Visa Free Travel: રશિયા અને ભારતના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો ટૂંક સમયમાં જ વગર વિઝાએ રશિયા ફરી શકશે. ભારત અને રશિયા વચ્ચે 2025માં એક સિસ્ટમ વિકસિત થવાની સંભાવના છે. આ પહેલા જૂનમાં એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે ભારત અને રશિયાએ વિઝા ફ્રી ટ્રાવેલ માટે એક-બીજાના વિઝા પ્રતિબંધોને ઓછા કરવા માટે દ્વિપક્ષીય સમજૂતી પર ચર્ચા કરી છે.
રશિયાએ ભારતીયો માટે ઑગસ્ટ 2023થી ઈ-વિઝાની શરુઆત કરી હતી, જેની પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ 4 દિવસ લાગ્યા છે. ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ગત વર્ષ રશિયાએ જેટલા ઈ-વિઝા જાહેર કર્યા, તેમાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ કર્યા હતા. રશિયાએ ભારતીયોને 9,500 ઈ-વિઝા આપ્યા.
હાલમાં ભારતના નાગરિકોને રશિયામાં એન્ટ્રી કરવા, ત્યાં રહેવા અને બહાર નીકળવા માટે રશિયન એમ્બેસી કે પછી વાણિજ્ય એમ્બેસીની તરફથી જાહેર વિઝા લેવા જરૂરી હોય છે, જે એક લાંબી પ્રક્રિયા છે.
રૅકોર્ડ સંખ્યામાં રશિયા જઈ રહ્યા છે ભારતીયો
વધુ પડતાં ભારતીયો બિઝનેસ કે પોતાના કામના સંબંધમાં રશિયા જાય છે. 2023માં રૅકોર્ડ 60,000થી વધુ ભારતીયોએ રશિયાનો પ્રવાસ કર્યો, જે 2022ની સરખામણીએ 26 ટકા વધુ છે. રશિયા પોતાના વિઝા ફ્રી ટૂરિસ્ટ એક્સચેન્જ હેઠળ ચીન અને ઈરાનના મુસાફરોને વિઝા ફ્રી એન્ટ્રી આપી રહ્યું છે. ચીન અને ઈરાનની સાથે રશિયાનો આ સહયોગ સફળ રહ્યો છે, જેને જોતા માનવામાં આવી રહ્યું છે કે, ભારતની સાથે એવી જ સિસ્ટમ શરુ કરવામાં આવશે.
હાલમાં ભારતીય પાસપૉર્ટ ધારકોને 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીનો અધિકાર હાંસલ છે. હેનલે પાસપૉર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો પાસપૉર્ટ 82મા સ્થાન પર છે, જેની મદદથી ભારતીય ઇન્ડોનેશિયા, માલદીવ અને થાઇલેન્ડ જેવા ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ પર વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.