ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી આ મામલાને લઈ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા સિવિલમાં બાળકીનાં પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી હતી, સાથે કહ્યું હતું કે બાળકીની હાલત નાજુક છે. જો તેની સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર લઈ જવા માટે તૈયાર છે. તો બીજી તરફ હોસ્પિટલના RMOએ કહ્યું હતું કે બાળકીને અહીં બેસ્ટ સારવાર મળી રહી છે. જરૂર પડે તો સર્જરી અંગે નિર્ણય કરાશે. ઝારખંડના મંત્રીની વડોદરા મુલાકાત અંગે આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે ઝારખંડની ટીમ અહીંથી ખુશ થઈને ગઈ છે. કોઈને રાજકીય મુદ્દો ઊભો કરવો હોય તો કરી શકે, કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી.
બાળકીની હાલત નાજુક, અમે અન્ય સેન્ટરમાં સારવાર માટે લઈ જવા તૈયાર- મંત્રી ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીની હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેના ખબરઅંતર પૂછવા માટે ઝારખંડ સરકારમાં કોંગ્રેસનાં મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે આવી પહોંચ્યાં હતાં. દુષ્કર્મ પીડિતા, તેનાં પરિવારજનો અને તબીબો સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે બાળકીની હાલત નાજુક છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર તૈયાર છે.
ઝારખંડ સરકાર તરફથી 4 લાખની સહાય ઝારખંડનાં પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહે વધુમાં જણાવ્યું હતું કે ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ મોકલી છે. બાળકીને સારી સારવાર મળે એ માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમને અહીં મોકલ્યા છે. ઝારખંડ સરકાર તરફથી બાળકીના પરિવારને ચાર લાખની સહાય કરવામાં આવી છે. બાળકીને અહીથી એરલિફ્ટ કરીને અન્ય રાજ્યમાં સારવાર જોઇતી હોય તોપણ અમારી તૈયારી છે. આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માગ છે. આરોપી પણ ઝારખંડનો છે, પણ આરોપી કોઇપણ હોય, તેને સજા મળવી જોઇએ.
‘રાજકારણથી દૂર રહી બાળકીને સારવાર મળે એ માટે તેના પર ધ્યાન આપવું જોઈએ’ મહિલા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જો પ્રવાસી મજૂરો સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો ગુજરાત સરકારે જોવું જોઈએ. ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ થઈ જશે. આવી ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકીને સારી સારવાર કઈ રીતે મળે એના પર ધ્યાન આપવું પડશે.
મને મળેલી સૂચના પ્રમાણે મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે. – ઋષિકેશ પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં દીકરી સાથે બનેલી અઘટિત ઘટનામાં હોસ્પિટલમાં પૂરતી સૂચના આપવામાં આવી છે અને તેને ઝડપથી સાજી કરવા માટે સૂચના આપી છે. માનસિક તબીબ દ્વારા પણ સારવાર મળી રહે એ માટે કહેવામાં આવ્યું છે. ઝારખંડનું મંત્રીમંડળ અને ટીમ આવી છે, એ પણ અહીંથી ખુશ થઈને ગઈ છે. જો કોઈને રાજકીય મુદ્દો ઊભો કરવો હોય તો કોંગ્રેસ માટે બીજા કોઈ મુદ્દા નથી.