રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યારસુધી સરેરાશ 51.37 ટકા જેટલો વરસાદ થયો છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા પણ સાત દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને ગત રાત અને આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવાર સવારે 6 વાગ્યાથી શનિવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના ફતેપુરા, બનાસકાંઠાના પાલનપુર, દાંતા, અમીરગઢ અને ધાનેરામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે પાલનપુરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો પાણટના રેલવે અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે.
આગામી 7 દિવસ હળવા વરસાદ શક્યતા હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે, મહત્ત્વનું છે કે રાજ્યમાં અત્યારસુધીમાં 388.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 255.7 મિલીમીટર કરતાં 52% વધુ છે.
