અમદાવાદથી પોણા બસ્સો કિલોમીટર દૂર પહાડો અને ઘનઘોર જંગલો વચ્ચે એક સુંદર મજાની જગ્યા છે. જેટલું શાંત અને સુંદર અહીંયાંનું વાતાવરણ છે, તેનો ઇતિહાસ, ખાનપાન, પ્રકૃતિની લાગણી અને મહેમાનો પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ ઉજ્જવળ રહ્યો છે. ગુજરાતના પ્રાકૃતિક પર્યટનસ્થળ તરીકે નીખરેલી આ જગ્યાએ બધું જ સચવાઈ રહેવા પાછળ એક પરિવારની પેઢીઓની અથાક મહેનત અને કઠોર નિશ્ચયનું પરિણામ છે. એક એવા આગેવાન, જેણે ઝાડ કપતા રોકવા માટે છેક વડાપ્રધાન સુધી અપીલ કરી દીધી હતી અને તાત્કાલિક પરિણામો પણ મળ્યા હતા.
દર ગુરુવારે પબ્લિશ થતી ગુજરાતના રજવાડાંઓના વટ, વારસા અને વૈભવ પર આધારીત દિવ્ય ભાસ્કરની વિશેષ સિરીઝ ‘રાજપાટ’માં આજે વાત એક સમયના જાંબુઘોડા સ્ટેટની. રાજા ભોજના આ વંશજો 14મી સદીમાં ધાર સ્ટેટનો વિસ્તાર છોડીને હાલના પંચમહાલ જિલ્લામાં આવીને વસ્યા, નાનકડું યુદ્ધ થયું અને સત્તા સ્થાપી. એ સમયે આ વિસ્તાર જાંબુઘોડા નહીં પરંતુ નારુકોટ તરીકે ઓળખાતો હતો. પણ એક અંગ્રેજી અધિકારીના હાસ્યાસ્પદ વર્તનના કારણે નારુકોટનું નામ બદલાઈ ગયું. આ કિસ્સો આજે પણ લોકો વચ્ચે ચર્ચાય છે.
પરંપરા મુજબ હાલમાં મહારાણા વિક્રમસિંહજી રાજગાદીએ બિરાજમાન છે. તેઓ રાજીવ ગાંધી અને સંજય ગાંધી સાથે ભણ્યા હતા. જાંબુઘોડામાં હજુ પણ દરબારગઢ સહિત ઘણી પરંપરા જળવાઈ રહી છે. દેશ-વિદેશના ઘણા નામાંકિત લોકો, નેતાઓ, સેલિબ્રિટી જાંબુઘોડાની મુલાકાત લઈ ચૂક્યા છે.
જાંબુઘોડાના રાજપરિવારમાં મહારાણા વિક્રમસિંહજી, મહારાણી જ્ઞાનેશ્વરીદેવી, યુવરાજ કર્મવીરસિંહ, યુવરાણી ભાવનાદેવી, પૌત્ર ભંવરસાહેબ અનંત વિક્રમસિંહજી છે. વિક્રમસિંઘજી દીકરી ચન્દ્રમોહિની બાપુરાજ સાહેબના કુંદનપુરમાં લગ્ન થયા છે. એમના સસરા ભરતસિંહજી રાજકારણમાં કોંગ્રેસમાં છે. તેઓ રાજસ્થાનમાં કોટા ખાતે રહે છે.
14મી સદીમાં રાજા ભોજના વશંજોનું હાલના ગુજરાતમાં આગમન થયું દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં યુવરાજ કર્મવીરસિંહજીએ કહ્યું, જાંબુઘોડાનો ઇતિહાસ પરોક્ષ રીતે અગિયારમી સદીથી શરૂ થયો. જ્યારે રાજા ભોજ માળવા પર રાજ કરતાં હતા. તેઓ મારા પૂર્વજ હતા. એમણે લગભગ 56 વર્ષ સુધી રાજ કર્યું હતું. 14મી સદીમાં અમારા પૂર્વજોનું ધાર સ્ટેટમાં પણ રાજ હતું. એમાંથી ત્રણ ભાઈઓ વાંસાજી, લાખાજી અને કુંજલજી એમના પરિવાર અને કેટલાક સાથીઓ સાથે ધારથી નીકળ્યા અને નર્મદા નદીના કાંઠે આગળ વધ્યા હતા. એ સમયે રાજપીપળાના ડૂંખલ ગામ નજીકના જંગલોમાં તેમણે પડાવ નાખ્યો હતો.
