પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર બુધવારે સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે ગોળી દીવાલમાં વાગી હતી, જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીર બાદલ તરફ દોડ્યો અને ફાયરિંગ કર્યું. જો કે આ દરમિયાન ત્યાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને દબોચી લીધો હતો અને પિસ્તોલ છીનવી લીધી હતી.
સુરક્ષાકર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા. ઘટના બાદ સુવર્ણ મંદિરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરાબાબા નાનકના રહેવાસી નારાયણ સિંહ ચૌડા તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે.
પંજાબના અમૃતસરમાં બુધવારે સવારે પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલો થયો હતો. બાદલ આ હુમલામાં બચી ગયા હતા. આ ઘટના સુવર્ણ મંદિરના એન્ટ્રી ગેટ પર ત્યારે બની જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ ધાર્મિક સજા તરીકે ચોકીદારી કરી રહ્યા હતા. સુખબીરને પગમાં ફ્રેક્ચર છે, તેથી તે વ્હીલચેર પર બેઠા હતા અને હાથમાં ભાલો લઈને ચોકીદારી કરી રહ્યા હતા.
હુમલાખોરનું નામ નારાયણ સિંહ, પાકિસ્તાનમાં લીધી ટ્રેનિંગ, બબ્બર ખાલસા સાથે કનેક્શન…
લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાખોરે પોતાનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી બબ્બર ખાલસા સાથે સંકળાયેલો છે અને તે પાકિસ્તાન પણ ગયો હતો.
કેવી રીતે સુખબીર બાદલ પર હુમલો થયો હતો?
1. સુવર્ણ મંદિરે માથુ ટેકવવાના બહાને આવ્યો હતો સુખબીર બાદલ સુવર્ણ મંદિરમાં હોવાથી તેમના સુરક્ષાકર્મીઓ સતર્ક હતા. હુમલાખોર નારાયણ સિંહ ચૌડા દલ ખાલસાનો સભ્ય છે. તેના પર 1984માં આતંકવાદમાં સક્રિય હોવાનો આરોપ છે. તે સુવર્ણ મંદિરે માથુ ટેકવવાના બહાને આવ્યો હતો.
2. સુરક્ષા કર્મચારીઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા સુખબીરના સુરક્ષાકર્મીઓની પહેલેથી જ ચૌડા પર નજર હતી. ચૌડા પહેલા ત્યાં આમ તેમ ફરી રહ્યો હતો. આ પછી, તે ધીમે ધીમે સુવર્ણ મંદિરના ગેટ તરફ ગયો, જ્યાં સુખબીર બાદલ વ્હીલચેર પર બેસીને ચોકીદારી કરી રહ્યા હતા.
3. થોડા ડગલાં દૂર તેણે પોતાના જેકેટમાંથી પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું જ્યારે સુખબીર બાદલથી તે માત્ર થોડે જ દુર હતો ત્યારે તેણે પોતાના જેકેટમાં છુપાવેલી પિસ્તોલ કાઢી અને સુખબીરને નિશાન તાકીને ફાયરિંગ કર્યું હતું. સુખબીરના સુરક્ષાકર્મીઓ પહેલાથી જ તેના પર નજર રાખી રહ્યા હતા. તેમણે તરત જ તેનો હાથ પકડીને તેને ઉપરની તરફ કરી દીધો. જેના કારણે ગોળી સુવર્ણ મંદિરની દિવાલ પર વાગી હતી. આ પછી પોલીસ કોન્સ્ટેબલ રચ્છપાલ સિંહ અને પરમિંદર સિંહે તેને દબોચી લીધો હતો.
ફાયરિંગ બાદ સુખબીર બાદલ 5 લેયરની સુરક્ષા હેઠળ છે. સૌથી પહેલા તેમની પર્સનલ સિક્યોરિટી છે.
