ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતી. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે દેશના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા 91 વર્ષના ડૉ.મનમોહન સિંહે દેહ છોડ્યો હતો.
ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા, ડૉ. સિંહે તેમના જીવનમાં શિક્ષણ, અર્થશાસ્ત્ર અને રાજકારણમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. ડૉ.મનમોહન સિંહે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આ પછી તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે)માંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી મેળવી. તેમણે 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી. ફિલની ડિગ્રી મેળવી. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણાવવા તરફ દોરી ગયો
પાંચ બાયપાસ કરાવી હતી
1971 માં ડૉ. સિંહ ભારત સરકારમાં જોડાયા અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા. 1972માં તેમને નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, તેઓ નાણાં મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર રહ્યા. 1990માં તેમની બાયપાસ સર્જરી થઈ હતી અને 2004માં સ્ટેન્ટ નાખવામાં આવ્યા હતા. આ પછી, તેણે 2009 માં ફરીથી કાર્ડિયાક સર્જરી કરાવી, જેમાં કુલ પાંચ બાયપાસનો સમાવેશ થાય છે.
નાણામંત્રી તરીકે યોગદાન
1991 થી 1996 સુધી, ડૉ. સિંહ ભારતના નાણાં પ્રધાન હતા. આ સમય દરમિયાન તેમણે આર્થિક સુધારાની વ્યાપક નીતિ લાગુ કરી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ. આ સુધારાઓએ ભારતને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું અને તેને નવી દિશા આપી. ડૉ.મનમોહન સિંહ 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમણે પાંચ વખત આસામનું પ્રતિનિધિત્વ કર્યું અને 2019માં રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1998 થી 2004 સુધી, જયારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, ત્યારે ડૉ. સિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા હતા. તેમણે 1999માં દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.