1. શું તમે દરરોજ 8-10 કલાક ખેતરોમાં સખત મહેનત કરો છો?
2. શું તમે દરરોજ 10-15 કિલોમીટર દોડો છો?
3. શું તમે દરરોજ એક કલાક જિમમાં હાઇ ઇન્ટેન્સિટી એક્સર્સાઇઝ, વેઇટ ટ્રેઇનિંગ, કાર્ડિયો અને મસલ ટ્રેઇનિંગ કરવામાં વિતાવો છો?
4. શું તમારો વ્યવસાય એવો છે કે એમાં સ્નાયુઓની મજબૂતી અને પરસેવો જરૂરી છે?
જો ઉપરોક્તમાંથી કોઈપણ તમને લાગુ પડતું હોય, તો આ લેખ તમારા માટે નથી. તમે ઈચ્છો એટલી શુગર લો, ગળપણ ખાઓ અને ખુશ રહો.
પરંતુ જો તમે –
1. દિવસમાં 10થી 12 કલાક સોફા-ચેર પર બેસીને લેપટોપ પર કામ કરો
2. દિવસમાં 8થી 10 કલાક એક જગ્યાએ બેસી રહો છો
3. દુકાનના કાઉન્ટર પર દિવસમાં 8થી 10 કલાક ઊભા રહો છો
4. માત્ર ઘરનું કામ કરો છો, જેમ કે રસોઈ બનાવવી, બાળકોની સંભાળ રાખવી વગેરે.
તો પછી આ લેખ ફક્ત તમારા માટે છે. એકંદરે આ લેખ તેમના માટે છે, જેમની જીવનશૈલી બેઠાડુ છે, એટલે કે તેઓ એક જગ્યાએ બેસીને કામ કરે છે.
તમારે એક મહિના માટે ખાંડ અથવા કોઈપણ પ્રકારની એડેડ શુગર ખાવાની સંપૂર્ણપણે બંધ કરવી પડશે. આ શા માટે કરવું પડશે છે એ સમજવા માટે આ બે સાયન્સ સ્ટડીઝ વિશે વાંચો-
સ્ટડી- 1
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના 2018ના અભ્યાસ મુજબ, ખાંડ ખાવાથી અથવા એડેડ શુગર આ બાબતોનું કારણ બને છે-
વજન વધે છે
હૃદયરોગનું જોખમ વધે છે
કોલેસ્ટેરોલ વધે છે
ઇન્સ્યુલિન વધે છે, એટલે કે ડાયાબિટીસની શક્યતા વધી જાય છે
જ્ઞાનાત્મક કાર્ય નબળું પડે છે
ફેટી લિવર વધે છે
સ્ટડી-2
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં 2016માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ઉંદરો પર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આમાં ઉંદરોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. એકને ખાંડ આધારિત ખોરાક આપવામાં આવ્યો હતો અને બીજા જૂથને ખાંડથી દૂર રાખવામાં આવ્યા હતા.
એક મહિના પછી સંશોધકોએ બંને જૂથના ઉંદરોને પાણીમાં છોડી દીધા અને જોયું કે જે ઉંદરો એક મહિના સુધી ખાંડ ખાતા હતા એમણે પોતાનો જીવ બચાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો નહોતો અને તેઓ ડૂબવા લાગ્યા. જ્યારે અન્ય જૂથના ઉંદરો શારીરિક રીતે વધુ સક્રિય હતા. તેઓ તરીને અને કૂદીને પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સંશોધકોએ શોધી કાઢ્યું કે ખાંડ ઉંદરોની શારીરિક પ્રવૃત્તિ અને જ્ઞાનાત્મક કાર્યને નબળા પાડે છે.
તો ચાલો… હવે પ્રયોગ શરૂ કરીએ
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એન્ડોક્રોનોલોજી વિભાગના પ્રોફેસર રોબર્ટ લસ્ટિગ તેમના પુસ્તક ‘ફેટ ચાન્સ’માં લખે છે – “આને તમારા શરીર પર કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયોગ ગણો. એ જાણવા માટે કે વિશ્વભરમાં વૈજ્ઞાનિક સંશોધનો આપણને શુગર વિશે આપેલી ચેતવણીઓમાં કોઈ સત્યતા છે કે નહીં.
સ્વયં-સ્પષ્ટ હકીકત માટે કોઈ પુરાવાની જરૂર નથી. યાદ રાખો, બાળપણમાં આપણે વિજ્ઞાનનાં પુસ્તકોમાં વાંચતા હતા – ‘ચાલો કરીને શીખીએ વિજ્ઞાન’
તો આપણે એ જ કરીને શીખવું અને સમજવું પડશે.
આ પ્રયોગ બેઠાડુ જીવનશૈલી ધરાવનાર 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આમાં ઉંમર કે લિંગની કોઈ મર્યાદા નથી. તો ડો. લસ્ટિગ કહે છે એમ, આપણા શરીર પર આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં આપણે આ બાબતો કરવી પડશે-
1. તમારું વજન તપાસો.
2. તમારું મોર્નિંગ ફાસ્ટિંગ અને ભોજનના બે કલાક બાદ બ્લડશુગર લેવલ તપાસો
3. આ ઉપરાંત નીચેના તબીબી પરીક્ષણો કરાવો-
Hba1c ટેસ્ટ
મોર્નિંગ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ
ફેટી લિવર ટેસ્ટ
લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ
ટ્રાઇગ્લિસરાઇડ્સ ટેસ્ટ
થાઇરોઇડ ટેસ્ટ
હવે તમે આ પ્રયોગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છો.
આ પ્રયોગમાં તમારે આટલું કરવાનું છે?
આ એક મહિનાના પ્રયોગમાં તમારે ખાંડ અને એડેડ શુગરને સંપૂર્ણપણે ટાળવી પડશે. યાદ રાખો, આ પ્રયોગમાં કોઈ ચીટ ડે (છાનામાના શુગર લેવાની) નથી. ખાંડનો અર્થ માત્ર બજારમાં વેચાતી સફેદ દાણાદાર ખાંડ જ નથી, પરંતુ એમાં એડેડ શુગરનાં પણ ઘણાં સ્વરૂપો છે.
આ સાથે તમે પ્રયોગ શરૂ કરતાં પહેલાં કરેલાં તમામ તબીબી પરીક્ષણોનાં પરિણામોમાં સુધારો થશે. મોર્નિંગ ફાસ્ટિંગ શુગર, ઇન્સ્યુલિન, ફેટી લિવર, કોલેસ્ટેરોલ, લિવર, કિડની ફંક્શન બધું જ સુધરી જશે, પરંતુ આનો અર્થ એ નથી કે આ એક મહિનાના પ્રયોગ પછી તમારે તમારી જૂની ખાવાની આદતો પર પાછા ફરવું. એક મહિનાનો પ્રયોગ માત્ર ‘ચાલો કરીને વિજ્ઞાન શીખીએ’ માટે હતો. આ પ્રયોગને તમારી જીવનભરની આદતમાં સામેલ કરો.
અને અમને એક પત્ર અથવા ઇ-મેઇલ લખો અને અમને જણાવો કે આ પ્રયોગનું પરિણામ કેવું રહ્યું.