સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. શોમાં રણવીરે માતાપિતા પર અભદ્ર કમેન્ટ કરી હતી, જેનાં કારણે ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો છે. આ હોબાળો એટલો વધી ગયો કે જનતાની સાથે રાજકારણીઓ અને ધાર્મિક સંગઠનો પણ યુટ્યૂબરના વિરોધમાં બહાર આવ્યા. આ મામલો સંસદ સુધી ગુંજ્યો અને દેશના વિવિધ રાજ્યોમાં રણવીરના નામે FIR પણ દાખલ કરવામાં આવી. મહારાષ્ટ્રનો સંસ્કૃતિ વિભાગ પણ યુટ્યૂબરના વિવાદાસ્પદ નિવેદનની તપાસ કરશે.
વિવાદ વચ્ચે રણવીર અલ્લાહબાદિયા ગાયબ! એવામાં મુંબઈ પોલીસના અધિકારીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અલ્લાહબાદિયાએ હજુ સુધી પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રણવીરના મુંબઈના ઘરે તાળું મારેલું છે. યુટ્યૂબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેમના વકીલનો પણ સંપર્ક થઈ શક્યો નથી.
શુક્રવારે, મુંબઈ પોલીસ (ખાર સ્ટેશન) અને આસામ પોલીસની ટીમો પણ રણવીરના વર્સોવા સ્થિત ફ્લેટ પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું લાગેલુ હતું. રણવીરને આજે મુંબઈ પોલીસ (ખાર પોલીસ સ્ટેશન) સમક્ષ હાજર થવાનું છે. કારણ કે તે શુક્રવારે હાજર થયો ન હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રણવીરને તેમના વિવાદાસ્પદ નિવેદનની તપાસના સંદર્ભમાં 13 ફેબ્રુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે આવ્યો ન હતો. પોલીસે તેમને 14 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બીજું સમન્સ જારી કર્યું હતું. રણવીર વિરુદ્ધ આસામમાં પણ કેસ નોંધાયેલો છે, તેથી આસામ પોલીસ પણ તેની પૂછપરછ કરવા માગે છે.
આ ઉપરાંત, રણવીર અલ્લાહબાદિયાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં, ભારતભરમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR ને એકસાથે જોડવાની માગ કરવામાં આવી હતી.
સમય રૈનાને પણ 5 દિવસમાં હાજર થવા કહ્યું
રણવીર ઉપરાંત, આસામના ગુવાહાટીમાં નોંધાયેલી FIRમાં સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વા માખીજાના નામ પણ છે. મુંબઈ પોલીસ અને સાયબર સેલ આ મામલાની અલગ-અલગ તપાસ કરી રહ્યા છે. આસામ પોલીસ મુંબઈ સાયબર ટીમને પણ મળી. રૈનાને આગામી પાંચ દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
દરમિયાન, મુંબઈ પોલીસે (ખાર પોલીસ સ્ટેશન) ભાજપ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધીમાં અપૂર્વા માખીજા, આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાના મેનેજર સહિત 8 લોકોના નિવેદનો નોંધ્યા છે. શુક્રવારે પોલીસે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના વીડિયો એડિટર પ્રથમ સાગરનું પણ નિવેદન નોંધ્યું હતું.
મહારાષ્ટ્ર સાયબરે આ સંદર્ભમાં નોંધાયેલા કેસમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 50 લોકોને તેમનાં નિવેદનો નોંધવા માટે સમન્સ પાઠવ્યા છે. આમાં શોમાં ભાગ લેનારા લોકોનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે, એક્ટર રઘુ રામે તપાસ ટીમ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું. તે રૈનાના શોના જજ પેનલમાં હતો.
શું છે આખો મામલો? ‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયા હતા. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી.
