છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. આ વિવાદ વચ્ચે એક મહત્વપુર્ણ બેઠક યોજવામાં આવી હતી. ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બેઇજિંગમાં સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં થઈ. તમને જણાવી દઈએ કે ભારત-ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 33મી બેઠક આજે ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ ગૌરાંગલાલ દાસે કર્યું હતું અને ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સરહદી અને સમુદ્રી બાબતોના વિભાગના મહાનિર્દેશક હોંગ લિયાંગે કર્યું હતું.આ દરમિયાન ભારત અને ચીન આગામી ખાસ પ્રતિનિધિ બેઠક માટે પૂરતી તૈયારીઓ કરવા સંમત થયા. LAC પર પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા અને ચર્ચા પણ કરવામાં આવી હતી.
ભારત અને ચીને બેઇજિંગમાં એક નવી રાજદ્વારી વાતચીત યોજી હતી જેમાં બંને દેશોએ છેલ્લી ખાસ પ્રતિનિધિ વાટાઘાટો દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે અનેક પગલાં અને દરખાસ્તો પર વિચાર કર્યો હતો.































