PM Modi On BR Ambedkar : સંસદમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું, કોંગ્રેસે આંબેડકરનું જે અપમાન કર્યું છે તેને છુપાવી શકાતું નથી. એક વંશના નેતૃત્વમાં પાર્ટીએ આંબેડકરના વારસાને ભૂંસી નાખવાની ચાલ કરી છે.
કોંગ્રેસે આંબેડકરનો વારસો ભૂંસવાનો પ્રયાસ કર્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ કહ્યું, ભારતના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડૉ. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી યુક્તિ કરી છે. કોંગ્રેસે ચૂંટણીમાં બાબા સાહેબને બે વાર હરાવવાની યુક્તિ વાપરી. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના ફોટોગ્રાફને સ્થાન આપવાનો ઇનકાર કર્યો હતો.