Luxury Cars : વર્ષ 2024 પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસ બાકી છે ત્યારે હવે લક્ઝરી ગાડીઓના વેચાણે રેકોર્ડ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. તો શું સસ્તી કારના દિવસો ખતમ થવાના છે? વર્ષ 2024માં લક્ઝરી કારની માંગ કંઈક આવો જ સંકેત આપી રહી છે. આંકડા દર્શાવે છે કે, આ વર્ષે દર કલાકે 6 એવી લક્ઝરી કાર વેચાઈ હતી જેની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હતી. એટલે કે દર 10 મિનિટે એક લક્ઝરી કારનું વેચાણ થાય છે. આ કારોમાં ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી મોટી બ્રાન્ડની કારનો સમાવેશ થાય છે.
આંકડા મુજબ 5 વર્ષ પહેલા દર કલાકે લક્ઝરી કારના વેચાણની સંખ્યા માત્ર બે હતી. આવી સ્થિતિમાં આ 5 વર્ષમાં તેમાં ત્રણ ગણો વધારો થયો છે. આ દર્શાવે છે કે સમૃદ્ધ વર્ગ વિસ્તરી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર લક્ઝરી કાર ઉત્પાદકો વર્ષ 2025માં બે ડઝનથી વધુ નવા વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
હવે જાણો કેવું રહેશે વર્ષ 2025?
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે લક્ઝરી કારના વેચાણમાં વર્ષ 2025માં વધુ વધારો થવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે ,વર્ષ 2025માં લક્ઝરી કારનું વેચાણ 50 હજારને પાર કરી જશે. જો આવું થશે તો તે પ્રથમ વખત બનશે. ઓડી ઈન્ડિયાના વડા બલબીર સિંહ ડિલિયોને કહ્યું, અમે 2025માં ઉદ્યોગ 8 થી 10%ના દરે વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. આ દરમિયાન મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંતોષ અય્યરે કહ્યું, વર્ષ 2025માં લક્ઝરી કારના વેચાણમાં વધારો થવાની આશા છે.
વર્ષ 2024માં કેવી હતી સ્થિતિ?
આ વર્ષે પણ લક્ઝરી કારના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2024માં મર્સિડીઝ બેન્ઝ કારના વેચાણની સંખ્યા 20 હજાર સુધી પહોંચી જશે. કંપનીએ સપ્ટેમ્બરના નવ મહિનામાં વેચાણમાં 13% વૃદ્ધિ નોંધાવી 14,379 યુનિટ્સ નોંધાવ્યા છે. આ દરમિયાન જાન્યુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે BMW ઇન્ડિયાનું વેચાણ લગભગ 5% વધીને રેકોર્ડ 10,556 વાહનો પર પહોંચી ગયું છે. ઓડી ઈન્ડિયાએ કહ્યું કે, તે આવતા વર્ષે ફરીથી વેચાણ વધારવા માટે તૈયાર છે.
કેમ વધી રહ્યું છે લક્ઝરી કારનું વેચાણ ?
દેશમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નાઈટ ફ્રેન્કના ‘ધ વેલ્થ રિપોર્ટ 2024’ અનુસાર અતિ સમૃદ્ધ ભારતીયોની સંખ્યામાં 2023માં 13263થી 2028માં 19908 સુધી 50%નો વધારો થવાની ધારણા છે. ભારત પછી ચીન (47%), તુર્કિયે (42.9%) અને મલેશિયા (35%) આવે છે. ઈન્ડસ્ટ્રીના જાણકારોના મતે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થવાને કારણે લક્ઝરી કારના વેચાણમાં વધારો થયો છે.