સુખબીર બાદલ સુવર્ણ મંદિરના ગેટ પર વ્હીલચેર પર બેઠા હતા
અકાલી નેતા બલવિંદર સિંહે કહ્યું- સેવા ચાલુ રહેશે
કમિશનરે કહ્યું- પોલીસકર્મીએ આરોપીનો પીછો કર્યો
અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું – જ્યારથી સુખબીર બાદલ સેવા આપવા આવ્યા છે, લગભગ 200 પોલીસકર્મી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પોલીસકર્મી રચ્છપાલ સિંહે આરોપીને નજીક આવતો જોયો અને તેનો પીછો કર્યો. તેણે ગોળીબાર કરવાનો પ્રયાસ કરતાં જ ત્રણ કર્મચારીઓએ સાથે મળીને બધુ સંભાળી લીધું હતું. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આરોપી નારાયણસિંહ ચૌડાની તસવીર સામે આવી છે
સુખબીર બાદલ પર ફાયરિંગ કરનાર નારાયણ સિંહ ચૌધરીની તસવીર સામે આવી છે. સુરક્ષાકર્મીઓએ તેને દબોચી લીધો છે.
કોંગ્રેસ નેતા વડિંગે કહ્યું- પંજાબ સરકાર જવાબદાર
પંજાબ કોંગ્રેસના વડા અને લુધિયાણાના સાંસદ અમરિન્દર સિંહ રાજા વડિંગે કહ્યું- મને લાગે છે કે પંજાબમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. આરોપીને કસ્ટડીમાં લેવો એ કોઈ મોટી ઉપલબ્ધિ નથી. હું આ માટે પંજાબ સરકારને જવાબદાર માનું છું.
સાંસદ હરસિમરત બાદલ સુવર્ણ મંદિર પહોંચ્યા
કોણ છે હુમલાખોર નારાયણ સિંહ?
સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર નારાયણ સિંહ ચૌરા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)નો આતંકવાદી રહી ચુક્યો છે. નારાયણ ચૌરા 1984માં પાકિસ્તાન ગયો હતો અને આતંકવાદના પ્રારંભિક તબક્કા દરમિયાન પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોના મોટા કન્સાઇનમેન્ટની દાણચોરીમાં મહત્વની મદદ કરી હતી. પાકિસ્તાનમાં રહેતા તેમણે ગેરિલા યુદ્ધ અને રાજદ્રોહ સાહિત્ય પર એક પુસ્તક પણ લખ્યું હોવાના અહેવાલ છે. તે બુદૈલ જેલબ્રેક કેસમાં પણ આરોપી છે. નારાયણ અગાઉ પંજાબની જેલમાં સજા કાપી ચૂક્યો છે.
2 ડિસેમ્બરના રોજ, શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે રામ રહીમ કેસમાં 5 સિંહ સાહેબોની બેઠક યોજાઈ હતી, જેમાં તેમને અને અન્ય મંત્રીમંડળના સભ્યોને શિરોમણી અકાલી દળ સરકાર દરમિયાન ધાર્મિક ગેરવર્તણૂકના આરોપમાં સજા કરવામાં આવી હતી. આ મામલામાં, 30 ઓગસ્ટ 2024ના રોજ, શ્રી અકાલ તખ્તે સુખબીર સિંહ બાદલને ‘તનખૈયા’ (ધાર્મિક દુરાચાર માટે દોષિત) જાહેર કર્યા હતા.
દલજીત સિંહ ચીમાએ ભગવંત માનનું રાજીનામું માંગ્યું
અકાલી નેતા ડૉ. દલજીત સિંહ ચીમાએ કહ્યું- સુખબીર બાદલ શ્રી અકાલ તખ્ત સાહિબના આદેશ પર સેવકની જેમ સેવા કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું સાચા રાજાનો આભાર માનું છું કે તેમણે તેમના સેવકના માથા પર હાથ મૂક્યો અને તેઓ બચી ગયા. અમે પાર્ટી વતી આ ઘટનાની નિંદા કરીએ છીએ.
