્યાથી યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી વડોદરામાં કાર્યાન્વિત થયેલી ગતિશક્તિ યુનિવર્સિટીના આ વખતના પદવિદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 239 છાત્રોને પદવિ એનાયત થશે. તેમાંથી 2 વિદ્યાર્થિની અને 3 વિદ્યાર્થીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર, ધારસભ્યો સાંસદ જોડાશે.