- ગોત્રીનાં LICનાં મહિલા એજન્ટ અને તેમનાં સગાંને સહેલીએ જ જાળમાં ફસાવ્યાં
- એડવાન્સ રૂપિયા ભરો એટલે લિસ્ટમાં તમારું નામ આવી જાય, તેમ કહી રૂપિયા પડાવ્યા
ભાયલી પ્રધાનમંત્રી આવાસની દુકાન અપાવવાના બહાને ગોત્રીની મહિલાએ ત્રણ લોકો પાસેથી રૂા.9.79 લાખ મેળવી લઈને ઠગાઈ કરી હતી. આ મામલે ગોત્રી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ગોત્રી લાઇફ અરેના ખાતે રહેતાં હેતલબેન હેમંતકુમાર ચાવડા એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે. મિત્તલ કાર્તિકસ્વામી સાધુ (રહે. શિવાલય હાઇટ્સ, ગોત્રી) હેતલબેનનાં નાનપણનાં મિત્ર છે. મિત્તલે હેતલબેનને કહ્યું હતું કે, સરકારી આવાસનાં મકાનો માટે તમે એડવાન્સ રૂપિયા ભરો એટલે લિસ્ટમાં તમારું નામ આવી જાય.
એપ્રિલમાં મિત્તલે ફોન કરી કહ્યું હતું કે, રૂા.5 લાખ આપો તો હું તમને અઢી લાખ પ્રોફિટ કરી આપીશ. જેથી તેને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મિત્તલે મે મહિનામાં ફોન કરી કહ્યું હતું કે, ભાયલી સરકારી પ્રધાનમંત્રી આવાસની દુકાનો અર્બન રેસીડેન્સીમાં સસ્તા ભાવે મળે છે. ગવર્ન્મેન્ટમાં મારી ઓળખાણ છે.
જેથી હેતલબેને તેમનાં જેઠાણી મનિષાબેનને દુકાન અંગે વાત કરી હતી. મનિષાબેને રૂા.1.49 લાખ દુકાન માટે આપ્યા હતા. જોકે મિત્તલે રસીદ કે દસ્તાવેજ કરી આપ્યો નહોતો. જેથી મનિષાબેને વારંવાર રૂપિયા પરત માગતાં મિત્તલે રૂા.1.10 લાખ પરત કરી રૂા.39 હજાર આપ્યા નહોતા. હેતલબેને નણદોઈ હેમંતકુમારને પણ દુકાન અંગે વાત કરી હતી. તેમણે મિત્તલને રૂા.1.70 લાખ આપ્યા હતા. આ સાથે હેતલબેને પણ દુકાન માટે રૂા.1.70 લાખ આપ્યા હતા.
મિત્તલ કહેતી કે, તમારાં ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટે મુક્યાં છે, પણ તમારી લોન થાય તેમ નથી. તમારે બીજા 8 લાખ રોકડેથી આપવા પડશે. હેતલબેનના 5 લાખ મિત્તલ પાસે જમા હોવાથી તેમણે વધુ 1 લાખ આપ્યા હતા. ઘણા સમય બાદ હેતલબેન મિત્તલના ઘરે જતાં તેના ઘરે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની મિત્તલ સાધુ નામની નોટિસ લગાડેલી હતી. મિત્તલે હેતલબેન, નણદોઈ હેમંતકુમાર તથા જેઠાણી મનિષાબેન મળી 9.79 લાખ પરત ન કરી ઠગાઈ કરી હતી.
મિત્તલે કહ્યું, તમારું કામ થયું નથી, રૂપિયા પરત આપી દઈશ મિત્તલે કહ્યું હતું કે, હું બે દિવસ પછી દુકાનની ચાવી અને દસ્તાવેજની રસીદ આપી જઈશ. બે દિવસ પછી મિત્તલે કહ્યું હતું કે, મેં જે વ્યક્તિને રૂપિયા આપ્યા હતા તે ભાગી ગયો છે. તમારું કામ થઈ શક્યું નથી. જેથી તમારા રૂપિયા હું પાછા આપી દઈશ.
