છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની ચગડોળે ચઢેલી ચેમ્પિયન ટ્રોફીનું કોકડું આખરે ઉકેલાઈ ગયું અને તે ક્યાં રમાશે તેને લઈને સત્તાવાર એલાન કરી દેવાયું છે. ICCએ એવું જાહેર કર્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે તેમજ ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમશે.
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં
આઈસીસીએ એવું જણાવ્યું કે કોઈ ન્યુટ્રલ સ્થળે ભારત અને પાકિસ્તાનની મેચ થશે. આઈસીસીના નિર્ણયથી એક વાત તો નક્કી થઈ કે ભારત-પાકિસ્તાનની મેચ પાકિસ્તાનમાં નહીં થાય, તે ઉપરાંત ભારતે પણ ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાન રમવા જવાનો ઈન્કાર કર્યો છે
ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી
જોકે, ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. તેથી, BCCIના મુદ્દાને સ્વીકારીને, ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે.
19 ફેબ્રુઆરીથી શરૂ થશે ચેમ્પિયન ટ્રોફી
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ અગાઉ હાઇબ્રિડ હોસ્ટિંગ મોડલનો વિરોધ કર્યો હતો, જેમાં ભારતની મેચો અલગ દેશમાં રમાતી જોવા મળશે.