Baghpat Accident : હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળાની વચ્ચે રાજ્યના બાગપતથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બાગપતમાં મંગળવારની સવારે ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ દરમિયાન માન સ્તંભ સંકુલમાં લાકડાનું સ્ટેજ ધરાશાયી થયું હતું. જેના કારણે 50થી વધુ શ્રદ્ધાળુઓ નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 40 અન્ય ઘાયલ થયા છે. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. આ ઉપરાંત નાસભાગને કાબૂમાં લઈ રહેલા 5 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
વિગતો મુજબ આ દુ:ખદ અકસ્માત બરૌત શહેરના કોતવાલી વિસ્તારમાં ગાંધી રોડ પર થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ડીએમ અસ્મિતા લાલ અને એસપી અર્પિત વિજયવર્ગીય હોસ્પિટલ પહોંચીને ઘાયલોની માહિતી લઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનેલા માન સ્તંભનું સ્ટેજ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આજે અહીં નિર્વાણ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો હતો અહીં 65 ફૂટ ઉંચો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. તેની સીડીઓ તૂટી ગઈ. જેના કારણે ત્યાં બનાવેલ પ્લેટફોર્મ ધરાશાયી થઈ ગયું અને તેની નીચે અનેક શ્રદ્ધાળુઓ દટાઈ ગયા. ત્યારબાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
CM યોગીએ દુખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપત જિલ્લાની ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.