‘થોડા દિવસો વિત્યા હશે ત્યારે ગાઢ જંગલમાં ત્રણમાંથી વચેટ ભાઈ પર વાઘણે હુમલો કર્યો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. લગભગ 2 અઠવાડીયા સુધી બેભાન રહ્યા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના પછી કબીલાના તમામ લોકોને લાગ્યું કે આ જગ્યા સુરક્ષિત નથી. એટલે ત્યાંથી આગળ વધ્યા.‘
યુદ્ઘ થયું અને નવું રાજ વસાવ્યું ‘થોડી મુસાફરી પછી આખો કાફલો આજના સમયે નારુકોટ તરીકે ઓળખાતા ગામ નજીકના ડુંગરોમાં રોકાયો હતો. ત્યારે પણ આ વિસ્તારમાં ભીલ જાતિના લોકોની વસતિ ઘણી હતી. આ જ જાતિનો એક શખસ કાફલાનો પડાવ હતો ત્યાં આવ્યો અને આગેવાનને મળવાની મંજૂરી માગી.
એ સમયે મારા પૂર્વજો સાથે મુલાકાત કરી. તેણે પૂછ્યું, તમે ક્યાંથી આવ્યો છે? શું કારણ છે?
અમારા પૂર્વજોએ કહ્યું, અમે નવી જગ્યા શોધી રહ્યા છીએ. જ્યાં અમારું રાજ સ્થાપી શકીએ.
પેલા ભાઈએ કહ્યું, અમારે ત્યાં એક મુખિયો છે, જે અમને ખોટી રીતે હેરાન કરે છે. જો આપ એમને કોઈ રીતે હટાવી શકો તો અમે બધા આપને જ અમારા રાજા માની લઈશું.
આ મુલાકાત પછી નાની લડાઈ થઈ અને એ સરદારને હરાવી નાખ્યો. બાદમાં એને મારી નાખવામાં આવ્યો હતો. આ રીતે 14મી સદીમાં અમારું રાજ સ્થાપિત થયું હતું.’
જાંબુઘોડા નામ પડવા પાછળનો અજબ-ગજબ કિસ્સો યુવરાજ કર્મવીરસિંહજીએ આગળ જણાવ્યું, સરકાર પાસે આજે પણ ગેઝેટ પડ્યા છે એમાં સ્ટેટ ઓફ નારુકોટ નામ લખેલું છે. પણ જાંબુઘોડા નામ પડવા પાછળ એક ખૂબ જાણીતો કિસ્સો છે. 150- 200 વર્ષ પહેલાંની વાત છે. અંગ્રેજોના શાસન સમયે અહીંયાં બ્રિટિશ પોલિટિકલ એજન્ટ આવ્યો હતો. આખો દિવસ અમારા અને આસપાસના વિસ્તાર ફરી રહ્યો હતો. ત્યારે એને તરસ લાગી. અંગ્રેજ અધિકારીએ પોતાનો ઘોડો જાંબુના ઝાડ સાથે બાંધ્યો અને પાણી શોધવા ગયો. થોડા સમય બાદ એ પાણી પીને પાછો આવ્યો ત્યારે ઘોડો ન મળ્યો.
‘આ અંગ્રેજ અધિકારીને ગુજરાતી ભાષાના થોડા શબ્દો અવડતા હતા. એને જાંબુ અને ઘોડો એમ બે શબ્દોની ખબર હતી. તો ત્યાં આસપાસ જેટલા પણ લોકો મળ્યા, તેમને ઝાડ બતાવીને જાંબુ અને ઘોડો ક્યાં એમ પૂંછવા લાગ્યો. વારંવાર તે બે જ શબ્દો બોલતો હતો એટલે લોકો પણ હસવા લાગ્યા. આ કિસ્સો ખૂબ ચર્ચાયો અને જગ્યાનું નામ જ જાંબુઘોડા પડી ગયું. જ્યારે નારુકોટ એક ગામ જેટલું રહી ગયું. અગાઉ જાંબુઘોડા જ નારુકોટની રાજધાની હતી. એ પહેલાં આખો વિસ્તાર તપ્તકલી કહેવાતું. પછી ક્રમશ: ચોખલપુર, નારુકોટ અને જાંબુઘોડા નામ થયું.’
‘જાંબુઘોડા સ્ટેટના મોનોગ્રામમાં ઘણી વસ્તુઓ છે. એક તરફ ઘોડો બીજી તરફ આખલો છે. વચ્ચે શિવલિંગ અને તલવાર છે. જેની નીચે ‘સત્ય મેવ જયતે’ લખ્યું છે. દેવોના દેવ મહાદેવને ઉપર રાખ્યા છે. આખલો શક્તિ દર્શાવે છે. જ્યારે રાજપૂતો ઘોડા રાખતા એટલે તેને મોનોગ્રામમાં પણ સ્થાન આપ્યું છે. ક્ષત્રિયોની ઓળખરૂપે તલવાર મોનોગ્રામમાં મૂકી છે. આ મોનોગ્રામ લેટરપેડ, ઓનલુક્સ, ઇન્વિટેશન કાર્ડ સહિત ઘણી બધી જગ્યાએ વપરાય છે. જાંબુઘોડામાં રાજવી પરિવાર સ્ટેટની પાઘડી પહેરતા હતા. જ્યારે અન્ય લોકો સાફા બાંધતા હતા.’
