Vadodara News Network

બાળકો સ્માર્ટ ફોન અને સો.મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે!:ઓસ્ટ્રેલિયા પછી ભારતમાં સૌ પહેલા ગુજરાત સરકાર ટીચર-પેરેન્ટ્સ-બાળકો માટે ગાઇડલાઇન લાવશે

તાજેતરમાં જ સુરતમાં માતા-પિતાએ મોબાઇલના ઉપયોગ મામલે ટકોર કરતા બે યુવતીઓએ આપઘાત કરી લીધો છે. જેને લઈ બાળકો દ્વારા થતા ગુજરાત સરકાર ચિંતિત થઈ અને સ્માર્ટ ફોન તથા સોશિયલ મીડિયાના ઉપયોગ પર અંકુશ લાવવા તૈયારીઓ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા પછી દેશમાં સૌપ્રથમવાર ગુજરાત સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના યુઝ પર ગાઈડલાઇન લાવી રહી છે.

સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

ક્લાસ-રૂમમાં શિક્ષકો દ્વારા મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત-ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.

‘પેરેન્ટ્સ બાળકના ભવિષ્યની ચિંતા કરી સોશિયલ મીડિયાથી દૂર રાખે’ વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન–રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે, સાથોસાથ મંત્રીએ બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.

અન્ય રાજ્યો પણ ગુજરાત મોડલ પરથી પ્રેરણા લઈ શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં અને ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દુર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો અને વાલીઓ–બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

વાંચો: ફોન બાબતના ઠપકામાં એકની એક દીકરીનો આપઘાત

વધુમાં મંત્રીએ એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી, તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાનો જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.

આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ટેકનિકલ કમિશનર બંછાનિધિ પાની, નિયામક ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરૂ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક પ્રજેશ રાણા, નિયામક પ્રાથમિક શાળા એમ.આઈ.જોષી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ કૌશલબેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય યુઝર્સ રોજ સરેરાશ 7.3 કલાક સ્માર્ટ ફોન પર વિતાવે છે એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ ફર્મ ‘રેડસીર’ અનુસાર, ભારતીય યુઝર્સ દરરોજ સરેરાશ 7.3 કલાક સુધી તેમની નજર તેમના સ્માર્ટફોન પર રાખે છે. તેઓ મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. જ્યારે, અમેરિકન યુઝર્સનો સરેરાશ સ્ક્રીન સમય 7.1 કલાક છે અને ચીની યુઝર્સનો 5.3 કલાક છે. ભારતીય યુઝર્સ પણ સોશિયલ મીડિયા એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અમેરિકા અને બ્રિટનમાં સરેરાશ એક વ્યક્તિ પાસે 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, જ્યારે એક ભારતીય ઓછામાં ઓછા 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે.

ઓસ્ટ્રેલિયા-બ્રિટનમાં ટૂંક સમયમાં પ્રતિબંધ લાગી શકે ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ, જો X, TikTok, Facebook અને Instagram જેવા પ્લેટફોર્મ બાળકોને એકાઉન્ટ રાખવાથી રોકવામાં નિષ્ફળ જાય છે, તો તેમને $32.5 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો: સતત મોબાઈલમાં વ્યસ્ત દીકરીને ઠપકો આપી ફોન લઈ લેતા ગળાફાંસો ખાધો

ભારતમાં અત્યારસુધી શું થયું છે? ભારત સરકારે 17 ઓક્ટોબર 2000ના રોજ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે IT એક્ટ ઘડ્યો હતો. એને સાયબર લો પણ કહેવામાં આવે છે. આ કાયદામાં 94 કલમ છે, જેમાં 13 પ્રકરણ અને 4 અનુસૂચિનો સમાવેશ થાય છે. IT એક્ટમાં 2008માં સુધારો કર્યો હતો.

20 ડિસેમ્બર 2018ના રોજ ગૃહ મંત્રાલયે 10 કેન્દ્રીય એજન્સીઓને કોમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટા પર દેખરેખ રાખવાની સત્તા આપી હતી. આ કાયદાની કલમ 69A હેઠળ ઓનલાઈન કન્ટેન્ટ અને મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે. આ કાયદા હેઠળ 2020માં ટિકટોક એપને પ્રતિબંધિત કરવામાં આવી હતી.

ભારત સિવાય ઘણા દેશોએ સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કાયદા બનાવ્યા છે…

  • ઓક્ટોબર 2024માં નોર્વેએ બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા માટે કાયદો પસાર કર્યો હતો. આ અંતર્ગત 13થી 15 વર્ષનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતાં નથી.
  • 2023માં ફ્રેન્ચ સરકારે 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અહીં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે.
  • યુરોપિયન યુનિયને 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. યુનિયને 27 સભ્ય દેશોમાં આ કાયદો લાગુ કર્યો હતો.
  • જર્મનીમાં 13થી 16 વર્ષની વયનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતાં નથી. જો કોઈ કારણોસર તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હોય તો માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે.
  • બેલ્જિયમમાં 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને ઇટાલીમાં 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ છે.
Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved