હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના મૃત્યુનું કારણ કાર્બન મોનોક્સાઇડ ગેસનું લીકેજ હોવાનું કહેવાય છે. 76 વર્ષીય હેડનનો મૃતદેહ તેમના સોલેબરી ટાઉનશીપમાં બીજા માળે તેમના ઘરના બેડરૂમમાંથી મળી આવ્યો હતો.
બક્સ કાઉન્ટીના સત્તાવાળાઓને શુક્રવારે સવારે એક ઈમરજન્સી કોલ આવ્યો હતો જેમાં જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ ઘરમાં બેભાન છે. ઇમરજન્સી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં 76 વર્ષીય વોલ્ટર જે. બ્લુકાસ ગંભીર હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અમેરિકન અભિનેત્રી ડેલ હેડનને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ન્યૂ હોપ ઇગલ વોલેન્ટિયર ફાયર કંપની પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાં ઘરમાં કાર્બન મોનોક્સાઇડની વધુ પડતી માત્રા જોવા મળી હતી. ઘરમાં વધુ પડતાં ગેસના પ્રમાણને કારણે બે ડોક્ટર અને એક પોલીસ અધિકારી પણ બેભાન થઈ ગયા.
સોલેબરી ટાઉનશીપ પોલીસ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગેસ હીટિંગ સિસ્ટમની નબળી જાળવણી અને ગંદી ચીમનીને કારણે એક્ઝોસ્ટ પાઇપમાંથી ગેસ લીકેજ થયો હતો.
ડેલ હેડનની મોડલિંગ અને ફિલ્મ સુધીની સફર
ડેલ હેડને 1970 અને 1980ના દાયકામાં વોગ, કોસ્મોપોલિટન, એલે અને એસ્ક્વાયર જેવા પ્રતિષ્ઠિત સામયિકોના કવર્સ પેજ પર પોતાની જગ્યા બનાવી હતી. 1973 માં તેમણે સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસ્યુટ અંકમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમની ફિલ્મી કારકિર્દી પણ એટલી જ શાનદાર રહી હતી. 1970 થી 1990 ના દાયકાની વચ્ચે તેણે લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યું. જેમાં 1994માં આવેલી જ્હોન કુસેક અભિનીત ફિલ્મ “બુલેટ્સ ઓવર બ્રોડવે” નો સમાવેશ થાય છે.
મોડેલિંગમાં પરત
હેડન તેની પુત્રી, રાયનના જન્મ પછી 1970 ના દાયકાના મધ્યમાં મોડેલિંગમાંથી નિવૃત્ત થઈ. પરંતુ 1991માં તેના પતિના અવસાન બાદ તે ફરી આ ફિલ્ડમાં પાછી આવી. તેણે 2003માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એજન્સી તેમને એક ઉંમરલાયક મોડેલના રોલમાં ગંભીરતાથી લેતા નથી.
એન્ટિએજિંગ પ્રોડક્ટ માટે મૉડેલિંગ
હેડને મોડલિંગમાં પરત ફરતી વખતે કોસ્મેટિક કંપનીઓનો સંપર્ક કર્યો હતો. તેમને સમજાવવામાં આવ્યું કે બ્યુટી પ્રોડક્ટ્સનું માર્કેટ ઉંમર લાયક સ્ત્રીઓમાં ઝડપથી વધી રહ્યું છે. તેમણે ક્લેરોલ, એસ્ટી લૌડર અને લોરિયલ જેવી કંપનીઓ સાથે કરાર કર્યા અને તેમના એન્ટિ એજિંગ પ્રોડક્ટ માટે મૉડેલિંગ કર્યું હતું.