માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા ખિસકોલી સર્કલ સુધી 5 વર્ષથી બની રહેલા બ્રિજનું આજે લોકાર્પણ થશે. રૂ.53.24 કરોડના રેલવે ઓવરબ્રિજના શરૂ થવાથી વિસ્તારના 7 લાખથી વધુ લોકોને અવર-જવરની સુવિધા મળશે. માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી અટલાદરા તરફ જવા લોકો રેલવે ફાટકનો ઉપયોગ કરતા હતા.
કલાકો ફાટક બંધ રહેતા સમય વેડફાતો હતો. 2020માં રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. જેમાં બંને છેડા પાલિકાએ બનાવવાના હતા અને રેલ્વેએ ટ્રેક પરનો ભાગ બનાવવાનો હતો. આ કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ તેને 5 વર્ષ લાગ્યા છે. આખરે 5 વર્ષ બાદ 55. 24 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું ગુરુવારે લોકાર્પણ થવાનું છે. બ્રિજનું લોકાર્પણ થતાં આસપાસના વિસ્તારના 7 લાખથી વધુ લોકોને ફાયદો થશે. શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા વડસર બ્રિજ, દાંડિયાબજાર-અકોટા બ્રિજ, જેતલપુર બ્રિજ અને હવે માંજલપુરથી અટલાદરા તરફની ચોથો બ્રિજ શહેરીજનોને મળશે.
કોંગ્રેસે પ્રમુખ, નેતાએ લોકાર્પણ ન થાય તો બ્રિજ શરૂ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી લોકાર્પણ માટે નેતાઓની રાહ જોવાતી હોવાથી બ્રિજને શરૂ કર્યો નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ, વિપક્ષ નેતા અને કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા. બ્રીજનું લોકાર્પણ ન થાય તો બ્રિજ ખોલી નાખશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
