Stock Market : નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે શેરબજારની લીલીછમ શરૂઆત થઈ છે. જોકે તે ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ લાલ અને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 99.38 પોઈન્ટ વધીને 78,251.76 પર ટ્રેડ કરી રહ્યો છે. આ તરફ NSE નિફ્ટી 20.55 પોઈન્ટના વધારા સાથે 23,665.35 પર ટ્રેડ કરી રહ્યો છે. શેર્સ પર નજર કરીએ તો સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક વગેરે તેજીમાં છે. જ્યારે ઘટનારાઓમાં નેસ્લે, ઇન્ડસઇન્ડ બેંક, ICII બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.
નોંધનિય છે કે, ગઇકાલે એટલે કે, 2024ના છેલ્લા દિવસે સેન્સેક્સ 109 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટી લગભગ સ્થિર રહ્યો હતો. 30 શેર પર આધારિત BSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અસ્થિર વેપારમાં 109.12 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 78,139.01 પર બંધ થયો હતો. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ નિફ્ટી શરૂઆતના ઘટાડાથી ઘણી હદ સુધી રિકવર કરવામાં સફળ રહ્યો હતો અને અંતે 0.10 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 23,644.80 પર બંધ થયો હતો.
2024માં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ.77.66 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ આઠ ટકાથી વધુ વધ્યો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આ વર્ષે આખલા અને રીંછ વચ્ચેની ખેંચતાણ જોવા મળી છે જેમાં ઉતાર-ચઢાવ છે. વિશ્વભરમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારતીય બજારોએ ઉત્તમ નફો આપ્યો. આ વર્ષે 8 એપ્રિલે પ્રથમ વખત BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 400 લાખ કરોડના સ્તરે પહોંચી હતી. FIIની વેચવાલી, યુએસ પ્રમુખપદની ચૂંટણી પછી વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો અને વધતી જતી ફુગાવાને કારણે ભારતીય બજાર ઝડપથી ઘટ્યું હતું. માત્ર ઓક્ટોબરમાં જ BSE સેન્સેક્સ 4,910.72 પોઈન્ટ અથવા 5.82 ટકા ઘટ્યો હતો.