Vadodara News Network

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અમદાવાદમાં પડઘા:હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપનું વિરોધપ્રદર્શન, માનવસાંકળ રચી ચિન્મયદાસ મહારાજને મુક્ત કરાવવાની માગ કરી

બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધપ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યાં છે. આજે (10 ડિસેમ્બર) અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવસાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 8.30થી 9.15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવસાંકળ રચાઈ હતી. અહીં ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જગન્નાથ મંદિરના મહંત પણ કાર્યક્રમમાં જોડાયા અમદાવાદ શહેરનાં વિવિધ બોર્ડમાંથી ઓછામાં ઓછા 150 લોકો સહિત ભારતીય જનતા પાર્ટીના સંત સમિતિના સભ્યો પણ વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો, બંધ કરો સહિત વિવિધ નારા લગાવવામાં આવી રહ્યા છે. આજની માનવસાંકળમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના બોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા છે. હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યા હતા.

બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ આપણા માટે શરમજનકઃ દિલીપદાસજી આ અંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ છે એ આપણા માટે શરમજનક છે. મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય એવી માગણી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે તેમને ઝડપથી મુક્ત કરવામાં આવે. આપણે સૌ હિન્દુ સાથે છીએ અને હંમેશાં સાથે રહીશું.

ઇસ્કોનના બધા સમર્થકોમાં આક્રોશ છેઃ શ્યામચરણ દાસજી ભાડજ હરે ક્રિષ્ના મંદિરના શ્યામચરણ દાસજીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આજે આપણે એક અગત્યની બેઠક માટે એકત્ર થયા છીએ. અમુક મહિનાથી નહીં, પણ ઘણાં વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે. ઘણાં વર્ષોથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવે છે. પૂજારીઓની હત્યા કરવામાં આવી રહી છે. ઇસ્કોનના બધા સમર્થકોમાં આક્રોશ છે. કોઈપણ દેશમાં પોતાના ધર્મનું પાલન કરવામાં આવે એની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેનો ભંગ કરનારાઓ સામે કઠોરમાં કઠોર પગલાં લેવાવા જોઈએ.

‘આવતીકાલે મોક્ષદ એકાદશી છે’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાંગ્લાદેશની સરકારને રજૂઆત છે કે સનાતન ધર્મનું પાલન કરનારા લોકોનું રક્ષણ કરે. ચૈતન્ય મહાપ્રભુએ બાંગ્લાદેશમાં જન્મ લીધો છે અને તેમણે ક્યારેય શસ્ત્ર ઉઠાવ્યા નથી. ટૂંક સમય પહેલાં જ આ વિરોધપ્રદર્શનમાં ભગવાનનું નામ લેતું ભજન ભજવેલું. તો આપણે બધા સનાતન ધર્મનો અભ્યાસ કરી એનો એટલી હદે ફેલાવવાનો પ્રયાસ કરીઓ, જેટલો પ્રયત્ન સાધુ-સંતો કરે છે. આવતીકાલે મોક્ષદ એકાદશી છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો જે આદેશ આપ્યો હતો તેમના અવતરણ દિવસ છે. આપણે બધા જો આપણી એકતાને વ્યક્ત કરવા માગતા હોઈએ તો આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ. આપણે એનું પાલન કરીને ચોક્કસથી વિજય થઈશું.

ડાબેથી દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત અને કાર્યક્રમમાં પધારેલા સ્વામીઓ.

વિશ્વમાં હિન્દુઓ ‘એક હૈ તો સેફ હૈ’: દેવાંગ દાણી આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ થઇ રહ્યા છે. એના વિરોધમાં અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આજે સમગ્ર અમદાવાદમાં હિન્દુ સમાજ રોડ પર ઊતરી આવ્યો છે અને રિવરફ્રન્ટ પર માનવસાંકળ બનાવવામાં આવી છે. ત્યાંના જે ઉપદ્રવ્યો છે તેમને ચેતવણી આપવામાં આવે છે કે હિન્દુ સમાજ ક્યારેય કોઇના પર હુમલો કરતો નથી, પણ જો તેમના પર હુમલો કરવામાં આવે તો એને જરાય સાંખી લેવામાં નહીં આવે. એટલા માટે આજે બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં વિશાળ માનવસાગર ઊમટ્યો છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓ ‘એક હૈ તો સેફ હૈ’ એવો મેસેજ મોકલવા માગીએ છીએ. બાંગ્લાદેશમાં ભલે હિન્દુઓ ઓછા હોય, પણ સમગ્ર વિશ્વના હિન્દુઓ તેમની સાથે છે.

ડાબેથી રોહિત પટેલ, ઠક્કરનગર વોર્ડ પ્રમુખ અને જમણેથી દેવાંગ દાણી, સ્ટેડિંગ કમિટીના ચેરમેન.

હિન્દુઓને પલાયન કરવા મજબૂર કરાઈ રહ્યા છેઃ રોહિત પટેલ આ અંગે ઠક્કરનગર વોર્ડના પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઇ રહ્યો છે. હિન્દુઓનાં મંદિરો તોડવામાં આવી રહ્યાં છે. મહંતોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને હિન્દુઓને પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને હજી આવી રહ્યા છે.

આત્મરક્ષા માટે હથિયાર ઉપાડવાં જ પડશેઃ ડૉ. ભરત પટેલ ગુજરાત પ્રાંતના સંઘ સંચાલક ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં જે આયોજન થયું એ દેશભરમાં ચાલે છે. આપણે બાંગ્લાદેશના હિન્દુઓનું મનોબળ મજબૂત કરવાનું છે, કારણ કે ત્યાંના હિન્દુઓએ જે લડત આપવાની છે કે ભલે મરી જઈએ પણ 5ને મારીને મરવાનું છે. હિન્દુ વ્યાપક શબ્દ છે, પણ એને સંકુચિત કરવામાં આવ્યો છે, તેથી સનાતન શબ્દનો ઉપયોગ થાય છે. સનાતનીએ શસ્ત્ર નથી ઉપાડવાનાં, પણ ઘરમાં રાખવાં જ પડશે અને જરૂર પડ્યે આત્મરક્ષા માટે એ ઉપાડવાં જ પડશે.

ભૂતકાળમાં કરેલી ભૂલોનું પરિણામ જોઈ રહ્યા છીએઃ ચૈતન્ય શંભુ મહારાજ ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે હિન્દુઓની હત્યાં કરવામાં આવી રહી છે. મંદિરો તોડવામાં આવી રહ્યાં છે. આજે હિન્દુઓની રક્ષા માટે વિશાળ માનવાસાંકળ બનાવવામાં આવી છે. ભૂતકાળમાં કરેલી ભૂલનું આજે આપણે પરિણામ જોઈ રહ્યાં છીએ. આ માત્ર બાંગ્લાદેશની વાત નથી. જો હજી પણ હિંદુઓ એક ન થયાં તો ભવિષ્યની અંદર આવું અન્ય જગ્યાએ પણ થતું રહેશે. હવે આપણે હિન્દુઓએ એક થવું જોઈએ. વડાપ્રધાને કહેલો ‘એક હૈ તો સેફ હૈ’નો નારો સ્વીકારવો પડશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક કાગળ લખવામાં આવ્યો છે કે યુનોને આની જાણ કરી સખત પગલાં લેવા માટે યુનોએ આગળ આવવું જોઈએ અને જો યુનો ના પાડે તો ભારતને છૂટ આપવી જોઈએ કે તમે કરી શકો છે. ભારતે બાંગ્લાદેશને પાઠ ભણાવવો જોઈએ.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved