લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આધ્યાત્મિક યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારો માટે આ ઘટના અત્યંત દુ:ખદ બની રહી છે.
