વડોદરામાં વધુ એક પીપીપી પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. 2017માં જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર પીપીપી ધોરણે 1 હજાર મેટ્રિક ટનનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ મુકાયો હતો. જોકે 7 વર્ષ વીતવા છતાં પ્રોજેક્ટ અધૂરો છે. કેન્દ્ર સરકારે માર્ચ-2025 સુધી એક્સ્ટેન્શન આપ્યું હોવા છતાં કામ ન થતાં સોલિડ વેસ્ટ વિભાગે અંતિમ નોટિસ આપી છે.
સ્વચ્છ ભારત મિશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ની માર્ગદર્શિકા મુજબ મકરપુરા જાંબુવા સાઈટ પાસે 1 હજાર મેટ્રિક ટન પ્રતિ ક્ષમતાનો એનર્જી પ્રોજેક્ટ પીપીપી ધોરણે મુકાયો હતો. 2017માં 240 કરોડના ખર્ચે બનનારા પ્રોજેક્ટ માટે પાલિકાએ એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 6 એકર જમીન આપી હતી. જેનાથી અંદાજિત 14.9 મેગાવોટ એનર્જી ઉત્પન્ન થવાનો અંદાજ મુકાયો હતો. પાલિકાએ આ પ્રોજેક્ટ માટે વર્ષ 2017ના સપ્ટેમ્બર મહિનામાં વર્ક ઓર્ડર આપ્યો હતો. જોકે 7 વર્ષ વીતવા છતાં હજુ સુધી સિવિલ વર્ક તથા મિકેનિકલ વર્કની કામગીરી અધૂરી છે. તદુપરાંત સાઇટ ખાતે કોઈપણ મિકેનિકલ ઇક્વિપમેન્ટ આવ્યાં નથી. કેન્દ્ર સરકારે દેશમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટને માર્ચ-2025 સુધીનું એક્સટેન્શન આપ્યું હતું.
પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એક્સટેન્શન અપાયું હોવા છતાં જુલાઈ-2024થી સંપૂર્ણ કામગીરી બંધ હોવાનું સોલિડ વેસ્ટ વિભાગના ધ્યાને આવ્યું છે. જેને પગલે સોલિડ વેસ્ટ વિભાગે એબેલોન ક્લીન એનર્જી લિ.ને અંતિમ નોટિસ આપી છે. નોટિસમાં પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીને કારણે પાલિકાની છબી ખરડાઈ હોવાનું અને સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો ન થવા બદલ કોન્ટ્રાક્ટ ટર્મિનેશન કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે અન્ય સક્ષમ એજન્સી પાસેથી કામગીરી પૂર્ણ કરાવવા તાકીદ કરી છે. આ અંગે કોન્ટ્રાક્ટરની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરતાં તેમણે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
પ્રોજેક્ટમાં વિલંબ થવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર પાછળ ધકેલાશે શહેરમાંથી રોજ 1200 મેટ્રિક ટન કચરો નીકળે છે. વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં રોજ 1 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરી વીજળી ઉત્પન્ન કરાનાર હતી. સૂત્રો મુજબ આ પ્રોજેક્ટમાં વિલંબથી સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ અસર જોવા મળશે અને શહેરનો નંબર પાછળ ધકેલાય તો નવાઈ નહીં.
બીજી એજન્સી મકરપુરામાં 9.80 લાખ મે.ટન કચરાનો નિકાલ કરશે મકરપુરા સાઇટ પર વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં વિલંબ થયો છે, ત્યાં બીજી એજન્સીએ 40.42 કરોડના ખર્ચે 4.80 લાખ મે. ટન લેગેસી વેસ્ટનો નિકાલ કર્યો છે. 5 લાખ મે. ટન વેસ્ટના નિકાલનું કામ ચાલુ છે. જેનો 42.55 કરોડના ખર્ચનો અંદાજ છે.
આર્થિક સંકટ ઊભું થયું હોવાથી વિલંબ થયોે, પ્રોજેક્ટ પૂરો થવાની હવે શક્યતાઓ નહિવત પીપીપી ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ હેઠળ પાલિકાએ એબેલોન ક્લીન એનર્જી કંપનીને 6 એકર જગ્યા આપી છે. આ પ્રોજેક્ટ 240 કરોડનો છે. જોકે 7 વર્ષ અને 4 મહિના બાદ પણ પ્રોજેક્ટ અધૂરો હોવાથી માર્ચ-2025 સુધીની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી. આર્થિક સંકટ ઊભું થયું હોવાના કારણે અને લોન રિજેક્ટ થઇ હોવાથી પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી, તેમ અધિકારીઓનું કહેવું છે. પ્રોજેક્ટ માર્ચ-2025 સુધી પૂરો થવાની શક્યતા નહિવત છે. બીજી તરફ આ પ્રોજેક્ટ પૂર્ણ ન થાય તેવા સંજોગોમાં કોન્ટ્રાક્ટરને ટર્મિનેટ કરીને કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે અન્ય એજન્સીને પાસેથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