રાજા હયાત હતા ને દીકરાને ગાદી સોંપી, ઇતિહાસની દુર્લભ ઘટના ‘મારા પરદાદા મહારાણા રણજીતસિંહજી રાજગાદીએ હતા. એ વખતે એમને લાગ્યું હશે કે મારા દીકરા દિગ્વિજયસિંહજી ખૂબ કાબેલ છે અને રાજ્યની સત્તા ચલાવી શકશે. તો એમણે વર્ષ 1944માં પોતાના દીકરાને ગાદી આપી દીધી. સામાન્ય રીતે રાજાનો સ્વર્ગવાસ થાય ત્યારે મોટો દીકરો ગાદી પર બેસે. પણ પરદાદાએ પોતાની હયાતીમાં જ ગાદી ત્યાગી દીધી. પછી મારા દાદાએ 1944થી લઈને ચાર વર્ષ સુધી જાંબુઘોડા પર રાજ કર્યું છે. રાજા જીવતા હોય અને રાજગાદી સોંપી દીધી હોય એવું જાંબુઘોડા ઉપરાંત ફક્ત વાંસદામાં બન્યું હતું.’
એક રૂપિયામાં રાજપાટ સોંપી દીધું ‘જ્યારે દેશને આઝાદી મળી ત્યારે જાંબુઘોડામાં મારા દાદા દિગ્વિજયસિંહજી રાજ કરતા હતા. વિલીનીકરણ થયું ત્યારે રાજ પરિવાર પોતાના સ્ટેટસ પ્રમાણે જીવન જીવી શકે એ પ્રમાણે પ્રીવીપર્સ નક્કી કર્યું હતું. દાદા વેલ એજ્યુકેટેડ છે. એમને થયું કે રાજપાટ સોંપી દેવું જ પ્રજા માટે સારું છે. એટલે તેઓ શરૂઆતથી જ વિલીનીકરણના પક્ષમાં હતા.’
‘1948ની સાલમાં મારા દાદા મહારાણા દિગ્વિજયસિંહજીએ વિલીનીકરણના દસ્તાવેજો પર સહી કરી હતી. ત્યારે 130 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જાંબુઘોડાનું જંગલ હતું. જે અમારી અંગત સંપત્તી કહેવાય. પરંતુ એ પણ સરકારને આપી દીધું. આ ઉપરાંત કિલ્લો, લાઇબ્રેરી, હોસ્પિટલ આવું તો ઘણુ બધું એક જ રૂપિયો લઈને સોંપી દીધું.’
‘સરકારને રાજપાટ સોંપ્યું ત્યારે લગભગ સવા લાખ રૂપિયા જેટલું પ્રીવીપર્સ હતું, જે 1971ના વર્ષ સુધી મળતું રહ્યું. ઇન્દિરા ગાંધીએ રાતોરાત આ નિર્ણય લઈ લીધો હતો. અમારા જેવા નાના રજવાડાઓને તો ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. મારા દાદાએ આ નિર્ણયને આર્થિક ભૂકંપ ગણાવ્યો હતો. અમારી આર્થિક સ્થિતિ પાડે ચડતા ઘણો સમય લાગ્યો હતો. અમે ખેતી પર નિર્ભર થઈ ગયા હતા. આ ઉપરાંત અમારી જમીન પર ઝાડ હતા એને કાપીને હરાજી કરીને આવક થતી હતી.’
હાલમાં રાજ પરિવારની આવક શું? ‘વિલીનીકરણ બાદ અમારી પાસે ઘણી ખેતીલાયક જમીન હતી. એટલે સ્થાનિક ખેડૂતો સાથે ભાગમાં ખેતી કરતા હતા. છેલ્લા 25 વર્ષથી કેમ્પસને હેરિટેજ હોટલ તરીકે લોકો માટે ખુલ્લું મૂક્યું છે. અમે 1 રૂમથી શરૂ કર્યું હતું ત્યારે અમને ખ્યાલ ન હતો કે લોકો આ રીતે રસ દાખવશે. અત્યારે 20 રૂમ છે. 2021માં અમને ટૂરિઝમ વિભાગે બેસ્ટ હેરિટેજ હોટલનો એવોર્ડ આપ્યો હતો. હોટલ ઉપરાંત મારી પાસે 3 હજાર આંબા છે, જેમાં 12 જાતની કેરી થાય છે. આમ, આવકના કુલ ત્રણ સ્ત્રોત છે.’
