ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાંથી કમાણી કરવા માટે કોઈપણ દર્દના દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જ્યિોપ્લાસ્ટી કરવાના પગલે બે દર્દીના મોત નિપજ્યાં હતા. આ સમગ્ર કારનામાને પાર પાડવા માટે ગાંધીનગરથી માત્ર ગણતરીની મિનિટોમાં આયુષ્માન કાર્ડ કઢાવવા અને કાર્ડ નીકળે પછી કલાકોની અંદર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે તાત્કાલિક મંજૂરી પણ મળી જતી હતી. ગુજરાતના મેડિકલ જગતને હચમચાવી નાખતા આ કૌભાંડમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં એકપણ ઓર્થોપેડિક સર્જન નથી છતાં હાડકાંના ઓપરેશનો કરી નંખાયા છે.
બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગ અને બજાજ અલાયન્સ ઈન્શ્યોરન્સ કંપની પાસે કેટલાક જવાબો માગી રહી છે પણ બંને વિભાગો જવાબો આપવામાં ઉલાળિયો કરે છે એટલે ક્રાઈમ બ્રાન્ચે કાયદેસર કાર્યવાહી કરવા માટે આરોગ્ય વિભાગ અને બજાજ અલાયન્સ ઈન્શ્યોરન્સને 91નો સમન્સ આપ્યો છે. આરોગ્ય વિભાગના પાંચથી વધુ અધિકારીઓની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચના રડારમાં આરોગ્ય વિભાગના ડોક્ટર અને સ્ટાફ તો હતો જ પણ બજાજ અલાયન્સ ઈન્શ્યોરન્સે કેટલાક પેશન્ટની હેલ્થ વીમાની રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવી હતી. એટલે તેની પાસેથી પણ જવાબ માગવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં અન્ય ઓપરેશનો પણ શંકાસ્પદ, ઓર્થોના ડોક્ટર નથી, પણ પૈસા લેવા ઓપરેશન થયાં ખ્યાતિ હોસ્પિટલી તપાસ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે, જેમાં અન્ય ઓપરેશનો પણ શંકાના ઘેરામાં આવી ગયા છે. અન્ય ઓપરેશનોમાં પણ અનેક છીંડા હોવાનું તપાસમાં બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ગઇ છે અને તેમાં આરોગ્ય વિભાગ અને બજાજ અલાયન્સ ઈન્શ્યોરન્સની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે. દિવ્ય ભાસ્કરે ઈન્વેસ્ટિગેશન કરીને ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ મેળવ્યો છે. એમાં અને ખ્યાતિ હોસ્પિટલની વેબસાઈટમાં સર્ચ કરતાં જાણવા મળ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન નથી. છતાં PMJAYના પૈસા પડાવવા માટે હાડકાંના ઓપરેશનો કરી નખાયા છે. હાડકાંના ડોક્ટર્સ નહોતા તો ઓપરેશનો કર્યા કોણે, તે મોટો સવાલ છે. આ વાતની પુષ્ટિ ક્રાઈમ બ્રાન્ચે પણ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, ખ્યાતિમાં ઓર્થોપેડીક હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર નથી તેમ છતાં ઓર્થોના ઓપરેશનો પણ કરી દેવામાં આવ્યા છે અને આ ઓપરેશનો આયુષ્યમાન કાર્ડમાં ફાયદો લેવા જ કરી દેવામાં આવ્યા છે. હવે ડોક્ટર જ નથી તેવા ઓપરેશન થતાં ક્રાઇમ બ્રાન્ચ ચોંકી ગયું છે. જોકે તેનો જવાબ આરોગ્ય વિભાગ અને બજાજ અલાયન્સ ઇન્સ્યોરન્સ જે પૈસા પાસ કરતા હતા તેમની પાસે પણ નથી. આવા અનેક શંકાસ્પદ ઓપરેશનો બહાર આવ્યા છે એટલે ખ્યાતિ હોસ્પિટલ માત્ર એન્જીઓગ્રાફી અને પ્લાસ્ટીમાં જ નહીં પણ અન્ય ઓપરેશનોમાં પણ કૌભાંડ કર્યા હોવાનું બહાર આવ્યું છે તેમાં જીણવટભરી તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે 91નો સમન્સ કોને ફટકાર્યો? ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભૂતકાળમાં થયેલી દર્દીઓની સારવાર માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેવામાં ક્રાઇમ બ્રાન્ચે અન્ય દર્દીઓની વિગતો અને સારવાર અંગે માહિતી માંગી હતી, જેમાં તેમના ઓપરેશન અંગે પણ અનેક પ્રશ્નો ઉઠતાં આરોગ્ય વિભાગ દ્વારા તેની માહિતી આપવામાં આવતી નથી અને તેમના ઓપરેશનો પણ આરોગ્ય વિભાગ કે પછી બજાજ અલાયન્સ ઇન્સ્યોરન્સની મંજૂરીથી કરાયા તે અંગે બંને વિભાગો નનૈયો ભણી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બંને વિભાગો દ્વારા વિગતો આપવામાં આવતી નથી અને બંને એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. આખરે આરોગ્ય વિભાગના PMJAYના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર ડો.નીશિત શાહ અને ડો.પંકજ અને બજાજ અલાયન્સના ગુજરાતના રિજિયોનલ મેનેજર સહિત 4 વ્યક્તિને 91નું સમન્સ આપવામાં આવ્યું હોવાનું ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયણે જણાવ્યું હતું.
