શહેર-જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પિલર અને એપ્રોચ રોડ વિશ્વામિત્રી નદીને અવરોધતા હોવાના તજજ્ઞોના રિપોર્ટ વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને નદીને 9 સ્થળે ઓળંગતી બુલેટ ટ્રેનના તમામ એપ્રોચ રોડના દબાણો દૂર કર્યાની જાહેરાત કરી છે. હ્યુમન રાઈટ કમિશને નિમેલી કમિટીએ આપેલા રિપોર્ટ બાદ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને જાહેરાતમાં જણાવ્યું કે, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન વડોદરા અને તેની આસપાસ વિશ્વામિત્રી નદીને 9 સ્થળોએ ઓળંગે છે. જ્યાં પાણીના પ્રવાહની સામાન્ય પહોળાઈ 50થી 80 મીટર છે.
ચોમાસામાં બંને તરફ તટની ઓછી ઊંચાઈથી કેટલીક જગ્યાએ નદી 100 મીટરથી વધુ પહોળી થાય છે. બુલેટ ટ્રેન દ્વારા વિશ્વામિત્રી નદીના 1.7 કિલોમીટર લાંબા માર્ગ માટે 4થી 5 મીટરના વ્યાસના 46 થાંભલા ગોળાકાર બનાવ્યા છે. જે નદીને અવરોધતાં નથી. નદી આસપાસનો કચરો-બાંધકામ સામગ્રી દૂર કરાઇ છે. ચોમાસામાં વિશ્વામિત્રીના જળ પ્રવાહ અવરોધાય નહીં તે માટે એપ્રોચ રોડના દબાણો દૂર કર્યા છે. પ્રવાહ માટે અધિકારીઓ દેખરેખ કરશે. જોકે રેલ કોર્પોરેશને રિપોર્ટ હ્યુમન રાઈટ કમિટીને આપવાની જગ્યાએ મીડિયા સમક્ષ મુકતા ચર્ચા ઉઠી હતી.
પૂર બાદ પાલિકામાં મળેલી બેઠકમાં કમિટીએ બુલેટ ટ્રેનના અધિકારીઓ પાસે પાણીના અવરોધ અંગે રિપોર્ટ માંગ્યો હતો શહેરમાં આવેલા પૂર બાદ બુલેટ ટ્રેનના પિલરના કામ વખતે મુકેલી પ્લેટના કારણે નદીનું પાણી અવરોધાયું હોવાની ફરિયાદો ઉઠી હતી. જે તે સમયે બુલેટ ટ્રેનના અધિકારીઓએ સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી સાથે બેઠક કરી તેમના પ્રોજેક્ટના કારણે નદીમાં અવરોધ ઊભો થયો હોવાની વાત નકારી હતી. જોકે હ્યુમન રાઈટ કમિશને નિમેલી કમિટીએ પાલિકામાં 2 બેઠક કરી સ્થળ વિઝીટ કર્યા બાદ બુલેટ ટ્રેનના પિલર વિશ્વામિત્રીના પાણીને અવરોધે છે તેવો રિપોર્ટ માંગ્યો હતો.
પિલર નદીના પાણીને અવરોધ ઉભો કરતા હોવાનો રિપોર્ટ હતો
- હ્યુમન રાઈટ કમિશન નિમેલી કમિટીએ વિશ્વામિત્રી નદીમાં બુલેટ ટ્રેનના પિલર પાણીના પ્રવાહને અવરોધતા હોવાનો રિપોર્ટ સબમીટ કર્યો હતો.
- કમિટી દ્વારા બુલેટ ટ્રેનના અધિકારીઓને અવરોધ ઊભા કરતા એપ્રોચ રોડને હટાવવા કહ્યું હતું અને એક્શન પ્લાન માંગ્યો હતો.
- નદીમાં એક કરતાં વધારે પીલર છે તો તેનાથી પાણીના વહેણને શુ અસર થશે? તેનો એક્શન પ્લાન મુકવા કહ્યું હતું.
- પીલરના અવરોધની અસર ઓછી થાય તેના માટે બુલેટ ટ્રેન કયા પગલાં લેશે તેની માહિતી રજૂ કરવા કહ્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ: પીલર માટે નખાયેલી લોખંડની પ્લેટ બાબતે લોકોએ રજૂઆત કરી હતી શહેરમાં ગત વર્ષે ત્રણ વખત પૂર આવ્યું હતું. જેમાં 25 જુલાઈએ 14 ઇંચ વરસાદથી વિશ્વામિત્રીમાં પાણી ઠલવાયા હતા. જોકે અકોટા નજીક નદીમાં બુલેટ ટ્રેનના ગડર માટે લોખંડની પ્લેટો નાખી એપ્રોચ રોડ બનાવાયો હતો. તેના કારણે પાણી અવરોધાયુ હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. પીલર માટે બનાવેલા એપ્રોચ રોડના કારણે અકોટા સહિત વિસ્તારમાં પાણી ભરાયું હતું. આ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જેની અસર એક મહિના બાદ 27મીએ ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. પૂર પૂર્વે તત્કાલીન મ્યુનિ. કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેને સ્થળ મુલાકાત કરી હતી. જોકે ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
