અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્ષ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપની બહાર એકઠા થઈ ગયા છે.