કર્મવીરસિંહજીએ પોતાની દિનચર્યા વિશે કહ્યું, દરરોજ સવારે 7 વાગ્યે જાગી જઈએ. 8 વાગ્યે મજુર આવે એટલે કામ સોંપીએ. સાડા આઠ વાગ્યે બ્રેકફાસ્ટ બાદ ઓફિસે બેસું છું. લંચ પહેલા મારા પિતા સ્થાનિક લોકોને મળીને એમની કોઈ સમસ્યા હોય તો સલાહ આપતા હોય છે. જો એમને સરકારી કામ માટે કોઈ મદદ જોઈએ કે અંગત મુશ્કેલી હોય તો અમે ખડેપગે રહીએ છીએ. દોઢ વાગ્યે લંચ બાદ થોડો આરામ કરીએ. સાંજના સમયે મજૂર આવે એટલે એમના કામનો હિસાબ કરી આપીએ છીએ. ત્યાર બાદ કસરત કરું છું અને પરિવાર સાથે સમય વિતાવું છું.
મહારાણાની પદવી ક્યારે અને કેવી રીતે મળી? જાંબુઘોડા સ્ટેટના રાજાને અગાઉ મહારાણાની પદવી નહોતી. આ બાબતે વધુ પ્રકાશ પાડતા કર્મવીરસિંહજીએ કહ્યું, મારા ધ્યાનમાં છે એ મુજબ લગભગ 1921ની સાલમાં આ પરિવર્તન આવ્યું હતું. એ અગાઉ ઠાકોર સાહેબની પદવી હતી.
અંગ્રેજોએ 1921ની આસપાસના સમયગાળામાં ભારતના રજવાડાઓને વિવિધ કેટેગરીમાં વહેંચ્યા હતા. જેને ભારતમાં A,B,C,D,E,F સુધીની કેટેગરી હતી. જાંબુઘોડા B કેટેગરીમાં આવતું. A કેટેગરીમાં કાશ્મીર, હૈદરાબાદ, બરોડા, ગ્વાલિયર, જયપુર, મૈસુર, ઉદયપુર જેવા મોટાં-મોટાં રજવાડાંને મૂક્યા હતા. જાબુંઘોડા 55 ગામનું સ્ટેટ હતું. તમામ સ્ટેટને તોપની સલામી આપવાની શરૂઆત પણ આ જ સમયે થઈ હતી.
તેમણે દાવો કર્યો કે જાંબુઘોડા પહેલેથી સ્વતંત્ર રજવાડું હતું. અંગ્રેજો સહિત અન્ય શાસકોને ક્યારેય ચોથ નથી આપી. જાંબુઘોડા સ્ટેટની હદમાં કોઈ ગુનો કરે તો તેને ફાંસી સુધીની સજા રાજગાદીએ બેઠેલાં મારા દાદા અને પરદાદા આપી શકતા હતા. તેઓ બ્રિટીશરને પણ ફાંસી આપી શકતા. પરંતુ ક્યારેય આવી ઘટના બની નથી.
‘જાંબુઘોડામાં કુલ ત્રણ મહેલ હતા. જાંબુઘોડાના મુખ્ય પેલેસમાં હાલ રાજપરિવાર રહે છે. જે 250 વર્ષ જૂનું છે. એની પાછળની તરફ બનાવેલી હવેલી 100 વર્ષ જૂની છે. આ ઉપરાંત ત્રીજી હવેલી 600 વર્ષ જૂની છે. જેને મારા વડવાઓએ રાજ સ્થાપ્યું ત્યારે બનાવી હશે. એ હવેલી જર્જરિત હાલતમાં હતી. એટલે કોઈ દુર્ઘટના ન બને એ કારણોસર મારા પિતાએ ઘણો કાટમાળ ઉતારી લીધો, હવે ત્યાં ફક્ત દીવાલો જ રહી ગઈ છે.’