91નો સમન્સ શું હોય છે? પોલીસ વિભાગ દ્વારા કોઇપણ વ્યક્તિ કે અધિકારીને બોલાવ્યા પછી પણ તે હાજર ન થાય તો તેમને 91નું સમન્સ આપવામાં આવે છે. આ 91ના સમન્સમાં જે તે વ્યક્તિ કે અધિકારીને તમામ દસ્તાવેજ સાથે પોલીસ સમક્ષ ફરજિયાત હાજર રહેવાનું હોય છે. 91નું સમન્સ આપવા છતાં જો વ્યક્તિ હાજર ન થાય અથવા તો જવાબ ન આપે તો એ કેસમાં તેમને આરોપી બનાવી દેવામાં આવે છે.
છેલ્લા 3 વર્ષમાં ખ્યાતિનું ટર્નઓવર વધી ગયું દિવ્ય ભાસ્કર દ્વારા ઇન્વેસ્ટીગેશન કરી આરઓસીમાંથી છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટ મેળવવામાં આવ્યા હતા. જેમાં અનેક હકીકતો બહાર આવી હતી. ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાઈ છે. જેનો આરઓસીમાં છેલ્લા ત્રણ વર્ષનો ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું 24 કરોડ 57 લાખનું ટર્નઓવર હતું અને એક કરોડની ખોટ ગઈ હતી. આ પછી વર્ષ 2022માં ટર્નઓવર ઘટીને 13.90 કરોડે પહોંચી ગયું હતું. 2023માં આયુષ્માન કાર્ડના લીધે ટર્નઓવર વધીને 22.26 કરોડે પહોંચી ગયું. આ પછી 2024માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ટર્નઓવર વધીને 27.14 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું.
ખ્યાતિ હોસ્પિટલમાં કોણ કેટલો શેર હિસ્સો.. ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાઈ છે. જેનો આરઓસીમાં છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટમાં ડાયરેકટરોનો કેટલો ભાગ છે અને વર્ષ દરમિયાનની આવક અને જાવકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ડો.સંજય મૂળજીભાઈ પટોળીયાનો કંપનીમાં 33.85 ટકા ભાગ છે. જયારે કાર્તિક પટેલનો 50.91 ટકા, કાર્તિક પટેલ એચયુએફનો 0.7 ટકા, હેતલ સંજય પટોળિયાનો 8.37 ટકા, ચિરાગ એચ. રાજપૂતનો 6.18 ટકા અને પ્રદીપ આર.કોઠારીનો 3.61 ટકા શેર હિસ્સો ધરાવે છે. આ શેર હોલ્ડરનો રિપોર્ટ તા.30-09-2024ના રોજ ડો. સંજય મૂળજીભાઈ પટોળીયા અને કાર્તિક પટેલની સહીથી રજૂ કરવામાં આવ્યો છે.
પ્રોફેશનલ ફી પેટે ડો.સંજય પટોળિયાએ કૌભાંડના 6.25 લાખ રૂપિયા લીધા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, ડાયરેકટર ડો.સંજય મૂળજીભાઈ પટોળીયાએ પ્રોફેશનલ ફી પેટે રૂ.6,25,976 લીધા છે. જયારે ડો. હેતલ સંજય પટોળીયાએ રૂ.6.25 લાખ પ્રોફેશનલ ફી લીધી હતી. આ ઉપરાંત સીઈઓ રાહુલ જૈને રૂ.30 લાખ, ડાયરેકટર ચિરાગ રાજપૂતે સેલરી પેટે રૂ. 84 લાખ અને રૂ.11.41ની લોન લીધી હતી. ખ્યાતિ રિયાલીટી લીમીટેડના કાર્તિક પટેલે રૂ.1.75 કરોડની લોન, ઉત્સવ ફાર્માસ્યૂટિકલે રૂ.1 કરોડની લોન, ખ્યાતિ ફાઈનાન્સના કાર્તિક પટેલએ રૂ.95 લાખની લોન મેળવી હોવાનો વર્ષ 2023ના રિપોર્ટમાં ઉલ્લેખ છે.
કાર્તિક પટેલે 19 જેટલા સરકારી પ્રોજેક્ટ મેળવી લીધા! ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલ ડોકટરો દ્વારા નિર્દોષ દર્દીઓને ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવાના અને બે દર્દીના મોત બાદ ખ્યાતિ ગ્રુપની એક પછી એક સંસ્થાઓ અને તેની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી ગઇ છે. ખ્યાતિ ગ્રુપ દ્વારા સરકારી ઈન્ફ્રાસ્ટ્રકચરના 19 જેટલા પ્રોજેકટ પુરા કર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે સરકારી પ્રોજેકટો કેવી રીતે મેળવવામાં આવ્યા હતા અને આ પ્રોજેકટોમાં ભેળસેળ કરી છે કે કેમ તે બાબતે તપાસ કરવા માટે માંગણીઓ ઉઠવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્લોટિંગનું કામકાજ કરીને રાતોરાત બિલ્ડર બની ગયેલા કાર્તિક પટેલનો ભૂતકાળ તપાસવામાં આવે તો શંકાસ્પદ છે. જો કે, નાણાંકીય જોરે અને અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા હોવાને લીધે તે અત્યાર સુધી સરળતાથી નીકળી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળે છે.