છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યમાં હાલમા ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. વડોદરા શહરમાં ફૂંકાયેલા ઠંડા પવનોના કારણે શહેરીજનો ઠૂઠવાયા છે. જેને લઇને સ્કૂલોમાં જતાં વિદ્યાર્થિઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી વાલીઓ દ્વારા પણ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સ્કૂલમાં જતા બાળકોને પડતી મુશ્કેલીને લઈ સમયમાં ફેરફાર અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઇમેઈલ દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રોજબરોજ પોતાના ધંધો રોજગાર અને નોકરી અર્થે જતા લોકોને તો હાલાકી પડી જ રહે છે, પરંતુ વહેલી સવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાલી સુશીલ કુમારે જણાવ્યું હતું કે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જેથી બાળકોને વહેલી સવારે સ્કૂલે પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મારી દીકરી સવારે મને કહેતી હતી કે પપ્પા સ્કૂલે જવામાં ખૂબ જ ઠંડી લાગે છે. જેથી સ્કૂલનો ટાઈમ એક કલાક મોડો કરવો જોઈએ. અત્યારે ઠંડીને કારણે બાળકોને શરદી થઈ શકે છે. જેથી થોડો તડકો નીકળ્યા બાદ બાળકો સ્કૂલે આપે તો બાળકો માટે સારૂ રહેશે. અત્યારે સ્કૂલ નો ટાઈમ 7 વાગ્યાનો છે, તે વધારીને 8 વાગ્યાનો કરવો જોઈએ.
વાલી રામજતનભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે સ્કૂલનો સમય ખૂબ વહેલો છે, જે વધારીને 7:30 કરવો જોઈએ. અત્યારે સવારે બાળકોને ઉઠવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, ત્યારબાદ સ્કૂલે પહોંચવામાં પણ ઠંડીને કારણે મુશ્કેલી પડે છે. જાન્યુઆરી સુધી સ્કૂલોના સમયમાં ફેરફાર કરવો છે.
વાલી સોશિયલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અત્યારે ઠંડી ખૂબ જ વધી ગઈ છે જેથી બાળકો સવારે ઉઠતા નથી જેથી સ્કૂલના સમયમાં એક કલાકનો ફેરફાર કરવો જોઈએ. અત્યારે ઠંડીને કારણે બાળકોને શરદી પણ થઈ ગઈ છે.
વાલી મયુર નાયક એ જણાવ્યું હતું કે, ઠંડીની સિઝનમાં હવે બાળકો માટે સ્કૂલના સમયમાં ફેરફાર કરવો જોઈએ. ઠંડીને કારણે બાળકોને સ્કૂલે પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. જેથી અમારી માંગણી છે કે સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવે.
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, શિયાળાના દિવસોમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ઠંડીના વાતાવરણમાં શરદી જન્ય રોગ પ્રસસરવાની શક્યતા હોય છે. જેને લઇ વડોદરા શહેરની શાળાઓમાં સવારના સમયમાં પરિવર્તન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે શાળાના સમયમા ફેરફાર થાય તો બાળકો તેમજ શિક્ષક માટે પણ યોગ્ય અનુકૂળતા રહે તેવી વાલીઓની માંગણીને કારણે આ અંગેની રજૂઆત કરાઈ છે.