Bollywood: ડિરેક્ટર રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મોની સાથે-સાથે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પણ જાણીતા છે. રામ ગોપાલ વર્મા અભિનેત્રી શ્રીદેવીને કેટલી પસંદ કરતા હતા તે કોઈનાથી છુપાયેલું નથી. તેમણે ઘણી વખત વ્યક્ત કર્યું છે કે તેઓ શ્રીદેવીને ખૂબ પસંદ કરતા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે શ્રીદેવી વિશે વાત કરી હતી. આ સાથે તેણે શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર વિશે પણ વાત કરી હતી.
શ્રીદેવી સાથે જ્હાન્વીની સરખામણી પર શું કહ્યું?
રામ ગોપાલ વર્માએ શ્રીદેવી સાથે જ્હાન્વીની સરખામણી પર પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું હજુ સુધી જ્હાનવીમાં શ્રીદેવીને જોઈ શક્યો નથી.’ જ્હાન્વી કપૂર હાલમાં જ સાઉથની ફિલ્મ દેવરામાં જોવા મળી હતી. તેના કો-સ્ટાર જુનિયર NTRએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ફોટોશૂટ દરમિયાન એક એવી ક્ષણ આવી હતી જેમાં જ્હાન્વી બિલકુલ શ્રીદેવી જેવી દેખાતી હતી.’ રામ ગોપાલ વર્માએ જુનિયર NTRના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘તેને શ્રીદેવીનું હેંગઓવર હશે એટલે આવું કહ્યું હશે.’
રામ ગોપાલ વર્માએ શ્રીદેવી વિશે શું કહ્યું?
રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના વખાણ કરતા કહ્યું હતું કે, ‘શ્રીદેવીએ પોતાના અભિનયમાં ઘણી રેન્જ બતાવી. જ્યારે હું તેને અભિનય કરતા જોતો ત્યારે હું ભૂલી જતો કે હું ડિરેક્ટર છું. હું તેને દર્શકની જેમ જોવા લાગતો હતો. તે તેની રેન્જ છે.’
જ્હાન્વી કપૂર સાથે કામ કરવા પર ડિરેક્ટરે શું કહ્યું?
જ્યારે રામ ગોપાલને પૂછવામાં આવ્યું કે શું તે જ્હાન્વી કપૂર સાથે કામ કરશે? આ સવાલના જવાબ આપતા રામ ગોપાલે સ્પષ્ટ કર્યું કે, ‘જ્હાન્વી કપૂર સાથે કામ કરવાની મારી કોઈ યોજના નથી. મને માં પસંદ હતી, પુત્રી નહીં. હું આ વાત નેગેટિવ રીતે નથી કહી રહ્યો. સાચું કહું તો મારી કારકિર્દી દરમિયાન ઘણા એવા કલાકારો અને મોટા સ્ટાર્સ રહ્યા છે જેમની સાથે મારું કોઈ ખાસ જોડાણ નથી થયું. મારો જ્હાન્વી સાથે ફિલ્મ કરવાનો કોઈ ઈરાદો નથી.’