ગત 11 નવેમ્બરના રોજ કડીના બોરિસણા ગામના 19 લોકોની અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં હતી. જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેમાંથી 2 લોકોના મોત થયા હતા. આ કેસના આરોપી એવા ડો. સંજય પટોળિયાની 4 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 7 દિવસના રિમાન્ડ પર છે.
જો કે રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા ડો.સંજય પટોળિયા 22 દિવસ પોલીસ પકડથી કઈ રીતે દૂર રહ્યો તેની વિગતો પણ સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં 12 નવેમ્બર, 2024ના રોજ બે દર્દીના મોત થયા બાદ હોબાળો થયો ત્યારે ડો. પટોળિયા રાજકોટમાં જ તેની હોસ્પિટલ પર હતો. પરંતુ, ફરિયાદ નોંધાતા જ તે ભૂગર્ભમાં જતો રહ્યો હતો.
જો કે ત્યાર બાદ પોલીસથી બચવા માટે એક બેરિયાટ્રિક સર્જરીના 2.50 લાખ લેતો ડો.પટોળિયા રસ્તા પરની હોટલમાં રહીને છુપાતો ફરતો હતો. જો કે ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની જાળમાં શિકાર સામેથી જ આવ્યો એવો ઘાટ થયો હતો.
ભૂગર્ભમાં ગયા બાદ પટોળિયા 22 દિવસ સુધી પોલીસને કેવી રીતે થાપ આપતો રહ્યો અને પોલીસથી બચવા માટે કઈ કઈ તરકીબો અપનાવી, પોલીસ તેના સુધી કઈ રીતે પહોંચી?, પોલીસના હાથમાં આવ્યા બાદ કેવી ડંફાસો મારી? તેની સિલસિલેવાર વિગતવાર વિગતો સામે આવી છે.
એક તરફ ફરિયાદ નોંધાતી હતી ને બીજી તરફ પટોળિયા સર્જરી કરતો હતો 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ તોડફોડ કરી હતી. જે તે સમયે ચિરાગ રાજપૂત દ્વારા ફોન કરી આ બાબતે ડો. સંજય પટોળિયાને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ડો. પટોળિયાએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં અને તે જ દિવસે રાજકોટમાં આવેલી તેની હોસ્પિટલમાં ઓપરેશન કર્યા હતા. બીજા દિવસે જ્યારે ફરિયાદ નોંધાઈ રહી હતી ત્યારે પટોળિયાનું નામ ફરિયાદમાં હતું ત્યારે પણ તે બીજી સર્જરી કરી રહ્યો હતો. પહેલા તો સમગ્ર બાબતને તે નજર અંદાજ કરી રહ્યો હતો. પરંતુ જેવો તેને અણસાર આવ્યો કે, હવે તે નહીં બચે એટલે તેણે પોલીસથી બચવા માટે ભાગવાની શરૂઆત કરી.
સંબંધીની સલાહ માની રસ્તા પર ફરતો રહ્યો અને સસ્તી હોટલમાં રોકાયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ડો.પટોળિયાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેને કોઈએ એવી સલાહ આપી હતી કે, તું રસ્તા પર ફરતો રહીશ તો પોલીસ તને પકડી શકશે નહીં. જેથી તે સંબંધીની સલાહ માનીને હાઇવે પર ફરતો રહેતો હતો અને કોઈને શંકા ન પડે તે માટે સસ્તી હોટલમાં રોકાતો હતો.
આ ઉપરાંત તેને કોઈએ એવું કહ્યું કે, જો તું ફોન વાપરીશ તો પકડાઈ જઈશ. તો તેણે પોતાના જૂના ફોન અને સીમકાર્ડ બંધ કરી દીધા અને તેણે દુબઈની ચેટિંગ એપનો ઉપયોગ કરીને લોકો સાથે વાતચીત કરતો રહેતો હતો.
સ્વજનને આવેલા શંકાસ્પદ કોલથી કડી મળી એપ્લિકેશનના ઉપયોગની સાથે સાથે તે જ્યારે હાઇવે પર ફરતો હતો ત્યારે તેની પત્ની સાથે હતી તેવું જાણવા મળ્યું હતું. ડો. પટોળિયા પકડાયો ત્યારે તેની ગાડીમાં તેની પત્ની પણ હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ડો. પટોળિયાના એક સ્વજનની કડી મળી જેના પર કેટલાક શંકાસ્પદ કોલ આવ્યા હતા તે કોલને ટ્રેક કરતા બીજી એક મહત્વની કડી મળી અને તે નંબર રાજકોટથી અમદાવાદ તરફ આવતો હોય તેવું જાણવા મળી રહ્યું હતું.
