ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.
પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.
ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે. ફાર્મર રજીસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. જે મુજબ કુલ લક્ષ્યાંક સામે 25 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ. 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ 25 ટકા નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી ગુજરાતને રૂ. 82કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં થશે.
આ ઉપરાંત કુલ લક્ષ્યાંક સામે 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય તેવા રાજ્યોને રૂ. 123 કરોડ સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ આપવામાં આવશે. રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી વધુ વેગવાન બની છે. ગુજરાતમાં 33 ટકાથી વધુ નોંધણી પૂર્ણ થઇ છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર 50 ટકાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કરશે અને ભારત સરકાર તરફથી રૂ.123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મેળવવાને પાત્ર બનશે.