હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બુધવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, આવનારા બે દિવસ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે. આ સાથે તેમણે લઘુત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું કે આવનારા બે દિવસ દરમિયાન તેમાં કોઈ મોટો બદલાવ થશે નહીં. તે બાદ બેથી ત્રણ ડિગ્રી વધારો થવાનું અનુમાન છે.
વરસાદી છાંટાની શક્યતાઓ
રામાશ્રય યાદવે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતી આપતાં કહ્યું કે અમદાવાદમાં 36.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.7 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં આજે 38 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે 20 માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે. જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.