અમારી પાર્ટીએ પંજાબમાં ખૂબ બલિદાન આપ્યા છે. આજે હું પંજાબના મુખ્યમંત્રીને સવાલ કરવા માંગુ છું કે દરબાર સાહેબની બહાર આવા સેવક પર હુમલો થવો તે ખોટું છે. સીએમ માનને પદ પરથી રાજીનામું આપવું જોઈએ. હુમલાખોર સ્થળ પર જ ઝડપાઈ ગયો હતો. સેવકને હિંમતથી બચાવવા માટે હું સુરક્ષાકર્મીઓનો આભાર માનું છું.
બાદલ સરકારને 5 કેસમાં સજા થઈ
1. રામ રહીમ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચીઃ 2007માં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે સલાબતપુરામાં શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીની પરંપરાને અનુસરીને તેમના જેવા કપડાં પહેરીને અમૃત છાંટવાનો ઢોંગ કર્યો હતો. આના પર રામ રહીમ વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેને સજા આપવાને બદલે બાદલ સરકારે કેસ પાછો ખેંચી લીધો હતો.
2. ડેરા મુખીને સુખબીર બાદલે માફી અપાવી હતી અને શ્રી અકાલ તખ્ત સાહેબે કાર્યવાહી કરી રામ રહીમને શીખ પંથમાંથી હાંકી કાઢ્યો હતો. પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સુખબીરે રામ રહીમને માફી અપાવી હતી. આ પછી અકાલી દળ અને શિરોમણિ સમિતિના નેતૃત્વને શીખોના ગુસ્સા અને નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. આખરે શ્રી અકાલ તખ્તે રામ રહીમને માફી આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો.
3. અપમાન કરવાની ઘટનાઓની યોગ્ય તપાસ કરવામાં આવી નહીં, બાદલ સરકારના કાર્યકાળ દરમિયાન, 1 જૂન, 2015ના રોજ, કેટલાક લોકોએ બુર્જ જવાહર સિંહ વાલા (ફરીદકોટ)ના ગુરુદ્વારા સાહિબમાંથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બીડની ચોરી કરી હતી. ત્યારપછી 12 ઓક્ટોબર 2015ના રોજ બરગારી (ફરીદકોટ)ના ગુરુદ્વારા સાહિબમાંથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબના 110 ભાગોની ચોરી કરીને ફેંકી દેવામાં આવ્યા હતા. જેના કારણે શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. અકાલી દળ સરકાર અને તત્કાલીન ગૃહમંત્રી સુખબીર સિંહ બાદલે આ મામલાની સમયસર તપાસ કરી ન હતી. ગુનેગારોને સજા આપવામાં નિષ્ફળ પહ્યા હતા. જેના કારણે પંજાબમાં સ્થિતિ વણસી ગઈ હતી.
4. ખોટા કેસમાં માર્યા ગયેલા શીખોને ન્યાય ન આપી શક્યા અકાલી દળની સરકારે સુમેધ સૈનીને પંજાબના ડીજીપી નિયુક્ત કરવામાં આવ્યા. તેમને રાજ્યમાં નકલી પોલીસ એન્કાઉન્ટર કરીને શીખ યુવાનોની હત્યા કરવા માટે દોષિત ગણવામાં આવ્યા હતા. આલમ સેનાની રચના કરનાર પૂર્વ ડીજીપી ઇઝહર આલમે તેમની પત્નીને ટિકિટ આપીને મુખ્ય સંસદીય સચિવ બનાવ્યા.
5. સંગતના પૈસાથી જાહેરાતો આપવા બદલ સુખબીર બાદલ સિવાય તેમના નિર્ણયનું સમર્થન કરનારાઓને પણ સજા ફટકારવામાં આવી છે. ડેરા મુખીને માફી આપવામાં આવ્યા બાદ આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં અંદાજે રૂ. 90 લાખ SGPC ફંડમાંથી ખર્ચવામાં આવ્યા હતા.