પત્નીના નંબરની તપાસ કરતા જ પોલીસને શિકાર હાથ વેંત જ દૂર લાગ્યો બીજી તરફ પોલીસે પટોળિયાની પત્નીનો નંબર પણ તપાસ કરતા, આ બે નંબર સાથે હોવાનું ખબર પડી હતી અને એક સમયે નક્કી થઈ ગયું હતું કે આમાં કદાચ પટોળિયા છે. પરંતુ જ્યાં સુધી ખરાઈ ન થાય ત્યાં સુધી કોઈપણ રિસ્ક લેવા ક્રાઈમ બ્રાન્ચ તૈયાર ન હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર ગોતા નજીક પહોંચી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને રોકી અને તપાસ કરતાં ડો. પટોળિયા અંદર જ હતો.
ક્રાઈમ બ્રાંચે પકડ્યો તો ડંફાસો મારવા લાગ્યો દિવ્ય ભાસ્કરને મળેલી વિગત મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જ્યારે ડો. પટોળિયાને પકડ્યો ત્યારે તે ડંફાસો મારતા બોલ્યો હતો કે, સાહેબ અત્યાર સુધી મેં પાંચ હજાર સર્જરી કરી છે. મારી નીચે 16 જેટલા ડોકટર ફેલોશિપ કરી રહ્યા છે. હું એશિયા લેવલનો ડોકટર છું. ત્યારે તેની ધરપકડ કરનારી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કહ્યું હતું કે, તું જે પણ હોય તે હાલ તું ખ્યાતિકાંડનો આરોપી છે.
ડો. પટોળિયા ખ્યાતિ હોસ્પિટલમાંથી દૂર થવા માગતો હતો? અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એવું પણ જાણવા મળ્યું છે કે, તે ખ્યાતિ હોસ્પિટલથી ધીમે ધીમે દૂર થવા માંગતો હતો. જ્યારથી કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં એન્ટ્રી લીધી ત્યારથી તે રાજકોટ અને અન્ય શહેરમાં પોતાનું બીજું નેટવર્ક ઊભું કરી રહ્યો હતો અને તે ખ્યાતિથી દૂર થવા માંગતો હતો. પરંતુ હજી કાર્તિક પટેલની ધરપકડ થઈ નથી ત્યાં સુધી આ બધી વાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને હવામાં હોય તેવી લાગી રહી છે.
શું હતો સમગ્ર મામલો? અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 12 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ સાત લોકોને દબોચી લીધા છે, જ્યારે બે હજી પણ ફરાર છે.
સરકારી નોકરી છોડી ડો. સંજય પટોળિયાએ ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી ડો. સંજય પટોળિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ તેમણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી, જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું, જે હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે.
ડો. સંજય પટોળિયા હોસ્પિટલના ડાયરેકટરો પૈકી એક ડાયરેકટર છે. હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લગતા તમામ નિર્ણયો પોતે લેતો હતો. હોસ્પિટલમાં નવા મેડિકલ વિભાગો ચાલુ કરવા તથા તે માટે જરૂરી ડોકટરો લાવવા માટેની કામગીરી ડો. સંજય જ સંભાળતો હતો. તેણે 1999થી 2002 સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાય, મેડિકલ કોલેજ, રાજકોટમાં આસી. પ્રોફેસર તરીકે કામ કરેલ છે. 2002થી 2003 આઠેક મહિના પદ્મ કુંબરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઇમ સર્જન તરીકે કામ કર્યું છે. 2003થી 2006 સુધી સરદાર પટેલ હોસ્પિટલ રાજકોટમાં કામ કરેલું છે. તો 2006 સિટી હોસ્પિટલના નામથી ત્રણ ડોક્ટર્સ ભાગીદારીમાં હોસ્પિટલ ચાલુ કરી, જે હોસ્પિટલ હાલ ન્યુ લાઇફ હોસ્પિટલના નામથી કાર્યરત છે.
ખ્યાતિ હોસ્પિટલમાં સંજય પટોળિયાનો 39% ભાગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી ડો. સંજય પટોળિયાનો 39 ટકા ભાગ હતો અને તે બેરિયાટ્રિક્સ સર્જન હતો. ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે. ડો. સંજયે જ ખ્યાતિ હોસ્પિટલની બેરિયાટ્રિક્સ હોસ્પિટલના નામથી શરૂઆત કરી હતી. 2021માં નવા ભાગીદારો તરીકે કાર્તિક પટેલ, પ્રદિપ કોઠારી અને ચિરાગ રાજપૂતને સામેલ કરી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી હતી.
આરોપી રાજકોટમાં પણ પ્રેક્ટીસ કરતો વર્ષ 2012માં અમદાવાદ શહેરમાં ડો. મહેન્દ્ર નરવરીયા તથા ડો. મનિષ ખેતાન સાથે ભાગીદારીમાં ગ્રુપ પ્રેક્ટિસમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટીક પ્રા.લી. નામની કંપનીની શરૂઆત કરી. જેનુ ટ્રેડ નામ એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ રાખવામાં આવ્યું. 2012થી 2014 સુધી અઠવાડિયામાં એકથી બે દિવસ એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ આરોપી ડો. સંજય આવતો હતો. બાકીના દિવસોમાં રાજકોટમાં પ્રેક્ટીસ કરતો હતો.