આજથી વડોદરા કોર્પોરેશનની શરૂ થયેલા ત્રણ દિવસના બજેટ સત્રમાં કાઉન્સિલરો દ્વારા સુચનો અને વણઉકલ્યા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ભાજપા કાઉન્સિલરોએ વડોદરા કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરીઓ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત વચ્ચે ચેરમેને સ્પોર્ટ્સ પોલિસી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને સુચન કર્યું હતું. આ ઉપરાંત આ સભામાં ધારાસભ્ય અને કાઉન્સિલરે ભવિષ્યમાં વધનારા પ્રદૂષણને ધ્યાનમાં રાખી શહેરમાં એક હજાર ફાઉન્ટન બનાવવા સુચન કર્યું હતું.
ભાજપાના કાઉન્સિલર મનિષ પગારેએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષણ અને રમત-ગમત અંગેની રજૂઆત કરી હતી. આ રજૂઆત વચ્ચે નિતીન દોંગાએ વડોદરા કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરીઓ આપવા માટે રજૂઆત કરી હતી. જેને ઘનશ્યામ પટેલે સમર્થન આપતા જણાવ્યું હતું કે, વડોદરા સ્પોર્ટ્સમાં દેશમાં નામ રોશન કરી રહ્યું છે. સરકાર દ્વારા ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા જેવા ખેલ ઉત્સવ ઉજવાય છે. ત્યારે, વડોદરાના 50 ટકા મેડાલિસ્ટ રમતવીરો માટે કોર્પોરેશનમાં નોકરીઓ આપવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને કાઉન્સિલર નંદા જોષીએ અને અજીત દધીચે પણ રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે કોર્પોરેશનમા સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરવા સમર્થન આપ્યું હતું.
બજેટ ચર્ચામાં ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડીયાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, વડોદરા ઔદ્યોગિક એકમો વચ્ચે છે. પ્રદૂષણ વધી ગયું છે. ભવિષ્યમાં પ્રદૂષણ વધવાનું છે. ત્યારે પ્રદૂષણને રોકવા માટે પાલિકા દ્વારા હાલ પ્રયાસો અને કામગીરી કરી જ રહ્યું છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા વધતા જતા પ્રદૂષણના નિયંત્રણ માટે શહેરમાં એક હજાર ફાઉન્ટન બનાવવા સુચન કર્યું હતું.