જાંબુઘોડા સ્ટેટ પાસે કાયમી સૈન્ય ન હતું ‘જાંબુઘોડા સ્ટેટ પાસે સેના ન હતી. પરંતુ ક્ષત્રિય ભાયાતો (રાજાના પિતરાઈ) હતા અને જરૂર પડે તો સામાન્ય લોકો પણ યુદ્ધમાં જોડાઈ જતાં હતા. પરંતુ ઇતિહાસમા પુરાવા મળે છે એ મુજબ જાંબુઘોડા સ્ટેટે ત્રણ જ લડાઈ લડી છે. જેમાં સૌથી પહેલી લડાઈ આદિવાસી વિસ્તારના એક સરદાર સાથે 14મી સદીમાં થઈ હતી, બીજું યુદ્ધ 200 વર્ષ પૂર્વે દેવગઢ બારીયા સ્ટેટ સાથે થયું હતું. તેમની સેનાએ જાંબુઘોડા પર ચડાઈ કરી હતી. ત્યારે તેમને હરાવ્યા હતા. ત્રીજું યુદ્ધ બરોડા સ્ટેટ સાથે થયું હતું. ત્યારે જાંબુઘોડાના 21 ગામ જતાં રહ્યા હતા.’
અગાઉ જે રાજવાડા સાથે યુદ્ધ થયું હોય તેમના વંશજો હવે મળે તો કેવી ચર્ચા થતી હોય? આ સવાલના જવાબમાં કર્મવીરસિંહે કહ્યું, ‘હવે બધા સાથે ઘણા સારા સબંધ છે. કોઈ કાર્યક્રમ કે લગ્ન પ્રસંગ હોય તો મળતા હોઈએ છીએ. જૂની વાતો નીકળે ત્યારે તો હસી મજાકમાં જ લેવામાં આવે છે. કારણ કે જે તે સમયે પરિસ્થિતિ મુજબ જે થયું એ થયું. જેમ કે આશરે 200 વર્ષ પહેલાં બરોડા સ્ટેટ પાસે અમારા લગભગ 21 ગામો ગયા હતા. દેવગઢ બારીયા સાથે પણ જાંબુઘોડાની લડાઈ થઈ હતી. અમારા પાસે એમના નિશાન રૂપે ઝંડો પણ છે. પણ એમની સાથે હાલમાં ઘણા સારા સંબંધ છે. કારણ કે ઉર્વશી દેવીજીના પિતા અને મારા દાદા દિગ્વિજયસિંહ મિત્રો હતા. રાજકારણમાં પણ બન્ને સાથે હતા.’
‘મારા દાદા સ્વતંત્ર પાર્ટીમાં જોડાયા હતા. પૂર્વ સાંસદ અને આર્કિટેક્ટ પીલુ મોદીએ પોતાની રાજકીય કારકિર્દી પણ જાંબુઘોડાથી શરૂ કરી હતી. મારા દાદા સાથે એમના સારા સંબંધ હતા.’
પીલુ મોદીએ મારા દાદાને કહ્યું હતું, મહારાજ સાહેબ ભારતમાં જે થઈ રહ્યું છે એ મને બરાબર નથી લાગતું. મારે શું કરવું જોઈએ?
મારા દાદાએ એમને રાજકારણમાં આવવા કહ્યું. પછી તેઓ સ્વતંત્ર પાર્ટીમાં જોડાયા અને અમારા મતવિસ્તારમાંથી બે વખત ચૂંટણી જીતીને સાંસદ બન્યાં હતા.
મારા દાદા, પિતા અને માતા તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે. મને અત્યારે સમય નથી મળતો. કદાચ મારા પુત્ર મોટા થાય અને રાજકારણમાં આવી શકે.
દશેરાના દિવસે પીરની દરગાહ પર ચાદર ચડાવે છે રાજપરિવાર કર્મવીરસિંહે કહ્યું, અત્યારે અમે રહીએ છીએ એ જ મહેલમાં રાજાશાહી સમયે બીજા માળે દરબારગઢ ભરાતો હતો. આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પરંતુ હવે ગ્રાઉન્ડ ફ્લોર પર ભરાય છે. વર્ષોથી દશેરાના દિવસે દરબારગઢ ભરાતો રહ્યો છે. ત્યાર બાદ ગુજરાતી નવા વર્ષ સમયે પણ દરબારગઢની પરંપરા ચાલી. આ ઉપરાંત રાજપરિવારમાં કોઈનો જન્મદિવસ હોય ત્યારે પણ દરબારગઢ ભરાય છે. અમારા મહેલના કમ્પાઉન્ડ પાસે એક પીરની છે. સદીઓ પહેલાં મારા વડવાઓને કોઈ રીતે મદદ કરી હશે. વર્ષોથી પરંપરા પ્રમાણે દશેરાના દિવસે સૌથી પહેલાં ત્યાં અમારા તરફથી ચાદર ચડે છે. એમને અમે પ્રોટેક્ટર પણ માનીએ છીએ. શાસકે બધા સાથે સમાન રહેવાનું હોય.
‘દશેરાના દિવસે ટ્રેડિશનલ કપડાં પહેરીને અશ્વ પૂજા કરવામાં આવે છે. પહેલાં માળે ગાદીનું પૂજન થાય પછી દરબાર ભરાય છે. એ સમયે ભાયાતો અને વડીલો આવીને બેસે છે. ફૂલહાર, અત્તરવિધિ, આશીર્વચન થાય. હાલના સમય મુજબ ચા અને નાસ્તો આપવામાં આવે છે. આ ઉપરાંત વાહન તથા સમડીના ઝાડની પૂજા થાય છે. કારણ કે મહાભારત સમયે પાંડવોએ સમડીના ઝાડમાં પોતાના હથિયાર છૂપાવ્યા હતા, એટલે અમારા માટે સમડીનું ઝાડ ખૂબ પવિત્ર ગણાય. કુળદેવીની આરતી થાય પછી સાંજે બધાને જમવા બોલાવીએ છીએ.’
રાજાએ પોતાના ખજાનામાંથી પૈસા આપીને ખેડૂતોએ ગીરવે આપેલી જમીન છોડાવી રાજાશાહી સમયનો કિસ્સો યાદ કરતા કર્મવીરસિંહે કહ્યું, એકવાર મારા પરદાદા સાદા વેશમાં નગરચર્યાએ નીકળ્યા હતા. એમણે જોયું કે ગામના આશરે 200 લોકો પોટલા લઈને ગામની બહાર જતાં હતા. એમને રોકીને પૂછ્યું કે ક્યાં જાઓ છો.
તો જવાબ મળ્યો, અમે અમારી ખેતીની જમીન ગીરવે મુકી હતી. અમારી પાસે ચૂકવવા ના પૈસા નથી. ઘરબાર પણ નથી તો બીજા દેશમાં જઈને કંઈક કામધંધો કરીશું. એ લોકોને ખબર નહોતી કે આ મહારાણા છે.
મારા દાદાએ તરત ઓર્ડર કર્યો અને ગીરવે આપેલી જમીનનું લિસ્ટ બનાવ્યું. ત્યાર પછી શાહુકારોને બોલ્યા અને રાજખજાનામાંથી પૈસા આપીને જમીન પાછી અપાવી હતી.
ભારતના ઇતિહાસમાં ખૂબ ઓછા રાજપરિવારના સભ્યો છે એ શરૂઆતના તબક્કે નોકરીમાં જોડાયા હોય. વિક્રમસિંહજીએ NDDBમાં (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) નોકરી કરી છે.
આ બાબતે કર્મવીરસિંહજીએ કહ્યું, મારા દાદાએ શિખવાડ્યું છે કે ભલે રાજકુંવર હોય પણ ઓર્ડર લેતા પણ શીખવું જોઈએ. મારા પિતા NDDBના પહેલાં 12 કર્મચારીઓમાંથી એક છે. ડૉ. વર્ગિસ કુરિયન અને મારા દાદા વચ્ચે સારા સંબંધો હતા.
ડૉ.કુરિયને મારા દાદાને કહ્યું કે હું NDDB બનાવવાનું વિચારું છું. તમારા દીકરા શું કરે છે?
મારા પિતાએ કહ્યું, હમણાં તો ઘરે જ છે
ડૉ. કુરિયને પૂછ્યું, એમને અમારી સાથે જોડાવામાં રસ છે? આપ એમને પૂછી જુઓ.
પછી ડૉ.કુરિયને નોકરી માટે ફોર્મ મોકલાવ્યું. આ ફોર્મ મારા પિતાએ જોયું પરંતુ ભરવાનું ભૂલી ગયા. એક મહિના બાદ ડૉ.કુરિયને બીજું ફોર્મ અને સાથે એક પત્ર મોકલ્યો હતો.
આ પત્રમાં લખ્યું હતું, ‘મને લાગે છે કે તમારાથી ફોર્મ ખોવાઈ ગયું હશે. હું બીજું ફોર્મ મોકલું છું. આપની ઇચ્છા હોય તો ભરીને મોકલજો.’
મારા દાદાએ જોયું કે ડૉ.કુરિયને ફરી પત્ર સાથે ફોર્મ મોકલ્યું છે તો તેઓ નારાજ થય અને મારા પિતાને કહ્યું, આટલો મોટો માણસ તમને ફોર્મ મોકલે છે. તમારી ઈચ્છા છે કે નહીં? તમારે આગળ વાત કરવી જોઈએ ને? પછી મારા પિતાએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી અને એમને નોકરી મળી ગઈ.
એક દિવસ દાદાએ કુરિયનને પૂછ્યું, આપને આખી દુનિયામાંથી કેટલા સારા, ઇન્ટેલિજન્ટ, એફિશિયન્ટ લોકો મળી શકે છે! ત્યારે તેમણે જવાબ આપ્યો, મારે પ્રમાણિક અને સિન્સિયર લોકો જોઈએ છે, આ ગુણ તમારા દીકરામાં છે. એટલે એમને નોકરી પર રાખ્યા.
મારા પિતાએ NDDB પાંચ વર્ષ જોબ કરી. અમૂલ ડેરી અને NDDB જોવા આવતા ફોરેન ડેલિગેટ્સને કેમ્પસ બતાવવાનું, તેમના રહેવાનું, ટ્રાન્સપોર્ટ, એર ટ્રાવેલ એરેનજમેન્ટ વગેરે કરતા હતા. એમને બધા સાથે સારા સંબંધ થઈ ગયા હતા.
ડૉ.કુરિયને પિતાને કહ્યું. તમે યુરોપ ટ્રાવેલ કેમ નથી કરતા?’ એમણે પિતાને રજા અપાવી. પછી મારા પિતા 45 દિવસ યુરોપમાં ફર્યા હતા.
જાંબુઘોડામાં કોણ મહેમાન બન્યું? નસીરુદ્દીનના પુત્ર વિવાન શાહ અને કમલ હાસનની પુત્રી અક્ષરાની ફિલ્મનું પાંચ વર્ષ પહેલા પાંચ દિવસનું શુટિંગ જાંબુઘોડાના પેલેસમાં થયું થયું હતું. એ ફિલ્મનું નામ ‘લાલી કી શાદી મેં લડ્ડુ દિવાના’ છે. ગુજરાત ટૂરિઝનની જાહેરાતના શુટિંગ માટે અમિતાભ બચ્ચન ચાંપાનેર આવવાના હતા. ત્યારે તેમના રહેવા માટેની વ્યવસ્થા જાંબુઘોડામાં કરવાની હતી. પણ જે તે સમયે શુટ કેન્સલ થઈ ગયું હતું, એટલે નહોતા આવ્યા.
જાણીતા એસ્ટ્રોલોજર બેઝાન દારૂવાલા જાંબુઘોડામાં ઘણીવાર એક-એક અઠવાડિયુ રહીને જતાં હતા. તેઓ કહેતા, ‘અહીંયાં બહુ સારા વાઇબ્રેશન મળે છે. એટલે હું આવું છું’
એમનો અલાયદો રૂમ હતો. ત્યાં ફિજિયોથેરાપી અને વાંચન કરતાં હતા. તેમણે જાંબુઘોડામાં રહીને પુસ્તક પણ લખ્યું છે. આ ઉપરાંત મહારાજા એક્સપ્રેસ ટ્રેન અહીં અઢી વર્ષ આવી હતી.
જે તે સમયે કુવેતના શેખ, ગુજરાતના પૂર્વ ગવર્નર કમલા બેનીવાલ પણ જાંબુઘોડાની મુલાકાતે આવ્યા હતા. વિશ્વમાં પહેલી બાયપાસ સર્જરી કરનાર જાપાનીઝ ડૉક્ટર પણ અમારા મહેમાન બન્યાં હતા.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જાંબુઘોડાના મહારાણા વિક્રમસિંહજીએ કહ્યું આજના સમયે રહેણાંક વિસ્તારમાં 33 ટકા જંગલ હોય તો એ ફક્ત જાંબુઘોડામાં છે. અમે સાચવીને રાખ્યું છે. મારા કહેવાથી રાજીવ ગાંધીએ મદદ કરી હતી. અમે દહેરાદૂનમાં સાથે ભણતા હતા. તેઓ મારાથી બે વર્ષ સિનિયર હતા. પરંતુ બહુ સારી રીતે ઓળખતા હતા. હું અને સંજય ગાંધી તો ક્લાસમેટ હતા.
1987ની સાલમાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તેઓ સુરેન્દ્રનગર આવ્યા ત્યારે અમારી મુલાકાત થઈ હતી.
મેં કહ્યું હતું કે મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. પણ મારા વિસ્તારમાં જંગલમાં ઝાડ ખૂબ કપાઈ રહ્યા છે. તેને બચાવવા માટે આ વિસ્તારને અભયારણ્ય જાહેર કરો. એ સમયે ગુજરાત અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. 1990માં જાંબુઘોડાના કેટલાક જંગલ વિસ્તારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. આ જ કારણે ટૂરિઝમ વધ્યું અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે.
મહારાણા વિક્રમસિંહજી આજે પણ ઓનરરી વોર્ડન છે. જંગલ ખાતાના અધિકારી ઘણી વખત તેમની સલાહ લેવા માટે આવે છે.
વડાપ્રધાન મોદીને વાત કરી અને 6 લેન હાઇવેનો પ્રોજેક્ટ રોકાઈ ગયો મહારાણી જ્ઞાનેશ્વરી દેવીએ થોડા વર્ષ પહેલાંનો એક કિસ્સો યાદ કરતા કહ્યું, અમારા વિસ્તારમાં એક નેશનલ હાઇવે છે. એને પહોળો કરીને 6 લેનનો બનવાનો હતો. આ કારણે જંગલને નુકસાન થાય એમ હતું. જેથી મહારાણા વિક્રમસિંહજીએ ગાંધીનગરમાં રજૂઆત કરીને આ કામ અટકાવવા માટે કહ્યું. પરંતુ એમ લાગ્યું કે અહીંયાં કહેવાથી કોઈ નિર્ણય આવશે નહીં. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી વાત કરી અને પછી એ પ્રોજેક્ટ અટકી ગયો.
‘આશરે 1957ની વાત છે. જ્યારે કુવૈતના શેખ દિલ્હી આવ્યા હતા. કુવૈતના શેખને શિકાર કરવાની ઇચ્છા થઈ. એ સમયે કાયદાકીય પ્રતિબંધો પણ ન હતા. એટલે ભારત સરકારના અધિકારીઓ એમને જાંબુઘોડા લઈ આવ્યા હતા. બર્ડ વૉચર સલીમ અલીના મોટાભાઈ હમીદ અલી એ સમયે પ્લાનિંગ કમિશનમાં હતા. દિલ્હીથી અમને કહેવામાં આવ્યું કે શેખ માટે શિકારની વ્યવસ્થા કરવાની છે. તેઓ જાંબુઘોડા આવ્યા અને દીપડાનો શિકાર કરીને ખુશ થયા હતા.’
સલીમ અલી પણ જાંબુઘોડામાં પંદરેક દિવસ રહીને ગયા. એમણે પહેલું પુસ્તક લખ્યું ત્યારે અહીં આવીને ઘણા પક્ષીઓને નિહાળ્યા હતા.
યુવરાણી અગાઉ બેંકમાં નોકરી કરી ચૂક્યા છે યુવરાણી ભાવનાદેવી મૂળ રાજસ્થાનના ચુરુંમાં આવેલા ઇન્દ્રપુરાના વતની છે. તેમણે કહ્યું, મેં દિલ્હી યુનિવર્સિટીમાં કોમર્સમાં બેચલર કર્યું. ત્યાર બાદ દિલ્હીમાં અમેરિકન એક્સપ્રેસ બેંકમાં કામ કર્યું હતું. એમને જાણ થઈ કે આ રાજકુંવરી છે તો ઘણી નવાઈ લાગી હતી. લગ્ન પછી હું જાંબુઘોડામાં જ સેટલ થઈ ગઈ.
એક સવાલના જવાબમાં તેમણે આગળ કહ્યું, યુવરાણી બને ત્યારે કોઈ ખાસ વિધિ નથી હોતી. શોકના દિવસોમાં હલકા રંગના કપડાં પહેરીએ છીએ. 13મા દિવસે શોક પૂરું થાય તો રંગ પલટીએ ત્યારે કોઈપણ ઘાટ્ટા રંગના કપડાં પહેરવાની પરંપરા છે.
‘આ વિસ્તારના વિકાસમાં રાજપરિવારે ઘણું કામ કર્યું છે. દાયદાઓથી તમામ લોકોને સાથે લઈને ચાલ્યા છે. અમે પણ એ પ્રયાસમાં રહીએ છીએ કે આ પરંપરા જળવાઈ રહે. જેમ કે અમે હેરિટેજ હોટલ ખોલી એ પછી અહિયાં સ્થાનિક લોકોએ પણ હોટલ ખોલી. આમ આખી ચેનલ બની છે.’
‘હેરિટેજ હોટેલ માટે ઇન્ક્વાયરી આવે ત્યારે ઘણીવાર અમે પોતે ફોન પર વાત કરીએ છીએ. ત્યારે સામેવાળાને એમ લાગે કે ફોન ઉપાડનાર સ્ટાફના માણસ હશે. વાતચીત દરમિયાન પૂછે કે કોની સાથે વાત થઈ રહી છે? ત્યારે એમને જાણ થાય કે રોયલ ફેમિલીના સભ્યો જ વાત કરાી રહ્યા છે તો એમનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. એ એપ્રિસીએટ કરે અને હેરિટેજ હોટલ પર આવે ત્યારે પણ રૂબરુ મુલાકાત કરતા હોય છે. પછી જૂના કિસ્સા સાંભળવાની એમને પણ મજા આવે છે.’