જિલ્લાના સાવલી તાલુકાના ઉદલપુર રોડ ઉપર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે આજે વહેલી સવારે બાઇક ઉપર જતાં એકજ ગામના બે યુવાનો સામસામે અથડાતા બંને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ અરેરાટીભર્યા બનાવની જાણ ગામમાં થતાં સન્નાટો છવાઇ ગયો હતો. સાવલી જમનોત્રી હોસ્પિટલ ખાતે પરિવારજનોના હૈયાફાટ રુદને કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી નાખ્યા હતા.
બંને યુવાનો સામસામે અથડાયા મળેલી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના અમરાપુરા (કસરિયાપુરા) ગામના રહેવાસી કંચન સોલંકી (ઉ.વ. 30) અને ભરત અર્જુનસિહ ચાવડા (ઉ.વ. 25) ગામના અલગ અલગ ફળિયામાં રહેતા હતાં. આજે વહેલી સવારે એક યુવક નોકરીથી ઘરે પરત જતો હતો અને બીજો સાવલી તરફ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન ઉદલપુર રોડ ઉપર ધોરેશ્વર મંદિર પાસે બંને બાઇકચાલકો સામે ભટકાયા હતા. બંને બાઇક ચાલકો એટલા સ્પિડમાં હતા કે બંને સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા અને બંનેની બાઇકોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બાઇકોનો કચ્ચરઘાણ વળી ગયો આ ગોઝારા અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. જોકે, બંને યુવાનોના અકસ્માત થતાં જ સ્થળ ઉપર મોત નીપજતાં ગમગીની છવાઇ ગઇ હતી. દરમિયાન બંને યુવાનો અમરાપુરા ( કસરીયાપુરા ) ગામના હોવાની ટોળે વળેલા લોકોને જાણ થતાં આ બનાવની જાણ ગામમાં કરી હતી. બીજી બાજુ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેના મૃતદેહને સાવલી જમનોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.
યુવાનોનાં અણધાર્યા મોતથી ગામમાં શોકનો માહોલ બનાવની જાણ મૃતકોના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. યુવાન દીકરાઓને યાદ કરી હૈયાફાટ રુદન કરતી પરિવારની મહિલાઓએ હોસ્પિટલ ખાતે પહોંચેલા લોકોને પણ હચમચાવી નાખ્યા હતા. આ બનાવની જાણ થતાં સાવલી પોલીસ દોડી ગઇ હતી અને બને મૃતકોનાં મૃતદેહનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. એકજ ગામનાં યુવાનોનાં અણધાર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.