Kulgam Terrorist Encounter: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના કુલગામ જિલ્લાના કદ્દર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોને શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી બુધવારે રાત્રે જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દરમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જે બાદ સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી.
ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે 19 ડિસેમ્બરે આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. આ પછી ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુલગામમાં એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ. આ પછી આતંકવાદીઓએ અંધાધૂંધ અને મોટી માત્રામાં ગોળીબાર શરૂ કરી દીધો. અમારા સૈનિકોએ અસરકારક રીતે જવાબી કાર્યવાહી કરી.
ઓક્ટોબરમાં થયો હતો આતંકી હુમલો
ઓક્ટોબરમાં મધ્ય કાશ્મીરના ગગનગીરમાં એક ટનલ નિર્માણ સ્થળ પર ઘાતક હુમલો થયો હતો. આ હુમલામાં કથિત રીતે સામેલ લશ્કર-એ-તૈયબા (LeT)નો એક આતંકવાદી શ્રીનગરના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. નગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે એક ટનલ પર કામ કરતા સાત નિઃશસ્ત્ર લોકો, મજૂરો અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ જ્યારે સાંજે કેમ્પ સાઇટ પર પાછા ફર્યા ત્યારે આતંકવાદીઓએ ગુંડ વિસ્તારના ગગનગીરમાં અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો.