નલાઇન પેમેન્ટ મામલે ભારતે દુનિયામાં કાઠું કાઢ્યું છે. દર બીજા કે ત્રીજા મહિને UPI પેમેન્ટનો નવો રેકોર્ડ બની રહ્યો છે. ભારત આવતા વિદેશીઓ માટે આ એક ચમત્કારથી જરાય ઓછું નથી. અત્યારે લગભગ 35 કરોડ ભારતીયો UPIનો ઉપયોગ કરી રહ્યા છે. હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( NPCI) એક નવું ફીચર લઇને આવ્યું છે. જો બધું બરાબર રહ્યું અને NPCIના દાવા પ્રમાણે આ ફીચર લાગુ થશે તો UPI યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. આ નવા ફીચરનું નામ છે UPI Circle. UPI Circle એટલે શું? UPI Circle એ ટૂંકુ નામ છે, આખું નામ છે યુપીઆઇ સર્કલ ફોર ડેલિગેટ પેમેન્ટ્સ. આ ફીચરથી એક જ UPI એકાઉન્ટનો ઉપયોગ એક કરતાં વધારે લોકો કરી શકશે. એટલે કે કોઇ એક બેંક એકાઉન્ટ સાથે લિંક UPI આઇડીનો ઉપયોગ એક કરતાં વધારે લોકો તેમના ફોનમાં કરી શકશે. અત્યાર સુધી એવું હતું કે UPI એકાઉન્ટનો ઉપયોગ કોઇ એક જ વ્યક્તિ કરી શકતો. તે પણ બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર સીમ કાર્ડ જે ફોનમાં હોય તે ફોનમાં જ UPI નો ઉપયોગ થઇ શકતો. આ નવા ફીચરથી આ બાધા દૂર થઇ જશે. ઉદાહરણ સાથે સમજીએ તો, તમારા UPI એકાઉન્ટ કે આઇડીનો ઉપયોગ કરીને તમારા ભાઇ, પપ્પા કે પત્ની તેમના ફોન વડે સીધું તમારા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે. એ જ રીતે તમે પણ તેમના એકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશો. આટલું વાંચીને તમને કદાચ થતું હશે કે આ ફીચરથી ફ્રોડ ના થઇ શકે? તો ડરવાની જરૂર નથી. તે લોકો તમારા એકાઉન્ટમાંથી માત્ર પેમેન્ટ કરી શકશે, તે પણ અમુક લિમિટ પૂરતું જ. બાકી UPI અને બેંક એકાઉન્ટનો ફુલ એક્સેસ તો તમારી પાસે જ રહેશે. RBI અને NPCI દ્વારા પ્રોપર ગાઇડલાઇન અને નિયમો બનાવવામાં આવ્યા છે. માત્ર જાહેરાત થઇ છે, શરૂ નથી થયું આ ફીચર શરૂ નથી થયું, માત્ર તેની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ NPCI દ્વારા તમામ UPI એપ (‘ગૂગલ પે’, ‘ફોન પે’, ‘એમેઝોન પે’ વગેરે)ને આ ફીચર શરૂ કરવા માટે એપમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલે આગામી સમયમાં તમે આ ફીચરનો ઉપયોગ કરી શકશો. જેના માટે તમારે પેમેન્ટ એપ અપડેટ કરતા રહેવું પડશે. જ્યારે ફીચર શરૂ થશે ત્યારે જે તે UPI એપ દ્વારા તમને નોટિફિકેશન આપવામાં આવશે. એક્સેસના બે પ્રકાર પ્રાઇમરી યુઝર સેકેન્ડરી યુઝરને બે પ્રકારના એક્સેસ આપી શકશે. (1) Full delegation – સેકેન્ડરી યુઝર એક મહિનામાં 15,000 સુધીનું પેમેન્ટ કરી શકશે. ઉપરાંત એક સમયે વધુમાં વધુ 5,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઇ શકશે. (2) Partial delegation – સેકેન્ડરી યુઝરને કોઇ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા પ્રાઇમરી યુઝરને રિક્વેસ્ટ મોકલવી પડશે. તે ઓકે કરશે ત્યારબાદ જ પેમેન્ટ થઇ શકશે. જ્યારે આ ફીચર ઓન રોલ થશે ત્યારે વધુ સમજમાં આવશે. આ ફીચરની જરૂર કેમ પડી? અત્યાર સુધી એવું હતું કે UPI નો ઉપયોગ કરવા માટે બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત હતું. એટલે ઘરના વડીલો, મહિલાઓ કે બાળકો જેમનું બેંક એકાઉન્ટ નથી તેઓ UPIનો ઉપયોગ નહોતા કરી શકતા. તેમનું બેંક એકાઉન્ટ હોય તો પણ ફ્રોડ થવાના ડરથી પણ UPI નો ઉપયોગ નહોતો કરતા. આવી સ્થિતિમાં આવા લોકોને પણ ડિજિટલ પેમેન્ટ અને UPI સાથે જોડવા માટે આ ફીચર લાવવામાં આવ્યું છે. આ ફીચરના નામમાં જ ડેલિગેટ શબ્દ આવે છે, ડેલિગેટ એટલે પ્રતિનિધિ. પેમેન્ટ કરવા માટે તમે નીમેલો પ્રતિનિધિ. ફ્રોડ થવાની શક્યતા કેટલી? સતત વધી રહેલા સાઇબર ફ્રોડ અને તેમની અવનવી ટેક્નિક જોતા આ સવાલ થાય તે સ્વાભાવિક છે. જોકે ઉપર જણાવ્યું તેમ UPI અને બેંક એકાઉન્ટનો એક્સેસ તો તમારી પાસે જ રહેશે. બાકીના લોકો તો તમારી દેખરેખમાં અમુક લિમિટ સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સિવાય તેના માટે પણ તમારી મંજૂરીની જરૂર પડશે. ઉપરાંત તમે એક્સેસ એવી વ્યક્તિને જ આપશો જે વિશ્વસનીય હોય. બાકી તો આ ફીચર એક વખત શરૂ થાય ત્યારે જ આ બધા સવાલના જવાબ મળશે.}
પ્રાથમિક જે માહિતી સામે આવી છે તે પ્રમાણે બે પ્રકારના યુઝર્સ હશે એક પ્રાઇમરી યુઝર્સ અને બીજા સેકેન્ડરી યુઝર્સ. પ્રાઇમરી યુઝર્સ એટલે જેમના મોબાઇલ નંબર સાથે (ફોનમાં) UPI એકાઉન્ટ લિંક છે. સેકેન્ડરી યુઝર્સ એટલે એ લોકો જેમને પ્રાઇમરી યુઝર્સ તેમના એકાઉન્ટ વડે પેમેન્ટ કરવાની પરમિશન આપશે. આ ફીચરની મદદથી જો તમારી પત્નીને લિંક કરશો તો તમે પ્રાઇમરી યુઝર ગણાશો અને તમારી પત્ની સેકેન્ડરી. એક પ્રાઇમરી યુઝર્સ વધુમાં વધુ પાંચ લોકોને લિંક કરી શકશે. એટલે કે કુલ છ લોકો એક જ UPI એકાઉન્ટ વડે પેમેન્ટ કરી શકશે.
જે લોકો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે તેમને જ સેકેન્ડરી યુઝર તરીકેનો એક્સેસ આપી શકાશે. એક્સેસ આપવા માટે પ્રાઇમરી યુઝરને ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે અથવા તો મેન્યુઅલી UPI આઇડી એન્ટર કરવું પડશે. સેકેન્ડરી યુઝર્સ કોઇ પણ UPI એપનો ઉપયોગ કરી શકશે. પ્રાઇમરી યુઝર પાસે જે એપ હોય તે જ વાપરવી તે જરૂરી નથી.
સેક્ન્ડરી યુઝર્સ માત્ર એક જ UPI એકાઉન્ટ સાથે લિંક થઇ શકશે. સેકેન્ડરી યુઝરની UPI એપ માટે પણ પાસવર્ડ અને બાયોમેટ્રિક ફરજિયાત કરવું પડશે. સેકેન્ડરી યુઝરનો સંપૂર્ણ કંટ્રોલ પ્રાઇમરી યુઝર પાસે હશે, જેને ગમે ત્યારે બંધ કરી શકાશે. પ્રાઇમરી યુઝર સેકેન્ડરી યુઝરની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને બધી એક્ટિવિટી જોઇ શકશે.