Chhattisgarh: છત્તીસગઢના દક્ષિણી અબુઝમાડના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે. જેમાં પોલીસ કર્મચારીઓએ ચાર નક્સલીઓને ઠાર કરી દીધા છે. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે.
ચાર જિલ્લાની પોલીસ દ્વારા નક્સલવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. ગઈકાલે (04 જાન્યુઆરી 2025) સાંજથી બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી AK-47 અને SLR જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. પોલીસને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ એકઠા થવાની માહિતી મળી હતી.
દક્ષિણ અબુઝમાડના જંગલોમાં નક્સલવાદીઓ અને નારાયણપુર, દંતેવાડા, બસ્તર અને કોંડાગાંવ જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તાર નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર છે. અહીં ગઈકાલે એટલે કે શનિવારે (04 જાન્યુઆરી 2025) સાંજે 6 વાગ્યાથી અથડામણી ચાલી રહ્યું છે. DIG અને STFના જવાનો પણ મોરચો સંભાળી રહ્યા છે. અથડામણમાં જવાનોએ 4 નક્સલીઓને ઠાર કર્યા છે. જ્યારે દંતેવાડા DRGના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ નક્સલવાદીઓના ગોળીબારમાં શહીદ થયા છે.
4 નક્સલવાદી માર્યા ગયા, એક જવાન શહીદ
માહિતી આપતા બસ્તર IGએ કહ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અહીં મોટી સફળતા મળવાની સંભાવના છે. રવિવારે (05 જાન્યુઆરી 2025) સવારે 8 વાગ્યે ચાલી રહેલી અથડામણ વિશે અપડેટ માહિતી આપતા તેમણે કહ્યું કે, ‘નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના દક્ષિણ અબુઝમાડના જંગલોમાં પોલીસ ટીમ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પોલીસ જવાન શહીદ થયો છે. જવાબી કાર્યવાહીમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા છે.’