વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે 23 નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેની જબદારીમાંથી મુક્ત કરવા સંદર્ભે નિવેદન આપ્યું હતું. જેમાં પાટીલે કહ્યું હતું કે, મારી વિદાય વસમી નહીં પરંતુ ખુશી ભરી છે. આ બાબતે તેમણે પ્રમુખપદની જવાબદારીમાંથી મુક્ત કરી અન્યને આ જવાબદારી સોંપવા માટે બે વખત રજૂઆત કરી હતી. આ નિવેદન સાથે તેમણે પ્રદેશ પ્રમુખની જવાબદારીની જેને પણ તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમા પણ હવે 4 ડિસેમ્બરે દિલ્હીમાં પાટીલ દ્વારા મહાભોજનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ફેરવેલ પાર્ટી ગણવામાં આવી રહી છે.
આ નિવેદન બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને મહાભોજ માટે નિમંત્રણ આપ્યું છે. આ આમંત્રણને પાટીલના ફેરવેલની પાર્ટી તરીકે જોવાઇ રહી છે. અલબત્ત આ ફેરવેલ પાર્ટીની યજમાની પાટીલે લીધી છે. બુધવારે સાંજે દિલ્હીમાં પાટીલે પોતાના બંગલે જ એક પાર્ટીનું આયોજન કર્યું છે, જેમાં ફાઇવસ્ટાર કેટરર્સને કોન્ટ્રાક્ટ અપાયો છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી અને મંત્રી મંડળ દિલ્હી રવાના થશે જોકે આ ભોજન સમારંભ ખાસ કરીને ગુજરાતના નેતાઓ માટે યોજવામાં આવી રહ્યો છે. આવતીકાલે સાંજે દિલ્હી ખાતે યોજાનારા ભોજન સમારંભમાં ગુજરાત ખાતેથી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી મંડળના સભ્યો દિલ્હી ખાતે જશે. ગાંધીનગર ખાતે સવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાયા બાદ તમામ મંત્રી મંડળના સભ્યો દિલ્હી ખાતે જશે. આ ભોજન સમારંભમાં ગુજરાતના સાંસદો પણ જોડાશે. હાલ દિલ્હી ખાતે સંસદ સત્ર ચાલતું હોવાને કારણે સી.આર.પાટીલ ગુજરાત આવી શકે તેમ નથી તો બીજી તરફ તમામ મંત્રીઓ સંસદની કામગીરી જોઈ શકે એ હેતુસર આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દોઢ વર્ષ પહેલા જ ટર્મ પૂરી થઈ ગઈ ગુજરાતના પ્રવાસ વખતે પાટીલે જમણવારની જાહેરાત કરી હતી. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની ત્રણ વર્ષની નિયત ટર્મ પૂરી કર્યાં પછી પણ દોઢ વર્ષ કરતાં વધુ સમય માટે પાટીલે પદ ભોગવ્યું છે. સી.આર.પાટીલ 2020ના જુલાઈમાં પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તેમની ટર્મ 2023ના જુલાઈમાં પૂર્ણ થઈ ગઈ હતી.
પ્રદેશ સંગઠનના નેતાઓને હાલ આમંત્રણ નહીં પાટીલે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના મહાભોજમાં પ્રદેશ માળખાના સંગઠનમાં કાર્યરત અંદાજે 90 લોકોને આમંત્રણ આપશે. પરંતુ આશ્ચર્યની વચ્ચે પાટીલે મોકલેલાં આમંત્રણની યાદીમાં પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામ ગાયબ છે. આથી આવનારા દિવસોમાં સંગઠનના લોકો માટે પાટીલ અલગથી કાર્યક્રમ યોજશે.
ડિસેમ્બરના અંત સુધી પાટીલ જ પ્રદેશ પ્રમુખ રહેશે 27 નવેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લાપ્રમુખ સહિતના પદાધિકારીઓની પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં અનેક એવી વાતો સામે આવી, જેણે ફરી એક વખત પક્ષના કાર્યકરોને અંદરોઅંદર ચર્ચા કરતા કરી દીધા હતા. આ બેઠકમાં ફરીથી એક વખત પાટીલે નિવેદન કર્યું કે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે દિવ્ય ભાસ્કર પાસે સચોટ માહિતી છે કે ડિસેમ્બર માસના અંત સુધી પ્રદેશ પ્રમુખ તરીકે હજુ પણ સીઆર પાટીલ જ કાર્યરત રહેશે.
જિલ્લાની કારોબારીની રચના બાદ થશે પ્રદેશ પ્રમુખની વરણી ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સંગઠન માળખાની પ્રક્રિયા સમજાવતાં કહે છે કે ભાજપમાં લોકતાંત્રિક પદ્ધતિથી બંધારણને આધારે સંગઠનની રચના થાય છે. કોરોનાના સમયે સંગઠનની જે રચના હતી એમાં ખાનાપૂર્તિ કરી અને રચના પૂરી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે ફરીથી લોકતાંત્રિક પદ્ધતિથી ફરીથી રચના કરવામાં આવી રહી છે. સૌપ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક સદસ્યોમાં મિસ કોલ કરીને ફોર્મ ભર્યા બાદ ઓટીપી આવે છે. ઓટીપી ઓથોરાઈઝેશન છે કે એ વ્યક્તિ ભાજપનો સદસ્ય બને છે. બાદમાં 50 કે 100 પ્રાથમિક સભ્ય ભેગા થાય તો એક સક્રિય સભ્ય બને છે.
એક સક્રિય સભ્ય બન્યા બાદ ભાજપની જે આંતરિક જવાબદારી છે એમાં ભાગ લઈ શકે છે. આવા સક્રિય સભ્ય બન્યા બાદ નીચેના સ્તરથી માળખું શરૂ થાય છે અને એ લોકતાંત્રિક પદ્ધતિથી થાય છે. આ પદ્ધતિમાં બૂથ સ્તરે 11 લોકોની કમિટી બને, જેમાં બૂથનો પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા પ્રમુખ, ઓબીસી સેલ, એસટી સેલ, માઈનોરિટી સેલ વગેરેની રચના સંખ્યાના આધારે થાય છે. આ ઉપરાંત મહિલા પ્રમુખ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બનાવે છે. આખીયે આ કમિટીમાં 3 મહિલા હોવી ફરજિયાત છે. આવી જ કમિટી શક્તિ કેન્દ્રમાં હોય છે, એવી જ કમિટી મંડળ સ્તરે, એટલે કે વોર્ડ, ભાજપના ગુજરાતમાં 500 મંડળ છે. આ મંડળ તાલુકા મુજબ હોય છે. મંડળ એટલે કે શહેરમાં વોર્ડ કહેવાય છે. એ પછી મંડળ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની બોડી જિલ્લાપ્રમુખ માટે પ્રક્રિયા હાથ ધરે છે.