ટોરેસ મોરાલેસ નામના વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ સાથે મોબાઈલ બાબતે થયેલી બોલચાલના લીધે ચાલુ ફ્લાઇટનો દરવાજો ખોલી દેતા દોડાદોડી થઈ ગઈ હતી. આ ઘટના ગત મંગળવારએ સાંજે 7:30 વાગે થઈ હતી જ્યારે વિમાન ટેક્સી કરી રહ્યું હતું. જ્યારે કોઈ વિમાન એરપોર્ટ પર જમીન પર ચાલે છે તેને ટેક્સી કહેવાય છે. આ ત્યારે થાય છે જ્યારે વિમાન ટેકઓફ માટે અથવા લેન્ડિંગ પછી ટર્મિનલ ગેટ સુધી પહોંચવા માટે રનવે પર ધીમું પડી જાય છે. ટેક્સી વખતે વિમાનના એન્જિન ચાલુ હોય છે અને પાઇલટ વિમાનને નિયંત્રિત કરે છે. વિમાનના પૈડા પર તેને ટેક્સીવે પર ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયા ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગ વખતે થાય છે.
બીજા વિમાન દ્વારા મુસાફરોને કરવી પડી યાત્રા
મેસેચ્યુસેટ્સ રાજ્ય પોલીસના પ્રવક્તા ટિમ મેકગર્કે જણાવ્યું હતું કે ટોરેસ-મોરાલેસે અચાનક કોઈપણ પ્રકારની ચેતવણી વિના વિંગની ટોચ પરનો ઇમરજન્સી ગેટ ખોલી નાખ્યો, જેનાથી ઇમરજન્સી સ્લાઇડ સક્રિય થઈ ગઈ. એરલાઇને તેના નિવેદનમાં પુષ્ટિ આપી છે કે આ ઘટનાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી જેના પગલે મુસાફરોને બીજા વિમાન દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ગર્લફ્રેન્ડ સાથે મોબાઈલ મુદ્દે બબાલ
સ્થળ પર હાજર મુસાફરોએ તેને તણાવપૂર્ણ ક્ષણ જણાવી ફ્લાઇટના એક મુસાફર ફ્રેડ વિને જણાવ્યું કે ટોરેસ મોરાલેસ તેની ગર્લફ્રેન્ડ સાથે મોબાઈલ ફોન બાબતે દલીલ કરી રહ્યો હતો. વિને કહ્યું, “મને લાગે છે કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડનો ફોન જોવા માંગતો હતો, પરંતુ તેણે ના પાડી. પછી તે અચાનક ઊભો થયો, વિમાનની વચ્ચે ઇમરજન્સી ગેટ તરફ દોડ્યો અને તેને ખોલી દીધો”
વિને વધુમાં જણાવ્યું કે, ” આ ઘટનાથી મુસાફરો ડરી ગયા અને બૂમો પાડવા લાગ્યા. લોકો બૂમો પાડી રહ્યા હતા કે ‘રોકાઈ જા, રોકાઈ જા’ આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું,” ટોરેસ મોરાલેસને બુધવારે પૂર્વ બોસ્ટન ડિવિઝનમાં બોસ્ટન મ્યુનિસિપલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેના પર વિમાનના સંચાલનમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે હાલ આરોપીએ પોતાને નિર્દોષ કહ્યો છે અને હવે તેણે 4 માર્ચે ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે.